Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

રાજકોટ પોલીસ ચોરાયેલા કે ખોવાયેલ મોબાઇલ મુળ માલીકને પરત આપવામાં સમગ્ર રાજયમાં પ્રથમ

રાજકોટ, તા., ૧૦: વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં દરેક માણસના જીવનમાં મોબાઈલ એક અંગત સાધન રૂપ સાબિત થઈ રહ્યું છે. આ મોબાઈલમાં માણસો પોતાના કિંમતી ડેટા પણ સેવ કરીને રાખતા હોય છે. પરંતુ આ મોબાઈલ ફોન ખોવાય કે ચોરાઈ જાય ત્યારે માણસને મુશ્કેલી થતી હોય છે. પોલીસ સમક્ષ અરજી કરતા હોય છે. આ ખોવાયેલ અથવા તો ચોરાયેલ મોબાઈલ ફોન મૂળ માલિકને પરત આપવામાં સમગ્ર રાજ્યમાં રાજકોટ પોલીસ પ્રથમ નંબરે આવી રહી છે. રાજકોટ પોલીસે ૩ વર્ષમાં ૬ કરોડની કિંમતના અંદાજિત ૬૦૦૦ જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા છે.

    વર્ષ ૨૦૧૬ માં કુલ ૧ કરોડ ૬૬ લાખ ૫૫ હજારની કિંમતનાં મોબાઈલ ફોન પરત આપ્યા.  વર્ષ ૨૦૧૭માં કુલ ૧ કરોડ ૪૭ લાખ ૯૪ હજારની કિંમતનાં મોબાઈલ ફોન પરત આપ્યા. વર્ષ ૨૦૧૮માં કુલ ૨ કરોડ ૭૫ લાખ ૨૪ હજારની કિંમતનાં મોબાઈલ ફોન પરત આપ્યા. વર્ષ ૨૦૧૯માં કુલ ૧ કરોડ ૧૨ લાખ ૭૯ હજારની કિંમતનાં મોબાઇલ ફોન પોલીસે શોધી મુળ માલિકને પરત કર્યા

ખોવાયેલ મોબાઈલ પરત કરવાની કામગીરીમાં રાજકોટ સાયબર સેલ ગુજરાતમાં પ્રથમ છે. કોઇનો મોબાઇલ ખોવાઈ તો તેના આઇએમઇઆઇ નંબર પરથી તેને ટ્રેક કરવામાં આવે છે. તો ક્યારેક બાતમીનાં આધારે મોબાઇલ ચોર પાસે વધુ પડતા મોબાઇલ મળે તે શોધી મુળ માલિકને પરત કરવામા આવે છે. રાજકોટ પોલીસ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ વ્યકિતનો મોબાઇલ ખોવાઈ કે ચોરી થાય તો તુરંત જ મોબાઈલ બિલ સાથે રાખી સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી શકે છે.

રાજકોટ સાયબર સેલે ૫૦૦ રૂપિયાથી લઇ ૫૦ હજાર સુધીનાં ચોરાયેલા અને ખોવાયેલા ફોન શોધીને લોકોને પરત આપ્યાં છે. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ જન્માષ્ટમીના તહેવાર સમયે લોકમેળામાં ૧૭૮ મોબાઇલ ખોવાઇ ગયા હોવાની પોલીસને ફરિયાદ મળી છે જે પૈકી ૪ મોબાઇલ પરત મૂળ માલિકને સોંપવામાં આવ્યા છે તો સાથે જ જે લોકોએ ફરિયાદ લખાવી છે તેમાંથી અનેક લોકોને આગામી દિવસોમાં મોબાઇલ પરત મળી શકે તેમ છે.

(5:31 pm IST)