Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

સ્ટાઇપેન્ડ ૧૩ હજારમાંથી વધારીને ૨૦ હજાર કરવામાં ન આવે તો...

રાજકોટ સહિત રાજ્યની તમામ મેડિકલ કોલેજના ઇન્ટર્ન તબિબો ૧૪ ડિસેમ્બરે હડતાલ પાળશે

અગાઉ અનેક વખત રૂબરૂ રજૂઆતો થઇ ચુકી છેઃ હકારાત્મક નિર્ણયની આશા વચ્ચે વધુ એક વખત માંગણી : રાજકોટ પીડીયુના ૨૦૦ ડોકટર જોડાશે

રાજકોટ તા. ૧૧: રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજ અને તેને સંલગ્ન સિવિલ હોસ્પિટલમાં એમબીબીએસ પુર્ણ કરયા બાદ ઇન્ટર્ન ડોકટર તરીકે ફેબ્રુઆરી માસથી ફરજ બજાવતાં ૮૦૦ જેટલા તબિબોએ સ્ટાઇપેન્ડ વધારવાના મુદ્દે વધુ એક વખત હડતાલની ચિમકી ઉચ્ચારી છે. હાલમાં માત્ર રૂ. ૧૩ હજાર સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે, જે ખુબ જ ઓછુ હોઇ વધારીને રૂ. ૨૦ હજાર કરવાની માંગણી કરવામાં આવી છે. જો આ મામલે સરકાર હકારાત્મક નિર્ણય નહિ લે તો ૧૪ ડિસેમ્બરે રાજ્યના તમામ ઇન્ટર્ન તબિબો હડતાલ પર ઉતરી જશે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ પીડીયુ મેડિકલ કોલેજના ડો. દિવ્યકાંત બારોટ અને ડો. મિહીર પરવડાએ જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા કાર્યરત સરકારી હોસ્પિટલોમાં તમામ ઇન્ટર્ન તબિબો ફરજ બજાવી રહ્યા છે. આ તમામને એપ્રિલને કોરોના મહામારી સંદર્ભે કોરોના વોર્ડમાં પણ ફરજ સોંપાઇ છે. આ ઉપરાંત હોસ્પિટલના વોર્ડ, ઓપીડી, આઇસીયુ સહિતમાં પણ ફરજ બજાવછે. આ ઉપરાં કોરોના કાળમાં કોવિડ કેર સેન્ટરમાં પણ સિનીયર ડોકટર, સિનીયર ફેકલ્ટી અને પેરામેડિકલ સ્ટાફ સાથે ફરજ બજાવી યોગદાન આપ્યું છે. સરકાર તરફથી કોરોના વોરિયર્સનું સન્માન પણ અપાયું છે.

પરંતુ આ સમયગાળા દરમિયાન માત્ર રૂ. ૧૩ હજાર નાણાકીય વેતન મળે છે. જે સરકારના અલગ-અલગ ઠરાવ કરતાં ખુબ ઓછુ છે. અગાઉ અમે નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલની બે વખત રૂબરૂ મુલાકાત લઇ તેમજ અગ્ર સચિવ શ્રી જયંતિ રવિની પણ બે વખત રૂબરૂ મુલાકાત લઇ સ્ટાઇપેન્ડ વધારવા રજૂઆત કરી હતી. આ ઉપરાંત તબિબી શિક્ષણના કમિશનર શ્રી જે. પી. શિવહરેની પણ રૂબરૂ મુલાકાત લઇ તેમને પણ ખુબ ઓછા ટાઇપેન્ડ બાબતે રજૂઆત કરી હતી. તેમના દ્વારા ત્યારે હકારાત્મક નિર્ણયની આશા જગાવાઇ હતી.

પરંતુ આજ સુધી આ બાબતે નક્કર નિર્ણય લેવામાં આવ્યો ન હોઇ હવે જો સત્વરે સ્ટાઇપેન્ડ વધારવામાં નહિ આવે તો ૧૪ ડિસેમ્બરે સમગ્ર રાજ્યની મેડિકલ કોલેજ અને સંલગ્ન સિવિલ હોસ્પિટલના ઇન્ટર્ન તબિબોને સરકારે ડ્યુટીમાંથી મુકત કરી દીધા છે તેમ સમજી લેવામાં આવશે, એટલે કે હડતાલ કરવામાં આવશે. રાજ્યભરમાં ૮૦૦ ઇન્ટર્ન તબિબો છે. જેમાં રાજકોટની મેડિકલ કોલેજ-સિવિલમાં ૨૦૦ ઇન્ટર્ન તબિબો છે. તેમ ડો. દિવ્યકાંત બારોટ અને ડો. મિહીર પરવડાએ જણાવ્યું છે.

(12:01 pm IST)