Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા પાલિકા - પંચાયતોનો ગઢ જીતવાનો વ્યૂહ : બે લાખ પેઇજ સમિતિઓ બનાવાશે

જિલ્લાના દરેક હોદ્દેદારને ૨૦૦-૨૦૦ સમિતિઓ બનાવવાનો લક્ષ્યાંક : મનસુખ ખાચરિયા

રાજકોટ તા. ૧૧ : જિલ્લા ભાજપ દ્વારા પેઇજ પ્રમુખના આધારે પેઇજ સમિતિઓ બનાવવા માટે પ્રદેશના માર્ગદર્શન મુજબ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતે જિલ્લા ભાજપના નવા હોદ્દેદારોની પ્રથમ બેઠકમાં આ અંગેની રૂપરેખા અપાયેલ હતી.

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મનસુખ ખાચરિયાના જણાવ્યા મુજબ જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં મતદાર યાદીના પેઇજમાં સમાવિષ્ટ ૩૦ થી ૪૦ મતદારોની નામાવલીમાંથી ભાજપને સમર્થન આપવા ઇચ્છતા મતદારોની પેઇજ સમિતિ બનાવવાની છે. સમિતિમાં ઓછામાં ૩ સભ્યો રહેશે. જિલ્લા ભાજપના દરેક હોદ્દેદારને ૨૦૦-૨૦૦ સમિતિઓ બનાવવા માટે જણાવાયું છે. હોદ્દેદારો દ્વારા ૪ થી ૪ાા હજાર પેઇજ સમિતિઓ બનશે. સમયાંતરે કામગીરીની સમીક્ષા થતી રહેશે. પેઇજ સમિતિઓ બન્યા પછી પ્રદેશ પ્રમુખ સમક્ષ આધુનિક ટેકનોલોજી આધારિત નોંધણી થશે. જિલ્લા ભાજપના કાર્યક્ષેત્રમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક અપાશે. અત્યારની સ્થિતિ મુજબ બે લાખ કે તેથી વધુ પેઇજ સમિતિઓ બનશે. તાલુકા - જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે પેઇજ સમિતિ અને પેઇજ પ્રમુખની વ્યવસ્થા ભાજપ તરફી જંગી મતદાન કરાવવામાં ખૂબ ઉપયોગી થશે.

(11:19 am IST)