Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

જિલ્લા પંચાયતના બળવાખોરોને કોઇ કાળે ટીકીટ નહિઃ ખાટરિયા જુથે ધોકો પછાડયો

પાર્ટીના વફાદારોને અગ્રતાઃ કોંગ્રેસમાં અગાઉથી પાછા આવી ગયેલા બાગીઓ માટે કુણી લાગણી

રાજકોટ તા. ૧૧ :.. તાલુકા -જિલ્લા પંચાયતની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષોમાં ઉમેદવાર પસંદગી પૂર્વની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં ર૦૧પ ની ચૂંટણીમાં કોંગ્રેસને ૩૬ માંથી ૩૪ બેઠકો મળેલ પ્રથમ અઢી વર્ષ બધુ બરાબર ચાલ્યા પછી કોંગ્રેસમાં ભંગાણ પડેલ. એક તબકકે તો પંચાયત પ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત પણ રજૂ થઇ હતી. હાલ પંચાયતમાં કોંગ્રેસનું અને સમિતિઓમાં ભાજપ પ્રેરિત બાગીઓનું શાસન છે. કોંગ્રેસનું નેતૃત્વ કરતા પૂર્વ કારોબારી અધ્યક્ષ અર્જુન ખાટરિયાએ બાગીઓને ટીકીટ આપવા સામે સખ્ત વાંધો ઉઠાવ્યો છે.

કોંગ્રેસના ૧૩ સભ્યો કાયમ પાર્ટી સાથે રહ્યા છે. ૧ નું અવસાન થયું છે. બાકીના ર૦ પૈકી ૬ જેટલા કોંગ્રેસ તરફ પાછા ઢળ્યા છે જયારે બાકીના ભાજપમાં જોડાઇ ગયા છે. છેલ્લા અઢી વર્ષથી સતત પાર્ટીની સામે રહેલા બાગીઓને કોંગીની ટીકીટ આપવાની સંભાવના  ટાળવા ખાટરિયા જુથે પ્રયાસો શરૂ કરી દીધા છે. ૧ર થી ૧પ જેટલા બાગીઓને કોઇ કાળે ટીકીટ ન આપવાની લાગણી કોંગી હાઇકમાન્ડ પાસે પહોંચાડી છે. ફરી સત્તા ન મળે તો વિપક્ષમાં બેસવાનું પસંદ છે પણ હમણા સુધી કોંગ્રેસની સામે રહેલાઓને સ્વીકારશુ નહી તેવો સ્પષ્ટ સંદેશ હાઇકમાન્ડને પહોંચાડી દેવાયો છે.

અત્ર ઉલ્લેખનીય છે કે કોંગીના બળવામાં નિલેષ વિરાણી, ચંદુભાઇ શીંંગાળા, કે. પી. પાદરિયા, મગનલાલ મેટાળિયા, વિપુલ પટેલ, રેખાબેન પટોળીયા, શિલ્પાબેન મારવાણીયા, ભાનુબેન તળપદા વગેરેની મોખરાની ભૂમિકા હતી. બળવાખોરોને લડવાની લાયકાત અને ઇચ્છા બન્ને હોવા છતા કોંગી કે ભાજપની ટીકીટ ન મળે તો તેમના રાજકારણ સામે પ્રશ્નાર્થ લાગી જવાની સંભાવના છે.

(3:35 pm IST)