Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

મીરા અને રણજીતે પહેલા ૧૫ લાખ માંગ્યા'તા : રણજીત ઉર્ફ રાણાએ ૧૦માં ફાઇનલ કરાવ્યુ'તું: વધુ બે પકડાયા

હનીટ્રેપમાં મુખ્ય ભુમિકા ભજવનારી મીરા અગાઉ ન્યુઝ એન્કર તરીકે કામ કરી ચુકી છે! : મુળ પાંચીયાવદરનો રાણો ફરિયાદી-આરોપી બંનેને ઓળખતો હોઇ વચેટીયો બન્યો'તોઃ મગનભાઇને મુકત કર્યા પછી રાણા અને નવઘણ ઉર્ફ હસુએ સતત ફોન કરી પૈસા આપી જાવ નહિતર વિડીયો વાયરલ થઇ જશે તેવી ધમકીઓ આપી હતી

રાજકોટ તા. ૧૧: ભેંસ ખરીદવા ઇચ્છતા ગોંડલના સેમળા ગામના ૫૫ વર્ષિય ખેડૂત  મગનભાઇ ધનાભાઇ રાંક  સાથે તેના જ ગામના વતની અને હાલ રાજકોટ કોઠારીયામાં રહેતાં રણજીત ચનાભાઇ ગુજરાતી (ખાટ) અને તેની પત્નિ મીરા રણજીત ગુજરાતીએ કાવત્રુ ઘડી રાજકોટ બોલાવી બીજા બે શખ્સો સાથે મળી બાંધી દઇ બેફામ માર મારી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને ગુપ્તાંગ કાપી નાંખવાની ધમકી આપી રૂ. ૧૦ લાખ પડાવવા પ્રયાસ કર્યાના ગુનામાં આ દંપતિની ગત સાંજે ધરપકડ કર્યા બાદ આજે વધુ બે શખ્સોને પણ દબોચી લેવાયા છે. હનીટ્રેપમાં મુખ્ય કાવત્રાખોર તરીકે ભાગ ભજવનારી મીરા અગાઉ એક ગુજરાતી ન્યુઝમાં એન્કર તરીકે પણ કામ કરી ચુકી હોવાનું તે કહે છે. બીજા બે શખ્સોએ ખેડૂતને મુકત કરાયા પછી સતત ફોન કરી પૈસા આપી જવા અન્યથા વિડીયો વાયરલ કરી દેવાશે તેવી ધમકીઓ આપી હતી.

આજીડેમ પોલીસે કોઠારીયા રોડ મીત કારખાના પાછળ નદી કાંઠે નરસીભાઇ રામાણીની વાડીમાં રહેતી મીરા રણજીતભાઇ ગુજરાતીની ગઇકાલે ધરપકડ કર્યા બાદ બીજા બે શખ્સો રણજીત ગુજરાતીના મિત્રો મુળ ગોંડલના પાંચીયાવદરના રણજીત ઉર્ફ રાણો ભીખુભાઇ ચાવડા (ઉ.વ.૩૮) અને કોઠારીયા રોડ મીત કારખાના પાછળ કાળુભાઇની વાડીમાં રહેતાં મુળ વાંકવડના નવઘણ ઉર્ફ હસુ ઉર્ફ હસમુખ છગનભાઇ થોરીયા (ઉ.વ.૪૨)ની પણ ધરપકડ કરી લીધી છે.

આ ચારેય વિરૂધ્ધ આઇપીસી ૩૮૭, ૧૨૦ (બી), ૩૪૨, ૩૩૦, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ કાવત્રુ રચી મગનભાઇને વાડીએ બોલાવી દોરડાથી બાંધી પ્લાસ્ટીકના ધોકાથી માર મારી દસ લાખ રૂપિયા માંગી ન આપે તો બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી સ્ટેમ્પ પેપરમાં ખોટા લખાણમાં સહીઓ કરાવી લીધાનો ગુનો દાખલ થયો હતો.

ભેંસ ખરીદવા માટે ગામના એક વ્યકિત મારફત અગાઉ સેમળામાં જ રહેતાં રણજીત ચાવડાનો મગનભાઇએ ફોનથી કોન્ટેકટ કર્યા બાદ રણજીતની ઘરવાળી મીરાએ મગનભાઇને સામેથી ફોન કરી ભેંસ બાબતે વાતો કરી હતી અને એક દિવસ નવરા હોય તો વાડીએ આવો ને...તેમ કહેતાં મગનભાઇ વાડીએ આવતાં જ કાવત્રાના ભાગ રૂપે તેમને બાંધીને બેફામ ફટકારી વિડીયો ઉતારી ખોટા સ્ટેમ્પ પેપર પર અંગુઠાઓ લઇ લીધા હતાં. તેમજ જો દસ લાખ ન આપે તો બળાત્કારના ગુનામાં ફીટ કરાવી દેવાની અને ગુપ્તાંગ કાપી નાંખવાની ધમકી આપી હતી.

મીરા અને તેના પતિ રણજીતની ધરપકડ બાદ મદદગારીમાં સામેલ રણજીત ઉર્ફ રાણો ચાવડા અને નવઘણ ઉર્ફ હસુ થોરીયાને પણ પકડી લેવાયા છે. મોબાઇલ ફોન, સ્ટેમ્પપેપર, દોરડુ અને પાઇપ સહિત કબ્જે લેવા તજવીજ થઇ છે. રણજીત ઉર્ફ રાણો ફરિયાદી અને આરોપી બંનેને ઓળખે છે. પહેલા તો મીરાએ ૧૫ લાખ માંગ્યા હતાં. પણ બાદમાં રણજીત ઉર્ફ રાણાએ વચ્ચે રહી ૧૦ લાખમાં ફાઇનલ કર્યુ હતું. એ પછી મગનભાઇને છોડી મુકાયા હતાં.

ત્યારબાદ રણજીત ઉર્ફ રાણો અને નવઘણ ઉર્ફ હસુએ સતત મગનભાઇને ફોન કરી પૈસા તાત્કાલીક આપી જાવ નહિતર વિડીયો વાયરલ થઇ જશે તેવી ધમકીઓ આપી હતી. આરોપી મીરાના કહેવા મુજબ તે અગાઉ ગુજરાતી ન્યુઝ પોર્ટલમાં એન્કર તરીકે કામ કરી ચુકી છે. પોલીસને પોતે એન્કરીંગ કરતી હોય તેવા વિડીયો પણ બતાવ્યા હતાં.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ વી. જે. ચાવડા, પીએઅસાઇ એમ. એમ. ઝાલા, એએઅસાઇ જાવેદભાઇ રિઝવી, યશવંતભાઇ ભગત, હેડકોન્સ. ધીરજભાઇ પરમાર, ધર્મેન્દ્રસિંહ ઝાલા, કિરીટભાઇ રામાવત, ભીખુભાઇ મૈયડ, ધારાબેન મેઘાણી વધુ તપાસ કરે છે.

(3:39 pm IST)