Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

સદ્ગુરૂ સદન-આશ્રમમાં ધેનુનાં ધણની પૂજા-અર્ચના સાથે મકર સંક્રાંતિએ ઉજવાશે પૂણ્યદાનનું પર્વ

ગોકુળ-વૃંદાવનની ધેનુ-ગૌમાતા વચ્ચે સદ્ગુરૂ દેવનાં બીલ્લાની પ્રસાદીઃ વિશિષ્ટ ઉત્સવઃ મોક્ષ ગતિના મહાત્મ્યના શુભ દિને દાન પૂણ્યનો લહાવો

રાજકોટ તા. ૧ર :.. આશ્રમ રોડ પર માનવ સેવાની વિવિધ પ્રવૃતિઓથી ધમધમતા શ્રી સદ્ગુરૂ સદન પૂ. શ્રી રણછોડદાસજી મહારાજના આશ્રમમાં મકરસંક્રાંતિ - ઉત્તરાયણના પર્વની તા.૧૪ ના રવિવારે વિશિષ્ટ ઉજવણી થશે.

આયોજનમાં આશ્રમની તપભીની ગૌશાળામાં ધેનુનાં ધણની પૂજા-અર્ચનાં થશે. આ અવસરે ગોકુળ-વૃંદાવનની ધેનુ-ગૌમાતા વચ્ચે સદ્ગુરૂદેવના બિલ્લાની  પ્રસાદી ભેટરૂપે અપાશે. જે ગુરૂપૂર્ણીમાના અવસરે અપાતી 'રક્ષાદોરી'ના અન્ય સ્વરૂપશમી દિવ્યોત્તમ બની રહેશે.

ઉલ્લેખનીય છે કે આ પ્રત્યેક ગાય અને વાછરડાઓની પૂરેપૂરા પૂજયભાવ સાથે માવજત  કરવામાં આવે છે અને ઉમદા ભોજનનો પ્રબંધ કરવામાં આવે છે. આ ગૌ શાળાની ગાયોનાં દૂધ અને ઘી સદ્ગુરૂદેવ પૂ. રણછોડદાસજીબાપુ આંખની હોસ્પીટલના દર્દીઓને નિક્ષુલ્ક અપાતા ભોજનમાં જ ઉપયોગમાં લેવાય છે. ગૌશાળાની ગાયો માટે ઉત્તમ પ્રકારનો ઘાસચારો તેમજ અન્ય સાત્વિક ખોરાક અપાય છે.

સદ્ગુરૂ દેવે ગૌમાતાનું મહાત્મ્ય સમજાવતાં કહ્યું છે કે, 'જહાં ગૌમાતા પ્રસન્નતાપૂર્વક સ્વચ્છ સુખી રહેતી હૈ વહાં ભગવાન શ્રીકૃષ્ણ ભી પ્રસન્ન બિરાજતે હૈ મેં ગૌ સેવાકો સભી દૃષ્ટિએ બરાબર માનતા હું ઇતનાહી નહિ, મેં ગૌસેવાકા પકકા આગ્રહી હું.' પૂણ્ય કરવાના શ્રેષ્ઠ પર્વ તરીકે ઓળખાતા ઉત્તરાયણ - મકરસંક્રાંતિના શુભ દિને ગૌમાતા અર્થે ઉમદા દાન આપવું અને તે નત મસ્તકે સ્વીકારીને તેનો બરાબર સદુપયોગ કરવો એ અહોભાગ્ય ગણાય. સદ્ગુરૂ આશ્રમમાં ગૌશાળા માટે પુણ્યદાન સવારના પાંચ વાગ્યાથી રાત્રીના ૧૦-૩૦ વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે.

આ વિશિષ્ટ ઉત્સવનો લ્હાવો લેવા સૌને ટ્રસ્ટી શ્રી પ્રવિણભાઇ વસાણીએ સૌને વિનંતી કરી છે.

(3:45 pm IST)