Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

રૂ. ૮ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા : વળતર ન ચૂકવે તો વધુ સજા

રાજકોટ, તા. ૧ર : રૂ. આઠ લાખના ચેક રિટર્ન કેસમાં કોર્ટે આરોપીને એક વર્ષની સજા અને રૂ. ૮ લાખનું વળતર આરોપી ન ચૂકવે તો વધુ બે માસની વધુ સજાનો હુકમ કરેલ હતો.

આ અંગેની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી પ્રવિણભાઇ બચુભાઇ ચડોતરા, રહે.રાજકોટ વાળાએ આ કામના આરોપી લતાબેન પરેશભાઇ ગોરવાડીયા, રહે. રાજકોટ વાળાને તથા આરોપીના પતિ પરેશભાઇ ગોરવાડીયાને સંયુકત રીતે સંબંધના દાવે રૂ. ૮,૦૦,૦૦૦/- હાથ ઉછીના આપેલા જે અંગે આ કામના આરોપી તથા આરોપીના પતિએ સંયુકત રીતે ફરીયાદીના નામ જોગ પ્રોમીસરી નોટ લખી આપેલ હતી અને ચેક પણ ફરીયાદી જોગ લખી આપેલ હતો.

આ માટે ફરીયાદીએ આરોપીને નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અન્વયે બાય રજી. એ.ડી.થી નોટીસ આપેલ હોવા છતાં આરોપીનો સંતોષકારક કોઇ પ્રત્યુત્તર ન મળતા ફરીયાદીએ પોતાના વકીલશ્રી મારફત રાજકોટ કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ અન્વયે ફરીયાદ દાખલ કરલ જે કેસ ચાલી જતા રાજકોટ કોર્ટે આ કામના આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારેલ છે. વધુમાં આરોપી વિરૂદ્ધ એવો પણ હુકમ કરેલ છે કે સદરહુ ફરીયાદીની લેણી રકમ ૬૦ દિવસમાં વળતર તરીકે ચૂકવી આપવી જો આરોપી સદરહુ રકમ ન ચૂકવે તો વધુ બે માસની સાદી કેદની સજા ભોગવવાનો તા. ૪-૧-ર૦૧૮ના રોજ હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી વતી વકીલ શ્રી વી.સી. ભાવસાર તથા નૃપેન વી. ભાવસાર તથા રાજ વી. ભાવસાર રોકાયેલા છે.

(4:05 pm IST)