Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

રેસકોર્ષમાં સંતોષ ભેળવાળા પ્રકાશ અને તેના ભાઇ કાર્તિક પર છરીથી હુમલો

સામા પક્ષે નિશીથ ઘવાયોઃ પ્રકાશના મિત્ર રવિની પૂર્વ મિત્ર નાસ્તો કરવા આવી હોઇ તેની ફોનથી રવિને જાણ કરવા બાબતે માથાકુટ

રાજકોટ તા. ૧૧: રેસકોર્ષમાં ચબુતરા પાસે સંતોષ ભેળ નામે લારી રાખી પિતા સાથે ધંધો કરતાં ગાંધીગ્રામ સ્ટર્લિંગ પાછળ ધરમનગરમાં રહેતાં પ્રકાશ જયંતિભાઇ સરવૈયા (ઉ.વ.૧૭) પર અજાણ્યા શખ્સે છરીથી હુમલો કરી ઢીકા-પાટુનો માર મારતાં અને તે વખતે જ તેના ભાઇ ટીઆરબી કાર્તિક જયંતિભાઇ સરવૈયા (ઉ.વ.૨૩) પહોંચી જતાં તે બચાવવા વચ્ચે પડતાં તેને પણ ઇજા થતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

સાંજે સવા આઠેક વાગ્યે આ માથાકુટ થઇ હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસમાં જાણ કરી હતી. સામા પક્ષે રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાસે સોમનાથ-૩માં રહેતો નિશીથ જગદીશભાઇ મહેતા (ઉ.વ.૨૮) પણ પોતે સાંજે રેસકોર્ષ ચબુતરા નજીક સંતોષ ભેળ નામની લારીએ હતો ત્યારે ભેળવાળાએ છરીથી ઇજા કર્યાની રાવ સાથે સિવિલમાં પહોંચતા તેને પણ દાખલ કરાયો હતો.

જો કે ત્રણેય ઇજાગ્રસ્તોએ રાતે જ હોસ્પિટલમાંથી રજા લઇ લીધી હતી. કાર્તિક સરવૈયાના કહેવા મુજબ પોતે ટીઆરબીમાં છે. સાંજે ભાઇ પ્રકાશે ફોન કરી રેંકડીએ માથાકુટ થઇ રહ્યાની વાત કરતાં પોતે ત્યાં આવતાં પોતાને પણ માર મરાયો હતો. પ્રકાશના મિત્ર રવિની એક પૂર્વ મિત્ર બીજી છોકરીઓ સાથે નાસ્તો કરવા આવી હોઇ તે બાબતે પ્રકાશે રવિને ફોન કરી જાણ કરતાં છોકરીઓ સાથેના નિશીથે આ બાબતે માથાકુટ કરી હુમલો કર્યો હતો. જો કે આ મામલે પોલીસ મથકમાં માત્ર એન્ટ્રી નોંધાઇ હતી. ગુનો દાખલ થયો નથી.

(12:02 pm IST)