Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જુગારમાં દેણુ થઇ જતા હાર્દિક લીંબાસીયાએ કાર ચોરી કરી'તી : બી-ડીવીઝન પોલીસે દબોચ્યો

રાજકોટ, તા. ૧૧ : ગ્રીનલેન્ડ ચોકડી પાસે લક્ષ્મણ પાર્કમાં આવેલ બજરંગ મોટર્સ ગેરેજમાંથી થયેલી કાર ચોરીનો બી-ડીવીઝન પોલીસે ભેદ ઉકેલી પટેલ શખ્સને ચોરાઉ કાર સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી બી-ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ. ડામોર, એએસઆઇ વીરમ ધગલ, હેડ કોન્સ. અજયભાઇ બસીયા, મનોજભાઇ મકવાણા, સંજયભાઇ મીયાત્રા, પરેશભાઇ સોઢીયા, હેમેન્દ્રભાઇ વાઘીયા, જયદીપસિંહ બોરાણા અને ચાપરાજભાઇ સહિત જૂના મોરબી રોડ જય જવાન જય કિશાન સોસાયટી પાછળ વાહન ચેકીંગમાં હતાં ત્યારે એક નંબર પ્લેટ વગરની કારને રોકી ચાલક પાસે લાયસન્સ અને કારના કાગળો માગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. બાદ પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ હાર્દિક જયંતીભાઇ લીંબાસીયા (ઉ.વ.૧૯) (રહે. મોરબી રોડ ઉત્સવ સોસાયટી શેરી નં.૧) નામ આપ્યું હતું અને તેણે આ કાર બે દિવસ પહેલા ગ્રીનલેન્ડ ચોકડી પાસે લક્ષ્મણ પાર્કમાં આવેલા બજરંગ મોટર્સ ગેરેજમાંથી ચોરી કર્યાની કબુલાત આપતા પોલીસે હાર્દિકની ધરપકડ કરી હતી. જુગારમાં દેણુ થઇ જતા દેણુ ચૂકવવા માટે કાર ચોર્યાની કબુલાત આપી હતી.

(2:48 pm IST)