Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

'સોમા'એ વાયબ્રન્ટ સમિટનાં 'મોટા ભા' થવા માંગતા તથા આવકમાં હિસ્સો માંગતા નારાજ થઈ ચેમ્બર દૂર ખસી ગયું

ચેમ્બર-સોમા વચ્ચેનાં ટોક ઓફ ધ ટાઉન બનેલા 'વાયબ્રન્ટ' ડખ્ખા પાછળની સિલસિલાબંધ વિગતો : છેલ્લી ઘડીએ 'સોમા'ના પ્રમુખે ખેલ પાડી ચેમ્બરના હોદેદારો સાથે વિશ્વાસઘાત-અંધારામાં રાખ્યા હોવાનો આરોપ :ગત સમિટમાં થયેલા એમ.ઓ.યુ.માંથી કેટલા અમલી બન્યા ? કેટલું રોકાણ થયું ? કેટલી રોજગારી મળી ? એ સવાલો હજુ ઉભા

રાજકોટ, તા. ૧૨ :. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે ૨૦૧૬માં યોજાયેલા વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર એકસપો. દરમ્યાન કેટલા એમઓયુ થયા, કેટલું રોકાણ થયું, કેટલી રોજગારી મળી ? એ સવાલો હજુ લોકોના મનમાં ઘુમરી ખાય રહ્યા છે તેવે ટાંકણે ફરી એક વખત વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર-૨૦૧૮નું આયોજન કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા પરંતુ આંતરીક ડખ્ખાઓ સર્જાતા આ વખતે આ સમીટમાંથી ચેમ્બર ઓફ કોમર્સ દૂર ખસી ગયુ છે અને હવે આ સમીટ સોમાના ઉપક્રમે યોજવાની જાહેરાત થઈ છે. ચેમ્બર્સ ઓફ કોમર્સ શા માટે ખસી ગયુ તેની પાછળ મોટા ખેલ ખેલાયા હોેવાનું અને ચેમ્બરને અને તેના હોદેદારોને અંધારામાં રાખવામાં આવ્યા હોવાનું કહેવાય રહ્યુ છે. ટોક ઓફ ધ ટાઉન બનેલા આ મામલાએ વેપારી આલમમાં ભારે ચર્ચા જગાવી છે.

વેપારીઓની મહાજન ગણાતી સંસ્થા ચેમ્બરના ઉપક્રમે વાયબ્રન્ટ સૌરાષ્ટ્ર યોજવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું જે દરમ્યાન સૌરાષ્ટ્ર ઓઈલ મીલ એસોસીએશન એટલે કે સોમા અને તેના પ્રમુખ દ્વારા આ વખતના વાયબ્રન્ટમાં સહભાગીદારીની ઓફર કરવામાં આવતા પ્રારંભના તબક્કે બન્ને સંસ્થાઓએ સાથે રહીને આ ઈવેન્ટ યોજવાનું નક્કી કર્યુ હતું. આ માટેની જોરશોરથી તૈયારી પણ શરૂ કરવામાં આવી પરંતુ ગમે તે થયું સોમાએ આ ઈવેન્ટમાં મુખ્ય સ્પોન્સર બનવા અને રેવન્યુમાં મોટો હિસ્સો માંગતા ચેમ્બરના હોદેદારો નારાજ થઈ ગયા હતા અને ઈવેન્ટમાંથી ખસી જવા મન બનાવ્યુ હતું.

ચેમ્બરનું એવુ કહેવુ છે કે, રાજકોટના આંગણે સૌરાષ્ટ્ર કક્ષાનો વાયબ્રન્ટ ઈવેન્ટ યોજાતો હોય તો તેનું મુખ્ય યજમાનપદ તેને જ મળવુ જોઈએ અને તેના નેજા હેઠળ જ આ ઈવેન્ટ યોજવો જોઈએ. અન્ય સંસ્થાઓ જોડાવા માંગતી હોય તે બહારથી ટેકો આપી ઈવેન્ટને પોેતાનું યોગદાન આપી શકે છે, પરંતુ સોમા અને તેના પ્રમુખે ધરાર સોમાને જ મુખ્ય આયોજક બનાવવાનો આગ્રહ રાખતા અને આવકનો ૫૦ ટકા હિસ્સો માંગ્યો હતો. (ઈવેન્ટ દરમિયાન સ્પોન્સરશીપ અને સ્ટોલના ભાડાથી ગયા વર્ષે ૨૦થી ૨૫ લાખની આવક થવા પામી હતી) જે ચેમ્બરને મંજુર નહોતો. ચેમ્બરનું કહેવુ છે કે સોમા અને તેના પ્રમુખ આખો ઈવેન્ટ હાઈજેક કરી જવા માંગતા હતા એટલું જ નહીં ચેમ્બર અને તેના હોદેદારોને અંધારામાં રાખી આમંણ કાર્ડ પણ સોમાના ઉપક્રમે છપાવી લેવામાં આવ્યા હતા.

આ વધુ બહાર આવતા ચાર-પાંચ દિવસ પહેલા ચેમ્બરમાં હોદેદારો અને સોમા તથા ઓકટાગોન કોમ્યુ.ના સંદીપ પટેલ વચ્ચે ચેમ્બરમાં ેક બેઠક યોજવામાં આવી હતી. જેમા ઉગ્ર દલીલબાજી અને માફામાફી પણ થવા પામી હતી. સોમાએ ખેતી વિષયક થીમ રાખવા અને ધરાર મોટાભા થવાનો આગ્રહ રાખતા ચેમ્બરના હોદેદારો નારાજ થયા હતા અને તેઓએ આખરે આ ઈવેન્ટમાંથી ખસી જવાનું અને ગઈકાલે યોજાયેલ પત્રકાર પરિષદ અને લોન્ચીંગ કાર્યક્રમનો બહિષ્કાર કરવા નિર્ણય લીધો હતો. ચેમ્બરના હોદેદારોનું કહેવુ છે કે આવો ઈવેન્ટ યોજાતો હોય તો થીમ મુખ્યત્વે ઉદ્યોગોને લગતી હોવી જોઈએ અને કૃષિ બીજા સ્થાને આવવી જોઈએ પરંતુ તે પણ પૂર્વ પ્રમુખે નહી સ્વીકારતા આંતરીક મતભેદો સર્જાયા હતા અને ચેમ્બરે આકરો નિર્ણય લીધો હતો.

ચેમ્બરના વર્તુળોનું કહેવુ છે કે સોમા અને તેના પ્રમુખે ચેમ્બરના હોદેદારોને અંધારામાં રાખી સમગ્ર ઓપરેશન પાર પાડયુ એટલું જ નહી અમારી સાથે વિશ્વાસઘાત પણ કરવામાં આવ્યો છે. વર્તુળો એ ઉમેર્યુ હતુ કે ચેમ્બરના પ્રમુખ અને ઉપપ્રમુખને ગઈકાલની પત્રકાર પરિષદ અને લોન્ચીંગ કાર્યક્રમનું આમંત્રણ મળ્યુ હતુ. આવુ અપમાન સહન ન થઈ શકે અને તેથી ચેમ્બર હવે આ ઈવેન્ટમાંથી ખસી જાય છે અને સોમાને ઈવેન્ટ માટે ગુડલક કરવામાં આવે છે.

(4:22 pm IST)
  • વિવાદનું મુળ જસ્ટીસ લોયાના મૃત્યુની તપાસ સાથે સંકળાયેલો છે : પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સુપ્રિમ કોર્ટના જસ્ટીસ રંજન ગોગોએ આપેલા નિર્દેશ access_time 4:04 pm IST

  • પશ્ચિમ બંગાળમાં ભાજપનું બે મહિનામાં બીજીવાર લઘુમતી સંમેલનઃ મમતા ના બ્રાહ્મણ કાર્ડ સામે ભાજપે મુસ્લિમ સંમેલન કર્યું: આ વર્ષની પંચાયતી ચૂંટણી જીતવા ભાજપની પશ્ચિમ બંગાળની વસતીના ૩૦ ટકા મુસ્લિમ મતદારો પર મીટ access_time 11:34 am IST

  • ભારતમાં ૮૦ ટકા લોકો મિડીયા ન્યુઝને અધિકૃત માને છેઃ અમેરીકામાં ૬૨ ટકા માને છે ભારતમાં વસતા પ્રજાજનો પૈકી ૮૦ ટકા લોકો મિડીયાના ન્યુઝને અધિકૃત માને છેઃ જયારે અમેરીકામાં આવા લોકોની સંખ્યા ૬૨ ટકા છેઃ ઉપરાંત ભારતના ૭૨ ટકા લોકો મિડીયાને તટસ્થ તથા નિરપક્ષ ગણતા હોવાનો સર્વે બહાર આવ્યો છે. access_time 3:48 pm IST