Gujarati News

Gujarati News

News of Wednesday, 12th February 2020

લીંબુડી વાડી પાછળ પદ્મનાભ ટાવરમાં વહેલી સવારે ચોર ઘુસ્યાઃ તિજોરી ઉઠાવી જવાનો પ્રયાસ

પોલીસની ત્રણ ગાડીઓ પહોંચી ત્યાં ભાગી ગયાઃ બે બહાર ઉભા'તા અને એક તસ્કર તાળા તોડી અંદર ઘુસ્યો હતો

રાજકોટ તા. ૧૧: તસ્કરોએ આજે વહેલી સવારે કાલાવડ રોડ લીંબુડી વાડી પાછળના એક બંગલોમાં ત્રાટકી ચોરીનો પ્રયાસ કર્યો હતો. સવારે ચારેક વાગ્યે બે ચોર બહાર વોચમાં રહ્યા હતાં અને એક અંદર ઘુસી ગયો હતો. તિજોરી તોડવાનો અને નાની તિજોરી બાંધીને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસની ગાડીઓ પહોંચી જતાં તસ્કરોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું.

જાણવા મળ્યા મુજબ લીંબુડી વાડી પાછળ પદ્દમનાભ ટાવરમાં રહેતાં વણિક વેપારી અને પરિવારજનો પ્રસંગોપાત બહારગામ ગયા હોઇ તેમનું ઘર બંધ હતું. વહેલી સવારે ચારેક વાગ્યે તાળા તુટવાના અવાજ આવતાં પડોશીઓ જાગી ગયા હતાં. બે શંકાસ્પદ શખ્સ બહાર ઉભેલા અને એક શખ્સ અંદર ઘુસ્યો હોય તેવું જણાતાં વેપારીના સગાને જાણ કરવામાં આવી હતી. આ અંગે પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન જોડવામાં આવતાં જ ગાંધીગ્રામ પોલીસની ગાડી તેમજ બીજી બે ગાડીઓ તાબડતોબ પહોંચી હતી. એ સાથે જ ચોરટાઓ ભાગી ગયા હતાં.

તસ્કરોએ ઘરમાં તોડફોડ કરી હતી અને તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ એક નાની તિજોરીને બાંધીને ઉઠાવી જવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું કહેવાય છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. વહેલી સવારે પોલીસ બંદોબસ્ત વિડ્રો થયા બાદ તસ્કરોએ ત્રાટકવાનું નક્કી કર્યુ હતું. પરંતુ તેને આ પ્લાનમાં સફળતા મળી નહોતી. આ મામલે કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

(3:53 pm IST)