Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

ફલાવર-શો વન્સ અગેઇન

૧ લી ફેબ્રુઆરીએ રેસકોર્ષમાં વિશાળ આયોજન

ગત વર્ષે થયેલ ટ્રાફિક અને જનમેદનીની સંખ્યાને ધ્યાને લઇ ફલાવર-શોનુ ફલક વિસ્તારવા આયોજન : મેયર- ડે. મેયર -સ્ટે. ચેરમેન સહિતનાં પદાધિકારીઓનું સ્થળ નિરીક્ષણ

'ફલાવર શો' માટે મેયર ડો. જૈમન ઉપાધ્યાય, પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન નીતિનભાઇ ભારદ્વાજ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસીપલ કમીશ્નર બંછાનીધિ પાની, દંડક રાજુભાઇ અઘેરા, ડે.કમીશ્નર અરૂણ મહેશ બાબુ, ગાર્ડન ચેરમેન દેવુબેન જાદવ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર તેમજ ગાર્ડન સુપ્રી. ડો. હાપલીયા, ટી. પી. ઓ. સાગઠીયા તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ એ સ્થળ નીરીક્ષણ કર્યુ હતું તે વખતની તસ્વીર.

રાજકોટ તા. ૧ર :.. શહેરીજનોએ ગત વર્ષ આનંદ-ઉલ્લાસ સાથે માણેલાં ફલાવર શોનું ફરી વખત રેસકોર્ષ મેદાનમાં ૧ લી ફેબ્રુઆરીથી  આયોજન કરવાનો નિર્ણય મ્યુ. કોર્પોરેશનનાં શાસકો દ્વારા લેવાયો છે.

આ વર્ષ 'ફલાવર શો' નું ગત વર્ષ કરતાં વિશાળ આયોજન કરવા માટે આજે મેયર - કમિશ્નર સહિતનાં પદાધિકારીઓએ રેસોર્સ સંકુલની મુલાકાત લઇ 'ફલાવર-શો'ને વિસ્તારવાની શકયતાઓ ચકાસી હતી.

આ વખતનાં 'ફલાવર-શો' અંગે વિસ્તૃત માહીતી આપતાં મેયર ડો. જૈમન ઉપાધ્યાય - સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યંુ હતું કે ગત વર્ષ માત્ર પુષ્પગલી (પ્રેમ ગલી) માં જ 'ફલાવર-શો' યોજાતાં ટ્રાફીક - વાહન પાર્કીંગ અને ફલાવર શો-માં જનમેદની ઉમટી પડતાં જગ્યા ટૂંકી પડી હોવાની સમસ્યાઓ સર્જાઇ હતી. આથી આ  વર્ષ રેસકોર્ષ બહુમાળી  ભવન સામેનાં દરવાજે થી જ 'ફલાવર-શો'નો પ્રારંભ કરી ચબુતરા મેદાનમાં થઇને પુષ્ગલી (પ્રેમ ગલી) અને ત્યાંથી બાલભવનનાં રસ્તા પર થઇને ફન સ્ટ્રીટ વાળા મેદાન સુધી 'ફલાવર-શો' ને વિસ્તારવાનું આયોજન છે. જે માટે આજે સ્થળ નિરીક્ષણ કરાયુ હતું.

'ફલાવર-શો'માં ફુડ ઝોન, પ્રાણી - પક્ષીઓનું પ્રદર્શન - ફુલછોડનું વેચાણ - પ્રદર્શન - સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનાં આયોજનો ત્થા રંગબેરંગી રોશનીનાં આકર્ષણો રખાશે તેમ પદાધિકારીઓએ જણાવેલ.

(4:07 pm IST)