Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

રાજકોટમાં ૭ સુચિત સોસાયટીના કોમન ફાઇનલ પ્લોટ અંગે કલેકટરને તેડુઃ મુખ્યમંત્રીની હાજરીમાં મીટીંગઃ આજે નિર્ણય

છેલ્લા ર વર્ષથી આ પ્રશ્ન અધ્ધરતાલઃ આ ફાઇનલ પ્લોટમાં મકાનો ઉભા થઇ ગયા છે

રાજકોટ તા. ૧૧ :.. સરકારે બે વર્ષ પહેલા સુચિત સોસાયટીઓમાં વર્ષોથી ઉભા થઇ ગયેલા મકાનો-ફલેટના બાંધકામો રેગ્યુલાઇઝડ કરવા અંગે વટહુકમ ડીકલેર કરી કાર્યવાહી શરૂ કરાઇ હતી.

રાજકોટમાં કુલ ૧૪૭ સૂચિત સોસાયટીના બાંધકામોને સરકારે રેગ્યુલાઇઝડ અંગે મંજૂરી આપી હતી, પરંતુ ૭ સોસાયટીમાં કોમન ફાઇનલ પ્લોટ અંગે  વિવાદ જાગ્યો હતો, આ કોમન ફાઇનલ પ્લોટની જમીનમાં સરકાર અને સુચિત સોસાયટી બંનેના સર્વે નંબર બોલતા હોય, જમીન કોમન વિગેરે પ્રશ્નો ઉભા થયા હતા, બે વર્ષથી  આ પ્રશ્ન અધ્ધરતાલ રહ્યો છે, શહેરી જમીન વિકાસ ખાતુ આ બાબતે સુનાવણી કરી રહ્યું છે, પરંતુ કોઇ નિર્ણય લઇ શકાયો નથી.

દરમિયાન રાજકોટની આ ૭ સુચિત સોસાયટીનો કોમન ફાઇનલ પ્લોટનો પ્રશ્ન મુખ્યમંત્રી સુધી પહોંચતા રાજકોટ કલેકટરને આજે તાકીદની મીટીંગ માટે બોલાવાતા, કલેકટરશ્રી રેમ્યા મોહન તમામ ફાઇલો - વિગતો - હાલની સ્થિતિ, કોમન ફાઇનલ પ્લોટમાં થયેલ બાંધકામ,  ઉભા થઇ ગયેલા મકાનો સાથેનો રીપોર્ટ સાથે ગાંધીનગર દોડી ગયા છે.આ ૭ સોસાયટીમાં ત્રણ સોસાયટી મુખ્યમંત્રીના વિસ્તારમાં આવે છે, અને ૪ સોસાયટી ધારાસભ્ય શ્રી ગોવિંદભાઇ પટેલના વિસ્તારમાં આવે છે, પરીણામે  આજે મીટીંગમાં ૭ સૂચિત સોસાયટીના કોમન ફાઇનલ પ્લોટ અંગે નિર્ણય આવશે તેમ કલેકટર કચેરીના સુત્રોએ ૈઉમેર્યુ હતું.

(2:58 pm IST)