Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

રાજકોટ ભાજપના ૪ ઉમેદવારોએ વિજય મુર્હુતમાં ભર્યુ નામાંકનઃ મનસુખ માંડવીયાની હાજરી

વિજયનો પ્રચંડ વિશ્વાસઃ કાનગડ-શાહ-ટીલાળા-બાબરીયા વાજતે ગાજતે ઉમેદવારી : સરદાર પટેલની પ્રતિમા પાસે જંગી જાહેર સભાને સંબોધનઃ શકિત પ્રદર્શનઃ વંદે માતરમ, જય સરદાર, ભારત માતા કી જય, જય ગરવી ગુજરાતના ગગનભેદી નારા

રાજકોટ તા.૧૧ : વિધાનસભાની ચુંટણી માટેના પ્રથમ તબકકા માટે ઉમેદવારી પત્ર ભરવાનું કામ જોર શોરથી ચાલુ છે. એ દરમિયાન આજે ભાજપના રાજકોટ ૬૮ના ઉદય કાનગડ, ૬૯માં ડો. દર્શિતાબેન શાહ, ૭૦માં રમેશ ટીલાળા, તથા રાજકોટ ૭૧માં ભાનુબેન બાબરીયાએ વિજયના વિશ્વાસ સાથે ૧ર.૩૯ વિજય મુર્હુતમાં પોતાનું નામાંકન ભર્યુ છે. જે દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા ખાસ ઉપસ્થિત રહયા હતા. શહેરના બહુમાળી ચોક પાસે આવેલ. સરદાર પટેલની પ્રતિમા પાસે જંગી જાહેરસભા યોજાઇ હતી. ત્યાં ઉપસ્થિત કાર્યકરોએ જય સરદાર, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાતના ગગનભેદી નારા લગાવ્યા હતા.
 આગામી ૧ ડિસેમ્બરના યોજાનાર  પ્રથમ  તબકકાની વિધાનસભાની ચુંટણીના ઉમેદવારો ભાજપ દ્વારા ગઇકાલે  રાજકોટ સહિત ૧૬૦ ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટના ૬૮ (પુર્વ) ઉદય કાનગડ, રાજકોટ ૬૯ (પશ્ચિમ) ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ ૭૦ (દક્ષિણ) રમેશભાઇ ટીલાળા તથા રાજકોટ ૭૧ (ગ્રામ્ય)માં ભાનુબેન બાબરીયાની પસંદગી કરવામાં આવી હતી. આ ઉમેદવારી પસંદગી કરતા ભાજપ દ્વારા આજે ચારેય બેઠકો પર  ઉમેદવારોનું નામાંકન વિજયમુર્હુતમાં ભરવામાં આવ્યું હતુ. આ નામાંકન પુર્વે શહેરના બહુમાળી ચોક વિસ્તારમાં આવેલ સરદાર પટેલની પ્રતિમા પાસે જંગી જાહેરસભા યોજાઇ હતી. આ સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ સંબોધન કર્યુ હતુ અને કાર્યકરોને ભાજપને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યુ હતુ.
ચારેય ઉમેદવારોને આવકારવા વધામણા કરવા લોક સમુદાય પણ ઉમટયો હતો. વિશાળ સંખ્યામાં કાર્યકરો સાથે ઝંડીઓ કાફલો ઉમટી પડયો હતો.

 

(12:00 pm IST)