Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

''આપ'' ફૂલફોર્મમાં : હવે રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવશે

ગાંધીજી, સરદાર પટેલ, આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલી : રાજકોટ સ્થિત કાર્યકરોએ કહ્યું કેજરીવાલ સરકાર આમ જનતાની સરકારઃ ગરીબ- મધ્યમ વર્ગના લોકો માટે કાર્ય કરવાનો ધ્યેય

રાજકોટ,તા.૧૨: દિલ્હીમાં આમઆદમી પાર્ટીએ ફરી વિજય વાવટો ફરકાવ્યો છે. કેજરીવાલ શાસન ફરી એક વખત આવ્યું છે. ત્યારે રાજકોટ સ્થિત ''આપ''ના કાર્યકરોએ પણ દિલ્હીની જીતની ઉજવણી કરી હતી. બાઈક રેલી યોજી ગાંધીજી, સરદાર પટેલ, ઢેબરભાઈની પ્રતિમાને પુષ્પાંજલી કરી લોકોનું ગોળ ધાણાથી મીઠુ મોઢુ કરવામાં આવેલ. 'આપ' હવે રાજકોટની તમામ ચૂંટણીઓમાં ઝંપલાવશે તેમ રાજકોટ સ્થિત કાર્યકરોએ જણાવ્યું હતું.

તેઓએ જણાવેલ કે દિલ્હીમાં 'આપ'નો ફરી વિજયવાવટો ફરકયો છે. કેજરીવાલ સરકારે દિલ્હીમાં જનતા માટે કામ કરી બતાવ્યું છે. કોઈપણ પક્ષ વિચારધારા સાથે આગળ વધતો હોવાનું જણાવેલ. ગરીબ, મધ્યમ વર્ગ લોકોના કાર્ય કરવા પક્ષનો મુખ્ય ધ્યેય છે.

ગુજરાતમાં 'આપ'નું રજીસ્ટ્રેશન થઈ ચૂકયું છે અને હવે આગામી સ્થાનિક સ્વરાજયની તમામ ચૂંટણીઓ જેવી કે મ્યુ.કોર્પોરેશન, નગરપાલીકા, જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં 'આપ' ઝુકાવશે. પક્ષમાં છેલ્લા ઘણા સમયથી કાર્ય કરી રહ્યા છે તેમાંથી ઉમેદવારોની પસંદગી કરી તેઓને  જ ટિકિટ આપવામાં આવશે તેવું જણાવેલ.

દરમિયાન ગઈકાલે બહુમાળી ભવન ખાતેથી બાઈકરેલીનો ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી કરી પ્રારંભ કરેલ. જયાંથી ડો.આંબેડકરજી, ગાંધજી અને ઢેબરભાઈની પ્રતિમાને ફૂલહાર કરી રેલીનું સમાપન કરવામાં આવેલ.

તસ્વીરમાં અકિલા પરીવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે આમ આદમી પાર્ટીના રાજકોટ પ્રમુખ શ્રી કેશવજી પરમાર, ઉપપ્રમુખ શ્રી ઉત્તમ રાઠોડ, સહમંત્રી શ્રી કિશનભાઈ રાઠોડ, સહમંત્રી શ્રી રાજેશભાઈ પાનસુરીયા અને શ્રી મુકેશભાઈ લાંગણેચા નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:53 am IST)