Gujarati News

Gujarati News

News of Friday, 11th December 2020

રાજકોટમાં વ્હેલી સવારે કમોસમી વરસાદઃ વાદળો છવાયા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આજે અને આવતીકાલે પણ સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં માવઠાની આગાહીઃ સવારે ૮૨% ભેજ, ૨૦.૪ ડિગ્રી તાપમાન : શહેરમાં બપોર બાદ પણ કમોસમી વરસાદની શકયતા

રાજકોટ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાના વાવડ છે. બે દિવસ સિસ્ટમ્સની અસર જોવા મળશે. છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની પણ આગાહી કરાઈ છે.

રાજકોટ શહેરમાં પણ ગઈકાલથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. દરમિયાન વ્હેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. માર્ગો ભીના બન્યા હતા. માવઠાના પગલે વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. સવારે ઠંડીનો અહેસાસ થતો જોવા મળતો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ન્યુનતમ તાપમાન પણ ઉંચકાઈ ગયુ છે. સવારે ૮૨% ભેજ નોંધાયેલ છે. જયારે ન્યુનતમ તાપમાન ૨૦.૪ ડિગ્રી નોંધાયુ છે. જે નોર્મલથી ઘણું ઉંચુ છે.

હવામાન વિભાગ દ્વારા જણાવાયુ છે કે સિસ્ટમ્સની અસરથી આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના રહેલી છે. રાજકોટ શહેરમાં પણ આજે બપોર બાદ ફરી માવઠાની શકયતા છે. ગઈકાલથી સતત વાદળછાયુ વાતાવરણના પગલે વાતાવરણ એકદમ નિરસ બન્યુ છે. આજે અને કાલે પણ આકાશમાં વાદળો છવાયેલા જોવા મળશે.

(11:21 am IST)