Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ઓનલાઇન ફ્રોડ અને સારા - ખરાબ સ્‍પર્શ અંગે ગામડાઓની પ્રજાને જાગૃત કરતી ‘શી ટીમ'

રાજકોટ, તા., ૧૧: પોલીસ વિભાગમાં મહિલાઓની બનેલી 'શી ટીમ' દ્વારા  ઓનલાઇન છેતરપીંડી  અંગે ગ્રામ્‍ય પ્રજાને અને બાળકોને ગુડ ટચ - બેડ  ટચ અંગે જાગૃત કરવા સેમીનાર યોજવામાં આવ્‍યા હતા. સુર્ય રામપરા, રામપરા, રફાળા, સ્‍વામી વિવેકાનંદ વિદ્યા મંદિર અને ઓમ ગર્લ્‍સ સ્‍કુલોમાં આ સેમીનાર યોજવામાં આવ્‍યા હતા.
આ સેમીનારમાં વિકૃત માણસો દ્વારા  બાળકો શોષણનો ભોગ ન બને તે માટે સારા અને ખરાબ સ્‍પર્શને કેવી રીતે ઓળખશો તે અંગે સ્‍કુલોમાં જઇ બાળકોને સમજણ આપવામાં આવી હતી. જયારે ઓનલાઇન છેતરપીંડીનો ભોગ ગ્રામલોકો ન બને તે માટે અજાણી વેબસાઇટ ઉપરથી મંગાતી બેંક સંદર્ભની માહીતીઓ નહી આપવા લોકોને સમજાવાયા હતા. આ ઉપરાંત ઓમ ગર્લ્‍સ સ્‍કુલની વિદ્યાર્થીનીઓને સેલ્‍ફ ડીફેન્‍સ અને ટ્રાફીક અવેરનેસ વિષે જાગૃત કરવામાં આવી હતી. એક કિસ્‍સામાં માતા અને પુત્રીના ઝઘડાને કાઉન્‍સેલીંગ કરી સુલજાવવામાં આવ્‍યો હતો. શહેર પોલીસની શી ટીમ હરહંમેશ મહિલાઓના પ્રશ્ન માટે જાગૃત રહેતી હોય છે. આવા કોઇ પણ પ્રશ્નો અંગે પોલીસ કંટ્રોલ મારફત શી ટીમનો સંપર્ક સાધી શકાય છે.

 

(4:21 pm IST)