Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

જાલીનોટનું પગેરૂ મહેસાણાથી કુવાડવાના જામગઢ સુધી પહોંચ્યું: મગનનો સાગ્રીત હિતેષ ડાભી પકડાયો

અગાઉ મહેસાણા એસઓજીએ પકડેલા રાજકોટના દિપક કારીયા, તેનો સાળો સાગર અને સુત્રધાર મગન શેખા જેલહવાલે : વિછીયાના છાસીયાના મગન શેખા અને હિતેષ ડાભીએે મળી રાજકોટ દિપકના ઘરે ૨૦૦ વાળી ૩૦૦ નોટ છાપી'તી : ૬/૧૧ના કુવાડવા પોલીસે જામગઢના હિમત વાટુકીયાને ૨૦૦૦ની ૫૧ જાલીનોટ સાથે દબોચ્યો હતોઃ હવે મહેસાણા પોલીસે જામગઢના જ હિતેષને ૨૦૦ની જાલીનોટના ગુનામાં દબોચ્યોઃ બંને વચ્ચે કડી તો નથી ને?

અગાઉ પકડાયેલા દિપક કારીયા, સાગર ખીલોસીયા અને મગન શેખા સાથે મહેસાણા એસઓજીની ટીમ

રાજકોટ તા. ૧૧: મહેસાણાની બેંકના ભરણામાં આવેલી ૧૦૦ જેટલી રૂ. ૨૦૦ના દરની નકલી નોટો અંગે મહેસાણા એસઓજીએ ઉંડાણપુર્વક તપાસ કરતાં નકલી નોટો છાપવાનું કોૈભાંડ બહાર આવ્યું હતું. જેમાં અગાઉ રાજકોટના સાળા બનેવી અને વિછીયાના છાસીયા ગામે રહેતાં સુત્રધાર મળી ત્રણને દબોચ્યા હતાં. આ ત્રણેયના રિમાન્ડ પુરા થતાં જેલહવાલે થયા છે. સુત્રધારની પુછતાછમાં જાલીનોટનું પગેરૂ વધુ એક વખત રાજકોટના કુવાડવા તાબેના જામગઢ સુધી પહોંચ્યું હતું. અહિથી મહેસાણા એસઓજીએ સુત્રધારના સાગ્રીત હિતેષ લવજીભાઇ ડાભી (કોળી)ને દબોચી લીધો છે. તેણે અને સુત્રધારે મળી રાજકોટના યુવાનના ઘરે ૨૦૦ના દરની ૩૦૦ જાલીનોટો છાપી હોવાનું ખુલ્યું છે.

૨૦૦ના દરની નકલી નોટો રૈયા ચોકડી પાસે શાંતિ નિકેતન પાર્ક પાસે સદ્દગુરૂ કોમ્પલેક્ષ બી વિંગ પાસે રહેતાં તેલના વેપારી દિપક શાંતિલાલ કારીયાએ મહેસાણાના વેપારીને મોકલી હોવાનું તપાસમાં ખુલતાં મહેસાણા એસઓજીએ રાજકોટ આવી તેને દબોચ્યો હતો. તેમજ તેણે વધારાની નકલી નોટો સગેવગે કરવા પોતાના સાળા ભકિતનગર સર્કલ પાસે રહેતાં સાગર સુરેશભાઇ ખીલોસીયાને આપતાં તેણે નોટો સળગાવવા પ્રયાસ કર્યો હોઇ તેને પણ દબોચી લેવાયો હતો. આ ઉપરાંત મુખ્ય સુત્રધાર વિછીયાના છાસીયાનો મગન ગોપાભાઇ શેખ (કોળી) હોવાનું ખુલતાં તેને પણ દબોચી લેવાયો હતો. ત્રણેયના ૬ઠ્ઠી ડિસેમ્બર સુધી રિમાન્ડ મંજુર થયા હતાં. જે પુરા થતાં જેલહવાલે થયા છે. તપાસમાં જે તે વખતે દિપકે એવું રટણ કર્યુ હતું કે તેલના ધંધામાં મંદી અને દેણું થઇ જતાં મગન પાસે જાલીનોટો છાપતા શીખીને મહેસાણાના વેપારીને માલના ચુકવણા પેટે અસલી સાથે ૨૦૦ વાળી નકલી નોટો પણ ધાબડી દીધી હતી.

મહેસાણાના વેપારી દિપકભાઇ બાબુભાઇ પટેલને રાજકોટના શખ્સ મારફત ઉઘરાણીમાં આવેલી ૨૦૦ વાળી નોટો તેણે બીજી બે પેઢીને આપી હતી. આ પેઢીના સંચાલકોએ બેંકમાં નોટો જમા કરાવી હતી અને એ નોટો બેંકમાં ગણતરી વખતે નજરે ચડી જતાં મેનેજરે નકલી નોટો ભરણામાં આવ્યાની ફરિયાદ નોંધાવતાં મહેસાણાના પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે એસઓજીને તપાસ સોંપતા પીઆઇ ડી. ડી. સોઢા, રાઇટર કેતનભાઇ બારોટ સહિતની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

મહેસાણાના વેપારી દિપકભાઇ પટેલે પોતાને ૨૭ નવેમ્બરના રોજ કરિયાણાના માલની ખરીદી પેટે રાજકોટના દિપક શાંતિલાલ કારીયાએ રૂ. ૨૦૦ની દરની નોટના બે બંડલ આપ્યાનું કહેતાં પીઆઇ સોઢા અને ટીમ તાબડતોબ રાજકોટ પહોંચ્યા હતાં અને દિપકને દબોચી લીધો હતો. તેના ઘરમાંથી નોટો છાપવા માટેનું કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર કબ્જે કર્યા હતાં.

એસઓજીએ તપાસ શરૂ કરી હોઇ વેપારી દિપકભાઇ પટેલે રાજકોટ દિપકને ફોન કરી તે નકલી નોટો આપી હતી? તેવું પુછતાં દિપકને અંદાજો આવી જતાં તેણે વધેલી નકલી જાલી નોટો પોતાના સાળા સાગરને બોલાવી તેનો નિકાલ કરવા માટે આપી દીધી હતી. સાગર આ નોટો સળગાવીને નાશ કરે એ પેહલા જ મહેસાણા એસઓજીએ  તેને પણ દબોચી લીધો હતો.

દિપકની વધુ પુછતાછ થતાં તેણે છાસીયાના મગન ગોપાભાઇ શેખ મારફત નકલી નોટો છાપતા શીખ્યાનું કબુલતાં એસઓજીએ મગનને પણ દબોચ્યો હતો. મગન અગાઉ પણ જાલીનોટોના ગુનામાં પકડાઇ ચુકયો છે અને સાતેક વર્ષ જેલમાં પણ રહી ચુકયો છે.  પીઆઇ ડી. ડી. સોઢા, રાઇટર કેતનભાઇ બારોટ અને ટીમ વિશેષ તપાસ કરતાં મગન શેખા સાથે નકલી નોટો છાપવામાં જામગઢનો હિતેષ ડાભી પણ સામેલ હોઇ તેને પણ ગઇકાલે ઉઠાવી લેવાયો છે. હિતેષે કબુલ્યું હતું કે તે ખેત મજૂરી કરે છે. અગાઉ મગનના ગામમાં વાડી વાવતો હોઇ મગનને ઓળખતો હતો. પૈસાની જરૂર હોઇ મગનને વાત કરતાં મગન તેને રાજકોટના દિપકના ઘરે લઇ ગયો હતો અને ૨૦૦ના દરની ૩૦૦ નોટો છાપી હતી. જેમાંથી ૧૦૦ નોટો મહેસાણા વટાવવા મોકલી દીધી હતી અને બાકીની ૨૦૦ બાળી નાંખવા પ્રયાસ કર્યો હતો. જે એસઓજીએ કબ્જે કરી હતી.

ઉલ્લેખનિય છે કે કુવાડવા પોલીસે ગત ૬/૧૧ના રોજ જામગઢના જ હેમત હમિરભાઇ વાટુકીયાને રૂ. ૨૦૦૦ના દરની ૫૧ જાલીનોટો સાથે દબોચ્યો હતો. તે વખતે તેણે મધ્યપ્રદેશના શખ્સે આ નોટો આપ્યાનું રટણ કર્યુ હતું. ત્યાં હવે જામગઢના જ બીજા શખ્સ હિમતની ૨૦૦ના જાલીનોટના ગુનામાં સંડોવણી ખુલતાં હેમત અને હિતેષ વચ્ચે કોઇ કડી તો નથી ને? તેની તપાસ મહેસાણા એસઓજી કરશે.

(2:51 pm IST)