Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

લાલપરી ડેવલપમેન્ટ માટે સાગરનગર-મંછાનગરમાં પ૦૦ મકાનોનું સ્થળાંતર : સર્વે

રસ્તો પહોળો બનાવી તળાવનો ડેવલપમેન્ટ પ્રોજેકટ સાકાર કરાશે : બંન્ને વસાહતોના રહેવાસીઓને આવાસ યોજનામાં ફલેટ અપાશે : ટી.પી. વિભાગે છાવણી નાંખી સર્વે શરૂ કરાયો : મોટા ભાગના રહેવાસીઓ સ્થળાંતર માટે તૈયાર

રાજકોટ તા.૧૧: શહેરના રાજાશાહી વખતનાં લાલપરી-રાંદરડા તળાવતાં ડેવલોપમેન્ટ પ્રોજેકટને સાકાર કરવાં તળાવનાં કાંઠે આવેલ સાગરનગર ત્થા મંછાનગરમાં ૫૦૦ જેટલા કાચા-પાકા મકાન ધારકોનું મ્યુ.કોર્પોરેશનની આવાસ યોજનાઓમાં સ્થળાંતર કરવા માટે ટી.પી.વિભાગે સર્વે શરૂ કર્યાનું જાણવા મળ્યુ છે.

આ અંગે ટાઉન પ્લાનીંગ વિભાગનાં સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ લાલપરી-રાંદરડા તળાવ વિસ્તારને નયનરમ્ય બનાવી-રૂરીસ્ટ પોઇન્ટ તરીકે વિકસાવવાનો ડેવલપમેન્ટ પ્રોજેકટ અમલમાં મૂકવા માટે સૌ પ્રથમ અહી જવાનો મુખ્ય માર્ગ પહોળો કરવા ત્થા તળાવ આસપાસની જમીનોનાં દબાણો દુર કરી જમીન ખુલ્લી કરવી જરૂરી હોઇ આ વિસ્તારમાં આવેલ સાગરનગર ત્થા મંછાનગરનાં આશરે પ૦૦ જેટલા કાચા-પાકા મકાનો દુર કરવા પડે.

આથી આ માટે છેલ્લા ૧પ દિવસોથી આ વિસ્તારમાં ઘરે ઘરે સર્વે કરી અને રહેવાસીઓને મ્યુ. કોર્પોરેશનની આવાસ યોજનામાં પાકા ફલેટ આપીને તેઓનું સ્થળાંતર કરવા સમજાવવામાં આવી રહેલ છે. જેમાં મોટા ભાગનાં રહેવાસી સ્થળાંતર માટે તૈયાર થઇ ગયા છે.

નોંધનિય છે કે કેટલાક વર્ષો અગાઉ સાગરનગરમાં ડીમોલીશન માટે નોટીસો અપાયેલ પરંતુ જે તે વખતે લોકોએ તેનો વિરોધ કર્યો હતો અને શાસકોએ આ બાબતને પડતી મુકી હતી.

(3:20 pm IST)