Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

આયુર્વેદના તબીબોને સર્જરીની છૂટ સામે IMAના તબીબોની રોષપૂર્ણ હડતાલ

દેશના ખેડૂતો રસ્તા ઉપર આંદોલન છે ત્યારે હવે દેશનું અગ્રણી સંગઠન આઈએમએ દ્વારા પણ આંદોલન શરૃઃ રાજકોટના ૧૭૦૦ સહિત સૌરાષ્ટ્રના ૭૫૦૦ તબીબોએ સવારે ૬ થી સાંજે ૬ સુધી બંધ પાળી હડતાલને સમર્થન આપ્યુ : કોરોના અને ઈમરજન્સી સારવાર ચાલુ રહી : આઈએમએ દ્વારા વધુ આંદોલનાત્મક કાર્યક્રમો સાંજે જાહેર થશે

રાજકોટ : ગુજરાત સરકાર દ્વારા આયુર્વેદના તબીબોને સર્જરી કરવાની મંજૂરી આપવાના વિરોધમાં આજે દેશવ્યાપી આઈએમએના તબીબોએ હડતાલ પાડી છે. પ્રસ્તુત તસ્વીરમાં રાજકોટની અગ્રણી હોસ્પિટલોના તબીબો સ્વયંભુ બંધમાં જોડાઈને માત્ર કોરોના અને ઈમરજન્સી સારવાર જ ચાલુ રાખી હતી. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૧ : દેશભરમાં ખેડૂતો કેન્દ્ર સરકાર સામે રસ્તા ઉપર આવીને આંદોલન કરી રહી છે ત્યાં હવે કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક વિવાદાસ્પદ નોટીફીકેશન જાહેર કરાતા તબીબોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પ્રથમ તબક્કામાં દેશભરના તબીબોએ આયુર્વેદની પદવી ધરાવતા ડોકટરોને સર્જરીની છૂટ આપવા સામે જિલ્લા મથકે અને તાલુકા કક્ષાએ રજૂઆત કર્યા બાદ કોઈ પરિણામ ન આવતા આજે દેશભરના આઈએમએ સાથે જોડાયેલા ડોકટરોએ હડતાલ પાડી છે.

કેન્દ્ર સરકાર દ્વારા આયુર્વેદીક ડોકટર્સને સર્જરી કરવાની મંજૂરી આપતા ઈન્ડીયન મેડીકલ એસોસીએશને આજે દેશભરમાં સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધી કોરોનાની સારવાર તેમજ ઈમરજન્સી સારવાર સિવાયની તમામ સારવાર બંધ રાખીને રોષપૂર્ણ હડતાલમાં જોડાયા છે.

ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના રાષ્ટ્રીય કક્ષાના હડતાલને ગુજરાતભર તેમજ સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર જિલ્લામાં વ્યાપક ટેકો મળતા ઈમરજન્સી અને કોવિડની સારવાર સિવાયની તમામ સારવાર સ્વયંભુ બંધ પાડીને આઈએમએની લડતને સજ્જડ ટેકો જાહેર કર્યો છે.

આયુર્વેદના ડોકટરોને સર્જરી કરવાની મંજૂરીના વિરોધમાં રાજકોટના ૧૮૦૦ સહિત સૌરાષ્ટ્રભરના ૭૫૦૦ તબીબો આજના આઈએમએના હડતાલના એલાનમાં જોડાયા.

રાજકોટ ઈન્ડિયન મેડીકલ એસોસીએશનના પ્રમુખ ડો. જય ધીરવાણીએ  અકિલાને જણાવેલ કે આજે સવારે ૬ થી સાંજે ૬ સુધી ઈમરજન્સી અને કોવિડને લગતી સારવાર સિવાયની તમામ સારવાર બંધ રાખી આ હડતાલને ૧૭૦૦ ડોકટરોનો સ્વયંભુ સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો છે.

ડો.જય ધિરવાણીએ વધુમાં જણાવેલ કે વોકહાર્ટ, સ્ટર્લીંગ, સિનર્જી, એચ.સી.જી., અમૃતા, ગીરીરાજ, ગોકુલ, સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલ, શિવ ઓર્થોપેડીક હોસ્પિટલ, જી.ટી. શેઠ હોસ્પિટલ, જલારામ હોસ્પિટલના તબીબો પણ હડતાલમાં સામેલ થયા છે.

આઈએમએ ગુજરાતના પૂર્વ પ્રમુખ અને હાલના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો.અતુલ પંડ્યા, ગુજરાત આઈએમએ ઉપપ્રમુખ ડો.રશ્મી ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખો ડો.એમ.કે. કોરવાડીયા, ડો.ભરત કાકડીયા, ડો.અમિત હપાણી, ડો.હિરેન કોઠારી, આઈએમએના સેક્રેટરી ડો.પારસ શાહ, ડો.તેજસ કરમટા, ડો.ધર્મેશ શાહ, ડો.સંકલ્પ વણઝારા, પ્રેટન ડો. એસ.ટી.હેમાણી, ઈલેકટ પ્રેસીડેન્ટ ડો.પ્રફુલ કમાણી, ડો.ચેતન લાલસેતા, ડો.યજ્ઞેશ પોપટ, ડો.ભાવેશ સચદે, ડો.દિપેશ ભલાણી, ડો.પ્રકાશ મોઢા, ડો.ભાવીન કોઠારી, ડો.ડી.કે.શાહ, ડો.સુશીલ કારીયા, ડો.વલ્લભ કથીરીયા, વૃમન્સી વીંગના ચેરપર્સન ડો.સ્વાતી પોપટ, ડો.કીર્તી પટેલ, ડો.સંજય ભટ્ટ, ડો.નીતિન લાલ, ડો.કાન્તી જોગાણી, ડો.કે.એમ. પટેલ, ડો.પંકજ મચ્છર, ડો.વસંત કાસુન્દ્રા, ડો.દિપક મહેતા સહિતના આગેવાનોના માર્ગદર્શન હેઠળ હડતાલ પાડવામાં આવી હતી.

(11:18 am IST)