Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

મનપા દ્વારા કાલે નિરામય દિવસની ઉજવણી અંતર્ગત મેડીકલ કેમ્પ યોજાશે

સવારે ૯.૧૫ કલાકે આનંદનગર ખાતે આવેલ પૂ. રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલમાં કેમ્પનો પ્રારંભ મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયાના હસ્તે કરાશે : આ કેમ્પમાં વિનામૂલ્યે નિદાન, દવાઓ અપાશે : સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોની સેવા મળશે

રાજકોટ તા. ૧૧ : મહાનગરપાલિકા દ્વારા 'નિરામય દિવસ'ની ઉજવણી અંતર્ગત આવતીકાલે તા. ૧૨ના મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલિયાના હસ્તે શુભારંભ કરવામાં આવશે. આ કેમ્પમાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબોની વિનામૂલ્યે સેવાઓ મળશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી અમિત અરોરા, આરોગ્ય કમિટી ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયાની સંયુકત યાદીમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજયમાં 'નિરામય દિવસ'ના શુભારંભના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૧૨ના રોજ સવારે ૯.૧૫ કલાકે પૂજય રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, જુનો પારડી રોડ, આનંદનગર મેઈન રોડ ખાતે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેનો શુભારંભ ગુજરાત રાજય મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલીયાના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

લોહીનું ઉંચુ દબાણ(હાઇ બ્લડ પ્રેસર), મઘુપ્રમેહ(ડાયાબિટીસ), મોંઢા/ સ્તન/ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીના રોગો તથા પાંડુરોગ(એનીમીયા) અને કેલ્શીયમની ઉણ૫થી થતા રોગો માટે યોગ્ય નિદાન અને સારવાર માટે રાજયભરમાં 'નિરામય દિવસ'ના શુભારંભના ભાગરૂપે રાજય સરકારના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ખાતે એક આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં સુ૫ર સ્પેશ્યાલીસ્ટ તબીબો (કાર્ડીયોલોજીસ્ટ, નેફ્રોલોજીસ્ટ), સ્પેશ્યાલીસ્ટ(ફીજીશીયન, જનરલ સર્જન,  સ્ત્રીરોગ નિષ્ણાત(ગાયનેક.), ઓર્થોપેડીક સર્જન, ડેન્ટલ સર્જન તથા રેડીયોલોજીસ્ટની સેવાઓ સવારે ૦૯.૧૫ કલાકથી બપોરે ૨.૩૦ કલાક સુધી વિનામુલ્યે મળી રહેશે.

આ કેમ્પમાં ડો. નીખીલા પાંચાણી, ડો. કુંજેશ રૂપાપરા, ડો. ડેનિશ સાવલિયા, ડો.પૂજા પાંચાણી, ડો. અંકુર પાંચાણી, ડો. આકાશ પાંચાણી, ડો. આનંદ ભાલોડી, ડો. અમી રાજદેવ, ડો.પ્રાર્થના દવે, ડો. અનીશ કંટેસરીયા, ડો. પ્રિયાંક કોટેચા, ડો. તન્મય દવે સહિતના શહેરના ખ્યાતનામ અને અનુભવી ડોકટરોની સેવા વિનામુલ્યે મળશે.

આ કેમ્પમાં વિનામુલ્યે લેબોરેટરીના તમામ રીપોર્ટ જેવા કે પાંડુરોગ માટે હિમોગ્લોબીન, ડાયાબિટીસ માટે સુગરની તપાસ, કિડનીના રોગો માટે ક્રિએટીનની તપાસ, હૃદય રોગ માટે કાર્ડીયોગ્રામ અને લીપીડ પ્રોફાઇલની તપાસ તથા ગર્ભાશયના મુખના કેન્સર માટે પે૫ સ્મીયર અને સ્તનના કેન્સર માટે સોનો-મેમોગ્રાફીની તપાસ નિષ્ણાત તબીબી ડોકટરની સલાહ મુજબ વિનામુલ્યે કરી આ૫વામાં આવશે.

આ પ્રકારના રોગો માટે નિયમિત ધોરણે દર શુક્રવારે ફિલ્ડમાં એ.એન.એમ અને આશા બહેનો દ્વારા સ્ક્રીનીંગ કરી, હાઈ રીસ્ક ગ્રુપના લોકોને ઓળખી, તપાસવામાં આવશે. તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે મેડીકલ ઓફિસર દ્વારા ચેકઅપ કરી, જરૂરી લેબોરેટરીના રીપોર્ટ કરી, નિદાન તથા સારવાર વિનામુલ્યે કરવામાં આવશે. આ દરેક શુક્રવારને 'નિરામય દિવસ' ગણી ઉજવણી કરવામાં આવશે.

તા.૧૨ના રોજ 'નિરામય દિવસ'નો શુભારંભ મુખ્યમંત્રીશ્રી દ્વારા પાલનપૂર ખાતેથી કરવામાં આવશે. અને સમગ્ર ગુજરાતમાં શરુ થઈ રહેલા 'નિરામય ગુજરાત' અભિયાનના ભાગરૂપે રાજકોટ શહેરમાં આ કેમ્પ દ્વારા 'નિરામય દિવસ'ના શુભારંભ તરીકે આ કેમ્પમાં નિદાન, લેબોરેટરી, દવાઓ તથા સારવાર વિનામૂલ્યે આ૫વામાં આવશે.

આ કેમ્પમાં PMJAY(આયુષમાન કાર્ડ)ના કાર્ડ અથવા MA (મુખ્યમંત્રી અમૃતમ) યોજનાના કાર્ડ કાઢી આ૫વા માટે ૫ણ આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા વિગેરે ઉપસ્થિત રહેશે.

ગુજરાતમાં બિનચેપી રોગોનો વધારો

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ૨૦૧૯ – ૨૦ મુજબ ગુજરાતમાં બિનચેપી રોગો જેવા કે હાય૫ર ટેન્શનનું પ્રમાણ સ્ત્રીઓમાં ર૦.૬ અને પુરૂષોમાં ર૦.૩ છે. જયારે ડાયાબિટીસ (પ્રકાર – ર)નુ પ્રમાણ સ્ત્રીઓમાં ૧૫.૮ અને પુરૂષોમાં– ૧૬.૯ જોવા મળેલ છે. તેમજ કેન્સરનું પ્રમાણ પુરૂષોમાં ૦.૦૯ અને સ્ત્રીઓમાં ૦.૧૦ જોવા મળેલ છે. આમ જોતા બિન ચેપી રોગોનું પ્રમાણ ઝડ૫થી વઘી રહ્યુ છે. હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તથા કેન્સર જેવા રોગો આધુનિકતા અને લાઈફસ્ટાઈલ મોડિફિકેશનના કારણે તથા તમાકુના ઉપયોગના કારણે જોવા મળે છે.

(3:14 pm IST)