Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ટેકાવાળી મગફળીમાં સાવ ટાઢોડુઃ સરકારે ૧૨૪૮૯ ખેડૂતોને મેસેજ કર્યાઃ ૫૪૫ ખેડૂતોએ મગફળી વેચી

રાજકોટ, તા. ૧૧ :. રાજ્ય સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમના માધ્યમથી લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે. આજે ત્રીજા દિવસે પણ મગફળી વેચવામાં ખેડૂતો નિરૂત્સાહી છે. ખુલ્લા બજારમાં મગફળીથી માર્કેટયાર્ડો ઉભરાય રહ્યા છે, જ્યારે સરકારને રૂ. ૧૧૧૦ની મણ લેખે મગફળી વેચવા ગણ્યાગાંઠયા ખેડૂતો આવી રહ્યા છે.

નિગમના સૂત્રોના જણાવ્યા મુજબ આજે બપોરની સ્થિતિએ છેલ્લા ૩ દિવસમાં કુલ ૧૨૪૮૯ ખેડૂતોને મગફળી લઈને આવવા મેસેજ કરવામાં આવેલ. જેમાંથી રાજ્યમાં માત્ર ૫૪૫ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી છે. ૧૦૨૯૭.૮૦ કવીન્ટલ મગફળી સરકારે ખરીદી છે જેની કિંમત ૫૭૧ લાખ જેટલી થાય છે.

સરકારે મગફળી ખરીદવા માટે ૧૫૦ કેન્દ્રોની વ્યવસ્થા કરી છે. ઓકટોબરમાં ૨,૬૫,૫૮૮ ખેડૂતોએ મગફળી વેચવા ઓનલાઈન નોંધણી કરાવેલ. જેમાંથી ૨૨૪૨૨૭ ખેડૂતોની નોંધણી માન્ય રહી હતી. પ્રથમ ૧૨૪૮૯ એસએમએસ પૈકી માત્ર ૫૪૫ ખેડૂતોએ જ મગફળી વેચી છે. આજનો આખરી આંકડો સાંજે સ્પષ્ટ થશે. સૌથી વધુ ૧૩૮ ખેડૂતો જામનગર જિલ્લાના છે કે જેણે ટેકાના ભાવે મગફળી વેચી છે. બીજા ક્રમે ૧૦૫ ખેડૂતો સાથે જામનગર જિલ્લો છે. રાજકોટ જિલ્લાના ૮૦ ખેડૂતોએ મગફળી વેચી છે. ભાવનગર જેવા ૧૨થી વધુ જિલ્લાઓ એવા છે કે જ્યાં હજુ સુધી એક પણ ખેડૂતે ટેકાના ભાવે મગફળી વેચી નથી.

(3:47 pm IST)