Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

પછાત ગણાતા ઝારખંડ રાજ્‍યનું રૂા. ૧૦૦૦ કરોડનું માઇનીંગ કૌભાંડ

ભારતભરમાં ગેરકાયદેસર રીતે થતી નાણાની અવૈધ હેરાફેરી (MONEY LAUNDERING) પર ચાંપતી નજર રાખતી દેશની કેન્‍દ્રીય તપાસ એજન્‍સી ED તેના કથિત ગુનેગારોને તેમના અસલી નિવાસ્‍થાન જેલ ભેગા કરી દેવામાં મહત્‍વનું યોગદાન ધરાવે છે.

ED એ ઝારખંડની સંરક્ષીત જમીનના વેચાણ અને ખરીદીમાં બનાવટી દસ્‍તાવેજોના કથિત ઉપયોગથી થયેલ મની લોન્‍ડરિંગની તપાસના ભાગરૂપે સમગ્ર રાજયમાં ઠેર ઠેર જગ્‍યાઓએ એકસાથે અનેક દરોડાઓ પાડ્‍યા છે.

ED પાડેલા આ દરોડાઓમાં EDથી દુર નાસી છૂટવામાં સફળ થયેલા અને હાલ પૂરતા ભૂગર્ભમાં ઉતરી ગયેલા રિયલ એસ્‍ટેટ ડીલરો, ખાનગી વ્‍યક્‍તિઓ તથા તેમની સાથે જોડાયેલા એકમોના કર્તા હર્તાઓને EDની નિર્ધારિત કરેલ ટીમ દિવસ રાત એક કરીને શોધી રહી છે.

ED પાડેલા આ સેંકડો દરોડાઓની બારીકાઈથી તપાસ કરવા દરમ્‍યાન એવી ચોકાવનારી વિગતો બહાર આવી છે કે ઝારખંડમાં અલગ અલગ જગ્‍યાઓએ ચાલતી ગેરકાયદેસર માઇનિંગમાં રાજયના મુખ્‍યમંત્રી હેમંત સોરેનની સીધી સંડોવણી છે.

CM સોરેન સામે ED એકઠા કરેલા પુરાવાઓનું લીસ્‍ટ એટલુ મજબુત છે કે ગમે ત્‍યારે ઝારખંડના મુખ્‍યમંત્રી હેમંત સોરેનની ખુરશી તેના હાથમાંથી છીનવાઈ જશે અને તે જેલના સળીયા પાછળ ધકેલાઈ જશે.

પોતાની આગળની કાર્યવાહીના ભાગરૂપે ED ઝારખંડના CM(CHIEF MINISTER) અને JMM (JHARKHAND MUKTI MORCHA)ના પ્રમુખ હેમંત સોરેનને તેમનાજ સ્‍ટેટમાં થયેલી કથિત ગેરકાયદેસર ખાણકામની મની લોન્‍ડરિંગ તપાસ અર્થે PMLA (PREVENTION OF MONEY LAUNDERING ACT)હેઠળ પૂછતાછ માટે  ગુરુવાર તારીખ ૩ નવેમ્‍બર ૨૦૨૨ના રોજ તેમની રાંચી ખાતે આવેલી ઓફિસે સવારે ૧૧ વાગ્‍યે હાજર રહેવાનો આદેશ આપતું સમન્‍સ પાઠવેલુ.

 ED દ્વારા જારી કરાયેલા આ સમન્‍સને ગણકાર્યા વગર CM સોરેન તેને ઘોળીને પી ગયા અને જે દિવસે તેમને ED સમક્ષ હાજર રહેવાનુ ફરમાન થયેલું તેજ દિવસે તેમણે આયોજનબદ્ધ રીતે ઉપજાવી કાઢેલા એક આદિવાસી નૃત્‍ય કાર્યક્રમની ગોઠવણી કરી અને તારીખ ૩ નવેમ્‍બર  ગુરુવારના રોજ  નિર્ધારિત કરેલા સમયે તેઓ કાર્યક્રમમાં હાજરી આપવા માટે છત્તીસગઢની રાજધાની રાયપુર જવા માટે નીકળી ગયેલા.

આમ ED દ્વારા જારી કરાયેલા સમન્‍સની એસી તેસી કરીને CM સોરેને EDની ઓફિસે હાજર રહેવાને બદલે EDને સામો પડકાર ફેંક્‍યો છેતેમનું કહેવું છે કે મને પૂછપરછ માટે સમન્‍સ મોકલવાને બદલે જો મેં કોઈ  મોટો ગુનો કર્યો હોય તો આવીને સીધી મારી ધરપકડજ કરોને. બાકી તમારાથી જે થાય તે કરી લો અને જો તમારામાં તાકાત હોય તો મારી ધરપકડ કરીને મને જેલ ભેગો કરીને બતાવો.

CM સોરેને ED સમક્ષ હાજર નહિ રહી કડકાઈથી આવો જવાબ આપીને સૌકોઈને વિચારતા કરી મુક્‍યા છે. તેમણે રાયપુર જતા પહેલા તેમના નિવાસસ્‍થાનની બહાર તેમના પક્ષના કાર્યકરોને ભેગા કરીને તેમને સંબોધન કરતા ભાજપ પર આરોપ લગાવતા એમ કહેલું કે ED દ્વારા તેમની સામેનો સમન્‍સ એ તેમની રાજય સરકારને અસ્‍થિર કરવાના ષડયંત્ર નો એક ભાગ છે.

સોરેને ભાજપ પર આકરા પ્રહારો કરતા વધુમાં એવું કહેલું કે ભગવા પક્ષᅠ(ભાજપ) આદિવાસીઓ અને સ્‍થાનિકોના વર્ચસ્‍વવાળી પાર્ટીને આપવામાં આવેલા લોક આદેશને પચાવી શક્‍યો નથી અને ભાજપ એક સામંતવાદી માનસિકતા ધરાવે છે જે આદિવાસીઓ, દલિતો અને પીડિતોને આગળ વધતા જોઈ શકતા નથી.

સોરેનના આ સ્‍ટેટમેન્‍ટથી રાજકીય જંગના મંડાણ થયા છે જેના ફળ સ્‍વરૂપે ઝારખંડના સૌપ્રથમ મુખ્‍યમંત્રી તેમજ વિરોધ પક્ષના આગેવાન અને ઝારખંડ ભાજપના પ્રમુખ નેતા બાબુલાલ મરાંડીએ સોરેન પર વળતો પ્રહાર કરતા એવું કહેલું કે જો વડા પ્રધાન નરેન્‍દ્ર મોદી ગુજરાતના મુખ્‍ય પ્રધાન તરીકે SITની પૂછપરછનો સામનો કરી શકતા હોય તો હેમંત સોરેન EDની પૂછપરછનો સામનો કેમ ના કરી શકે ?

સોરેને તેમની સરકારના આઉટરીચ પ્રોગ્રામના ભાગરૂપે સાહેબગંજ ખાતે યોજેલી એક સભાને સંબોધતા એવું કહેલું કે જો તેઓ એમ વિચારે છે કે તેઓ અમારી છબી ખરાબ કરી નાખશે તો તેઓ ખોટી દિશામાં છે. તેઓ અમારી સામે રાજકીય રીતે લડીને જીતી શકતા ન હોવાથી અમોને બદનામ કરવા માટે આવા ષડયંત્રો રચી રહ્યા છે.

સોરેને ભાજપ પર કરેલા આવા આક્ષેપોને રદીઓ આપતા ઝારખંડ ભાજપના અધ્‍યક્ષ દીપક પ્રકાશે કહેલું કે કાયદો શાસક અને સામાન્‍ય નાગરિક બંને માટે એક સમાન છે. કદાચ ઝારખંડ ભારતનું એવું પ્રથમ રાજય તરીકે સ્‍થાપિત થવા જઈ રહ્યું છે જયાં ભ્રષ્ટાચાર રાજયની સરકાર દ્વારાજ પ્રાયોજિત કરવામાં આવ્‍યું હોય. 

આ સરકાર જળ, જંગલ અને જમીનના રક્ષણના નામે ચૂંટાઈ આવી છે પરંતુ સત્તા પર રહેલા સતાધીશોએ રાજયની ખાણો અને સંશાધનોને લૂંટીને પોત પોતાના ઘર ભરી લીધા છે જેના ગુન્‍હામાં તેઓ જેલમાં છે.

ઝારખંડ રાજયની આ એક કમનસીબી છે કે તેનાજ મુખ્‍યમંત્રી હેમંત સોરેને પોતાના સ્‍ટેટની કુદરતી ખનીજોથી ભરપુર સમૃદ્ધ કિંમતી જમીન પોતાને અને પોતાના પરિવારના સભ્‍યોને લહાણી કરીને તેને લીઝ પર આપી દીધી છે. આમ CM પોતે અને તેમના પરિવારના સભ્‍યો સીધીજ  રીતે ભ્રષ્ટાચારમાં સામેલ છે.

ઝારખંડમાં વધુ પ્રમાણમાં જંગલ હોવાને કારણે કુદરતી ખનીજો ભરપુર પ્રમાણમાં હોય CM સોરેને ઝારખંડના ખાણ અને પર્યાવરણના મલાઈદાર મંત્રાલયો પોતાને હસ્‍તક રાખેલા છે અને પોતેજ ઝારખંડના મુખ્‍યમંત્રી હોવા છતાંપણ તેમણે માઈનીંગ લીઝ પોતાની જાતેજ લઇ લીધેલી અને રાજયમાં ઠેર ઠેર જગ્‍યાઓએ ગેરકાયદે માઈનીંગ કંપનીઓ ચલાવીને સરકારની તિજોરી પર કાયદેસરની લુંટ ચલાવી છે જેના આરોપસર તેમને ED એ પૂછપરછ માટેનું સમન્‍સ પાઠવેલું છે.

ED નો સમન્‍સ મળતાજ સોરેને એવો હુંકાર કર્યો છે કે મારી સામે કોઈપણ પ્રકારના પગલા ભરાશે તો ઝારખંડમાંથી અન્‍ય રાજયોમાં થતી ખનીજોની સપ્‍લાય હું બંધ કરી દઈશ. (ઝારખંડમાંથી આખા દેશમાં કોલસા સહિતના ઘણા બધા ખનીજોની સપ્‍લાય થાય છે).

ED હવે શું કરશે તે તો આવનારો સમયજ કહેશે પરંતુ સોરેનનું આવું વલણ ભારતના મોટા ભાગના રાજકારણીઓની માનસિકતા છતી કરે છે જેમને સતાના દુર ઉપયોગથી ભ્રષ્ટ્રાચાર કરીને ઘર ભરવામાં શરમ નથી આવતી પરંતુ તેમની સામે ખોટું કામ કર્યાનો વાંધો લઈને સવાલ ઉઠાવાય એ તેમનાથી સહન થતું નથી.

CM સોરેનની પણ એજ માનસિકતાથી પીડાય છે. તેઓ કેન્‍દ્રના શાષક પક્ષ પર જાહેરમાં આરોપો લગાવીને, અંદોલનો કરવાની ધમકીઓ આપીને તેમજ મીડિયા સામે વિવાદાસ્‍પદ નિવેદનો આપીને બધાનું ધ્‍યાન કુદરતે ઝારખંડને ગીચ જંગલો અને ખનીજના રૂપમાં આપેલી અખૂટ સંપતિથી દુર કરીને બીજી દિશામાં દોરવાનો નિષ્‍ફળ પ્રયાસ કરી રહ્યા છે

આખું ઝારખંડ મોટા પ્રમાણમાં ચારેબાજુ ફેલાયેલા ગીચ જંગલોથી ઘેરાયેલું છે. આ જંગલો કુદરતે આપેલી ખનીજોની બેશુમાર સમૃદ્ધિથી ભરપુર છે. આ જંગલોના યોગ્‍ય જતન માટે માર્યાદિત પ્રમાણમાં ખાણોને મંજુરી આપવામાં આવે છે.

ઝારખંડમાં ખાણકામ એ વિકાસ પામતો નવો ઉદ્યોગ છે જે ભારતના કુલ ખનિજ સંસાધનોમાં લગભગ ૪૦% ટકા હિસ્‍સો ધરાવે છે. ઝારખંડમાં ખાણકામ માટેની લીઝ મેળવવી એ ૧૦૦% નફો મેળવવાની ખાતરીપૂર્વકની ગેરંટી માનવામાં આવે છે.

ઝારખંડ રાજયના વર્ષ ૨૦૧૯-૨૦ના હાથ ધરાયેલા આર્થિક સર્વેક્ષણ મુજબ ખાણકામ એ રાજયમાં બીજા નંબરનું સૌથી મહત્‍વપૂર્ણ ઔદ્યોગિક પેટા ક્ષેત્ર હતું અને તેનું કુલ ઉત્‍પાદનનું મૂલ્‍ય વર્ષ ૨૦૧૬-૧૭માં રૂ.૧૬,૮૫૪-૦૦ કરોડ હતું જે માત્ર બેજ વર્ષમાં વધીને ૨૦૧૯-૨૦માં રૂ. ૧૯,૬૯૦-૦૦ કરોડ સુધી પહોંચી ગયેલું.

ઝારખંડમાં માઈનીંગના ધંધામાંથી થતી આવડી મોટી આવક જોઇને સૌ કોઈનું ધ્‍યાન તેના તરફ ખેંચાયું છે જેના અનુસંધાને ફેડરલ એજન્‍સીએ ચાલુ વર્ષના માર્ચ મહિનાથી રાજયમાં ચાલી રહેલી ગેરકાયદેસર ખાણકામની તપાસની શરૂઆત હાથ ધરી હતી.

ED દ્વારા પાંચ મહિનાથી ચાલતી આ તપાસે જુલાઈ મહિનાથી એવો વેગ પકડ્‍યો કે ૮ જુલાઈથી માંડીને ૨૮ ઓગસ્‍ટ સુધીના ૫૦ દિવસોમાં સાહેબગંજ, બરહૈત, રાજમહેલ, મિર્ઝા ચૌકી, બરહરવા સહીત આખા ઝારખંડમાં આવેલી માઈનીંગની તમામ જગ્‍યાઓએ ૪૭થી પણ વધારે  સ્‍થળોએ દરોડાઓ પાડવામાં આવ્‍યા હતા જેમાં માત્ર ઝારખંડમાંથીજ અત્‍યાર સુધીમાં ગેરકાયદેસર ખાણકામમાંથી કમાયેલી રૂપિયા ૧૦૦૦ કરોડની અધધ સંપત્તિનું મની લોન્‍ડરિંગના ગુના સંદર્ભનું અતિ કિંમતી પગેરું હાથ લાગ્‍યું છે.

EDની તપાસ દરમિયાન એકત્રિત કરાયેલા પુરાવાઓમાં એવું બહાર આવ્‍યું છે કે જપ્ત કરાયેલ રોકડ રકમનો મોટો હિસ્‍સો ગેરકાયદેસર ખાણકામમાંથી મેળવવામાં આવ્‍યો હતો જેમાં વરિષ્ઠ અમલદારો અને રાજકારણીઓનો સરખો ભાગ હતો.

સોરેનને લીઝની ફાળવણી કરવામાં ઝારખંડના માઈનીંગ સચિવ પૂજા સિંઘલે મહત્‍વની ભૂમિકા ભજવી હતી. સાલ 2000ના બેચના IAS અધિકારી પૂજા સિંઘલે જુન ૨૦૨૧માં રાંચી જીલ્લાના માઈનીંગ અધિકારી થકી સતાવાર રીતે “LETTER OF INTENT” (લીઝ માટે ભાડાપટ્ટા પર આપેલ જગ્‍યાનો અધિકાર પત્ર) પણ સોરેનને આપી દીધેલો.

ED ઝારખંડના ખાણ સચિવ પૂજા સિંઘલને ગેરરીતી આચરવા બદલ તથા ગેરરીતી આચરવામાં તેમની મદદ કરનાર તેમના પતિ અભિષેક ઝા અને તેમની સાથે જોડાયેલા ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ સુમનકુમારની ધરપકડ કરીને તેમની પાસેથી રૂપિયા વીસ કરોડની રોકડ રકમ જપ્ત કરીને ત્રણેયને જેલ ભેગા કરી દીધા છે.

ED આ ગુનામાં ખાણ સચિવ પૂજા સિંઘલ સામે ૫૨૫૦ પાનાઓનું ચાર્જશીટ ફાઈલ કરેલ છે જેમાં દર્શાવ્‍યા મુજબ તેઓ જયારે ઝારખંડના ખુંટી જીલ્લાના ડેપયુટી કમીશનર હતા ત્‍યારે તેમણે MGNREGA (Mahatma Gandhi National Rural Employment Guarantee Act)માં ફંડ પાસ કરાવવા માટે લાંચ પેટે પૂર્વ જુ. એન્‍જીનીયર બિનોદ પ્રધાન પાસેથી CA સુમનકુમાર મારફત તગડી રકમની વસુલી કરી હતી.

ED જેના કારણે CM સોરેનને તેમની સમક્ષ હાજર થવાનું સમન્‍સ પાઠવ્‍યું છે અને જે આ કેસમાં સોરેન પછીની બીજી સૌથી મહત્‍વની વ્‍યક્‍તિ સાબિત થઇ છે તે છે તેમનો મુખ્‍ય પ્રતિનિધિ તેમજ તેમના ધંધાનો સહ ભાગીદાર અને તેમની બધીજ ગેરકાયદેસરની કરતુતોનો રાજદાર પંકજ મિશ્રા.

ED કરેલા દાવા મુજબ આ પંકજ મિશ્રા ઝારખંડના બરહૈત, સાહેબગંજ વિસ્‍તારનો ધારાસભ્‍ય છે જે તેના સાથીદારો મારફત સાહેબગંજ અને તેની આસપાસના વિસ્‍તારોમાં વ્‍યાપકપણે ગેરકાયદેસર ખાણકામની પ્રવૃત્તિઓ હાથ ધરાવતો હતો અને ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં રસ્‍તા, રેલ્‍વે અને આંતરદેશીય જહાજો (ફેરી સેવાઓ)ને નિયંત્રિત કરીને આવા ચોરાયેલા ખનિજોના પરિવહનની સાથે વિશાળ ગેરકાયદેસર ખાણકામની પ્રવૃતિઓ કરાવતો હતો અને માત્ર એટલુજ નહિ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા ઉપજેલ નાણાંને આરોપીઓ દ્વારા રાજકીય સમર્થન દ્વારા ખસેડવામાં અને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થતો હતો.

ED તારીખ ૮મી જુલાઈના રોજ સાહેબગંજ ખાતે આવેલા મિશ્રાના પરિસરમાં દરોડા પાડતા ત્‍યાંથી મળેલ વસ્‍તુઓમાં સોરેનના બેંકને લગતા  દસ્‍તાવેજો, પાસબુક ધરાવતું એક સીલબંધ પરબિડીયું, સોરેનના બેંક ઓફ ઈન્‍ડિયાના ખાતાની બે ચેકબુકો જેમાં બે હસ્‍તાક્ષરિત ચેકો છે તે તથા એપ્રિલ 2019 થી જૂન 2022 સુધી ચિહ્નિત થયેલ એક પીળા રંગની ફાઇલ કે જેમાં હેમંત સોરેન અને તેના પરિવારની તમામ બેંક ખાતાઓની વિગતવાર માહિતીઓ આપેલ છે તે તમામ તેમજ સરકારી ટેન્‍ડરોને લગતા બધાજ દસ્‍તાવેજોને EDપોતાના કબજામાં લીધા હતા.

EDની તપાસમાં એવી પણ ચોકાવનારી વિગતો બહાર આવી છે કે ઝારખંડના સાહેબગંજ અને તેની આસપાસના વિસ્‍તારના જંગલોમાં વર્ષો પહેલા અનેક પહાડો હતા જેના પર ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવતા તે પહાડો ત્‍યાંથી ગાયબ થઇ ગયેલ છે. EDતેમનું ચોક્કસ લોકેશન શોધવા માટે ISROના વૈજ્ઞાનિકોની પણ મદદ લીધી હતી જેમણે  અનેક આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરીને તમામ પુરાવાઓને એકઠા કરી દીધા છે.

ED ઠેર ઠેર જગ્‍યાઓ પર ચાલતી માઇનિંગ સાઇટો પર રેડો પાડતા ત્‍યાંથી મળી આવેલ મુદા માલમાં ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા  ૫ સ્‍ટોન ક્રશર, 2 ટ્રક તેમજ આરોપીઓના પરિસરમાંથી 2 એકે-47 રાઈફલ, પાંચ ગેરકાયદેસર હથિયારના કારતૂસ તથા 30 કરોડની કિમતનું જહાજ કબજે કર્યું છે.

આ ઉપરાંત ED દ્વારા તપાસ દરમિયાન રિકવર કરાયેલી અન્‍ય ચીજ વસ્‍તુઓમાં અને જેનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે તેવા એકત્રીત કરાયેલા પુરાવાઓ જેમાં વિવિધ વ્‍યક્‍તિઓના નિવેદનો નોંધાયેલ છે, ડિજિટલ પુરાવાઓ અને વિવિધ પ્રકારના દસ્‍તાવેજો સામેલ છે તે બધા ઉપરાંત પંકજ મિશ્રા સહિત હેમંત સોરેન્‍સના નજીકના સહયોગીઓના ૩૭ બેંકોના ખાતાઓમાંથી કરોડો રૂપિયાની રકમ જપ્ત કરીને ફેડરલ એજન્‍સીએ આ કેસમાં પંકજ મિશ્રા, તેના સહયોગીઓ બચ્‍ચુ  યાદવ અને પ્રેમ પ્રકાશ ઉપરાંત તેમના અન્‍યો બીજા મળતીયાઓ અને સાથીદારોની સામે ચાર્જસીટ ફાઈલ કરી તેમની ધરપકડ કરીને બધાને જેલ ભેગા કરી દીધા છે.

હવે બાકી બચ્‍યા CM સોરેન તો તેમને પણ કાયદાકીય રીતે સાણસામાં લેવા માટે ED પૂરી તૈયારીઓ કરી લીધી છે.

ઝારખંડના આ ભ્રષ્ટ મુખ્‍યમંત્રી સોરેનનું આગળ જતા શું થાશે તે તો આવનારો સમયજ કહેશે. પરંતુ ત્‍યાં સુધી આપણે એ જાણીએ કે વિવિધ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલી CM દરજ્જાની આવી ભ્રષ્ટ વ્‍યક્‍તિ મુખ્‍યમંત્રીની ખુરશી સુધી કઈ રીતે પહોંચી.

સોરેનના ભૂતકાળ તપાસતા તેમનું આખું નામ હેમંત શિબુ સોરેન છે જે ઝારખંડના ત્રણ ટર્મના ભૂતપૂર્વ મુખ્‍ય પ્રધાન શિબુ સોરેનના ચાર સંતાનોમાંના બીજા નંબરના પુત્ર છે.

સોરેન હાલ ઝારખંડના મુખ્‍યમંત્રી (CM) હોવા ઉપરાંત ઝારખંડ મુક્‍તિ મોરચા (JMM) ના કાર્યકારી અધ્‍યક્ષ છે. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વર્ષ ૨૦૦૯ની ઝારખંડ રાજયની વિધાનસભાની  ચૂંટણી વખતે દુમકા મતવિસ્‍તારમાંથી ધારાસભ્‍ય તરીકે ચૂંટાઈને કરી હતી અને તે પછીના વર્ષેજ તેઓ રાજયસભાના સભ્‍ય બન્‍યા હતા. 

તેમને વર્ષ ૨૦૧૦માં અર્જુન મુંડાના મંત્રાલય દરમિયાન રાજયના ડેપ્‍યુટી સીએમ તરીકે નીમવામાં આવ્‍યા હતા અને વર્ષ ૨૦૧૩ સુધી તે પદ પર રહીને તારીખ ૧૩ જુલાઈ ૨૦૧૩ના રોજ તેમણે રાજયના CM તરીકેની સપથ લીધા હતા.

મુખ્‍યમંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન CM સોરેને ઘણા ખાતાઓ સાંભળેલા જેમાં આયોજન અને વિકાસ, કેબિનેટ (ચૂંટણી અને તકેદારી), ગૃહ, કેબિનેટ કો-ઓર્ડિનેશન, માહિતી અને જનસંપર્ક, વહીવટી સુધારણા, રાજભાષા અને કાયદાના પોર્ટફોલિયો ઉપરાંત ખાણ અને પર્યાવરણનું ઝારખંડનું સૌથી મલાઈદાર ગણાતું ખાતું તેમણે પોતાની હસ્‍તક રાખેલુ.

સોરેનને EDના સમન્‍સ ભારતના ચૂંટણી પંચ EC(ELECTION COMMISSION) દ્વારા ઓગસ્‍ટ મહિનામાં ઝારખંડના ગવર્નર રમેશ બિયાસને એક અહેવાલ મોકલ્‍યાના મહિનાઓ પછી પાઠવવામાં આવ્‍યું છે જેમાં કથિત રીતે ખાણકામ લીઝ રાખવા બદલ સોરેનને વિધાનસભાના સભ્‍ય તરીકે ગેરલાયક ઠેરવવાની ભલામણ કરવામાં આવી હતી. સોરેન પર થયેલા કેસમાં તેમનું ધારાસભ્‍યપદ પણ  જાય તેમ છે.

ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી રઘુબર દાસે સાલ ૧૯૫૧ના જનપ્રતિનીધી ધારા (THE REPRESENTATION OF THE PEOPLE ACT)ની કલમ ૯ હેઠળ ઝારખંડના CM સોરેન સામે સતાવાર ફરિયાદ કરેલી જે મુજબ કોઈ પણ વ્‍યક્‍તિ પોતાના હોદાનો ઉપયોગ કરીને પોતાને ફાયદો ના કરાવી શકે.

ભારતીય બંધારણ મુજબ ઓફીસ ઓફ પ્રોફિટ (OFFICE OF PROFIT)ની જોગવાઈ મુજબ સત્તામાં રહેલી કોઈ પણ વ્‍યક્‍તિ આવા પ્રકારનું કોઈપણ કૃત્‍ય કરે તો તેને ભ્રષ્ટાચાર કહેવાય અને તે કરનાર વ્‍યક્‍તિ જો વિધાનસભા કે સંસદની સભ્‍ય હોય તો તેનું સભ્‍યપદ રદ થાય.

ભાજપે કરેલી ઉગ્ર રજૂઆત મુજબ સોરેને મંત્રી તરીકે પોતાનેજ લીઝ આપીને ભ્રષ્ટ્રાચાર કરેલો છે તેથી તેમનું સભ્‍યપદ રદ થવાને પાત્ર છે. ચુંટણી પંચે CM સોરેનનું સભ્‍યપદ રદ કરવાનો નિર્ણય લીધો છે પરંતુ તેનો અમલ કરવાનો હજુ બાકી છે.

ED પાછળ આખી સરકાર છે જેના દરેક ડીપાર્ટમેન્‍ટના પૂરતા સહયોગ આપનારા અવ્‍વલ દરજ્જાના અધિકારીઓ ખડે પગે તેની સેવામાં તૈનાત છે.

 સોરેનના મુખ્‍યમંત્રી અને ધારાસભાના બંને પદો ચોક્કસપણે છીનવાઈ જશે અને તેમનું જેલ જવાનું પણ લગભગ કન્‍ફર્મજ છે.

ઝારખંડના મુખ્‍યમંત્રી હેમંત સોરેનને તેમણેજ બીછાવેલી શતરંજની આ બાજીમાં ED નામના એક અઠંગ ખેલાડીએ તેમના દરેક પ્‍યાદાઓને એક પછી એક મહાત કરીને આ ખેલમાં તેમને જબરી માત આપી છે.

હવે જોવાનું એ રહે છે કે આ પ્‍યાદાઓ વગરનો રાજા (CM) સોરેન ED નામના આ જીનીઅસ ખેલાડી સામે ક્‍યાં સુધી જીક જીલી શકે તેમ છે. (૨૧.૨૯)

કમલ ફૂલસિંહ જારોલી

એડવોકેટ અને નોટરી

મો. ૮૧૬૦૩ ૧૧૦૧૬

kamalfjaroli@gmail.com 

(4:15 pm IST)