Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

મતગણત્રી બહાર LED સ્ક્રીન મુકાશેઃ ૧૮મીએ ૮ વાગ્યાથી પોસ્ટલ બેલેટ ગણત્રીઃ ૮II વાગ્યાથી 'EVM'ના મતોની ગણત્રી

સૌથી છેલ્લે 'વીવીપેટ'ના મતોની ગણત્રીઃ એક બેઠક દીઠ ચિઠ્ઠી નાખી એક વીવીપેટની ગણતરી થશે... : કુલ ૬૦૦નો સ્ટાફઃ ૧૪ ટેબલઃ બે સ્પે. ઓબ્ઝર્વરો મુકાયાઃ ૧૮મીએ સવારે ૬ વાગ્યે સ્ટાફનું રેન્ડમાઈઝેશન

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટ જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઉમેર્યુ હતુ કે, રાજકોટ શહેર-જિલ્લાની ૮ બેઠકોની ગણત્રી કણકોટ એન્જીનીયરીંગ કોલેજ ખાતે થશે અને તે માટેની તૈયારીઓ શરૂ કરી દેવાય છે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે, દરેક બેઠક માટે કુલ ૧૪ - ૧૪ ટેબલ રખાશે. ૬૦૦ના સ્ટાફના ઓર્ડરો કરાયા છે અને પોસ્ટલ બેલેટ મતો માટે અલગથી એક ટેબલ રહેશે.

તેમણે ઉમેર્યુ હતુ કે સવારે ૮ વાગ્યે પ્રથમ પોસ્ટલ બેલેટની ગણત્રી થશે અને ૮II વાગ્યાથી ઈલેકટ્રોનિક વોટીંગ મશીન-ઈવીએમના મતોની ગણત્રી કરાશે.

કલેકટરે નિર્દેશ આપ્યો હતો કે, એક ટેબલ દીઠ ૩ નો સ્પેશીયલ કાઉન્ટીંગ સ્ટાફ મુકાયો છે. તેમજ કણકોટ ખાતે લોકોને સહેલાઈથી માહિતી મળી રહે તે માટે બે મોટા એલઈડી સ્ક્રીન પણ લગાવાશે અને કાઉન્ટીંગ હોલ-મીડીયા રૂમમાં પણ આંકડા મળી રહે તે માટે ટીવી મુકાશે.

કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ઉમેર્યુ હતુ કે, વીવીપેટની છેલ્લે ગણત્રી થશે. એક વિધાનસભા બેઠક દીઠ એક વીવીપેટ જે તે વિસ્તારમાં બુથોની ચીઠ્ઠી નાખી પસંદ કરી વીવીપેટના મતોની ગણત્રી થશે. કુલ ૨૧૫૮ ચિઠ્ઠી અને ૮ વીવીપેટ મશીનોના મતોની ગણત્રી કરાશે.

કલેકટરે ઉમેર્યુ હતુ કે મત ગણત્રીના દિવસે ૬ ઓબ્ઝર્વરો ઉપરાંત ચૂંટણી પંચે વધારાના બે સ્પેશીયલ ઓબ્ઝર્વરોની નિમણૂક કરી છે. દરમિયાન આજે બપોરે ૩ વાગ્યાથી એનઆઈસી દ્વારા ગણત્રી દરમિયાન હાજર રહેનારા નાયબ મામલતદારો અને ઓપરેટર સ્ટાફની પ્રથમ તાલીમ યોજાશે. તેમજ ૧૮મીએ વહેલી સવારે ૬ વાગ્યે ૬૦૦ના કાઉન્ટીંગ સ્ટાફનું પ્રથમ રેન્ડેમનાઈઝેશન યોજાસે. મત ગણત્રી અંગે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ધમધમાટ શરૂ થઈ ગયો છે.

(3:29 pm IST)