Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

મીલપરામાં વાળંદ પરિવારના એકના એક ૧૬ વર્ષના પુત્ર શિવમ્ને ડેંગ્યુ ભરખી ગયો

આઠેક દિવસથી તાવ આવતો હોઇ ખાનગી અને ગુંદાવાડી હોસ્પિટલમાં સારવાર લીધી'તીઃ સવારે સિવિલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૧૧: મીલપરા મેઇન રોડ પર રહેતાં ૧૬ વર્ષના તરૂણને તાવ ભરખી જતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આઠેક દિવસથી તાવ આવતો હતો અને ડેંગ્યુનો રિપોર્ટ આવ્યો હોવાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

જાણવા મળ્યા મુજબ મીલપરા મેઇન રોડ પર ગરબી ચોક પાસે 'સૂર્યપ્રભુ' ખાતે રહેતાં શિવમ્ દિનેશભાઇ શીશાંગીયા (ઉ.૧૬)ને આઠેક દિવસથી તાવ આવતો હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ગુંદાવાડી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને ધીરેનભાઇ ગઢવીએ ભકિતનગર પોલીસને જાણ કરતાં પી.એસ.આઇ. વાળા અને નરેન્દ્રભાઇ ભદ્રેશાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પરિવારજનોના કહેવા મુજબ શિવમ્ તેના માતા-પિતાનો એકનો એક પુત્ર હતો અને શેઠ હાઇસ્કૂલમાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતો હતો. તેના પિતાને મીલપરા રોડ પર વાળંદ કામની દૂકાન છે. ડેંગ્યુ તાવ લાગુ પડ્યાનો રિપોર્ટ આવ્યો હતો. લાડકવાયાના મોતથી પિતા દિનેશભાઇ, માતા જયશ્રીબેન સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર આ બનાવથી દોડતું થયું છે. (૧૪.૬)

 

(11:55 am IST)