Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

બરોડા બેંકના ATM ઘણા વખતથી બંધ હાલતમાં: ગ્રાહકો હેરાન પરેશાન

ATM મશીન બંધ રહેતાં બેંકમાં રોકડ ભરવા-ઉપાડવા ભારે ધસારો

રાજકોટ,તા. ૧૧ : રાજકોટની બેંક ઓફ બરોડાના  ATM છેલ્લા થોડા સમયથી બંધ હાલતમાં જોવા મળતાં આ બેંકના ગ્રાહકો હેરાન પરેશાન થઇ ગયા હોવાનું જાણવા મળે છે. બેંકના ATM બંધ હોવાના કારણે આ બેંકની તમામ શાખાઓમાં રોકડ રકમ ભરવા અને રકમ ઉપાડવા ગ્રાહકોનો ભારે ધસારો રહેતા બેંક કર્મચારીઓની હાલત કફોડી બની જવા પામી છે.

બેંક ઓફ બરોડાના રાજકોટમાં ૨૮ થી ૨૦ જેટલા ATM છે. એટલુ જ નહીં પાસબુક પ્રિન્‍ટ કરવાના અને રોકડ પૈસા જમા કરાવવાના મશીન પણ આવેલા છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોઇ ટેકનીકલ કારણોસર બંધ રહેતા ગ્રાહકોની હાડમારીમાં વધારો થયો છે. આ બેંકના નામાંકીત ગ્રાહક મનોજ કાનજીભાઇ પરમારે ફરીયાદ કરતા જણાવ્‍યું છે કે આ બાબતે ઉચ્‍ચ કક્ષાએ ધ્‍યાન દોરવામાં આવ્‍યું હોવા છતાં પણ ફરીયાદનો નિકાલ કરવામાં આવતો નથી. ગુજરાત બહારના અધિકારીઓને જાણે ફરિયાદનો નિકાલ કરવામાં રસ ન હોય તેવું વર્તન દાખવી રહ્યા હોવાનું ગ્રાહકોએ ફરિયાદમાં જણાવ્‍યું છે.

એવું પણ જાણવા મળે છે કે બેંક  ATMનું કામકાજ આઉટસોર્સીંગ કરેલ છે. જે કંપનીને કામ સોંપવામાં આવ્‍યું છે તે પણ ATM કાર્યરત કરવામાં રસ લેતી ન હોવાનું આ ગ્રાહકે ફરીયાદમાં જણાવ્‍યું છે. આ બેંકના આ ગ્રાહકે એવી પણ ફરિયાદ કરી છે કે આ બેંક હવે જાણે હિન્‍દીભાષીઓની બની ગઇ હોય તેવું લાગે છે. આ બેંક દ્વારા દર વર્ષે દિવાળી નિમિતે પંચાગ પણ ગ્રાહકોને વિનામૂલ્‍યે વિતરીત કરવામાં આવે છે. આ સુવિધા પણ આ બેંકના અધિકારીઓએ આ વર્ષે બંધ કરી દીધી હોવાનું પણ ગ્રાહકોએ ફરિયાદમાં જણાવ્‍યું છે.

આ બેંકના તમામ ATM વહેલામાં વહેલી તકે કાર્યરત બને તે ઇચ્‍છનીય છે.

(4:02 pm IST)