Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજકોટ શહેર - જિલ્લાના ફરવાલાયક તમામ સ્થળો ઉપર ટોળા ભેગા ન થાય- લોકો ન ઉમટે તે માટે રાઉન્ડ ધ કલોક ચેકીંગ કરવા પ્રાંત મામલતદારોને આદેશ

લોકો આવે તો તેમને સમજાવીને ઘરે પરત મોકલી દેવા સુચના : એક ડઝન સ્થળો ઉપર એસઆરપી અને પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો : રોજેરોજ રીપોર્ટ આપવા આદેશો

રાજકોટ, તા. ૧૧ : આજથી સાતમ - આઠમના તહેવાર શશ્રૂ થઈ ગયા છે અને આવતીકાલે આઠમ છે અને પરમદિવસે નવમી થશે.

રાજકોટ શહેર - જિલ્લામાં રાજકોટ સહિત તમામ મેળા કેન્સલ છે. અંદાજે ૩૦થી વધુ ફરવાલાયક અને પીકનીક પોઈન્ટ આવેલ છે. જેમાં આજી ડેમ, ન્યારી ડેમ, લાલપરી, પ્રદ્યુમન પાર્ક, ઘેલા સોમનાથ, ભાદર ડેમ, ઓસમ ડુંગર તથા અન્ય સ્થળો આવેલા હોય ઉત્સવઘેલી પ્રજા આ તમામ સ્થળો ઉપર અને અન્ય જાહેર સ્થળો ઉપર ભેગા ન થાય અને ટોળા ન કરે તથા સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક અને નિયમોનું પાલન કરે તે સંદર્ભે રાજકોટ શહેર જિલ્લા કલેકટરે એક મહત્વનો આદેશ બહાર પાડી આજથી જ આવા તમામ સ્થળો ઉપર મામલતદારો અને પ્રાંત અધિકારીઓ પોલીસ અને એસઆરપીની ટીમ સાથે ચેકીંગ કરવા આદેશો આપી દીધા છે.

ઉપરોકત ૩૦માંથી ૧૦-૧૨ જગ્યાએ એસઆરપીની ટીમો પણ મૂકી દેવાઈ છે. પોલીસનો સતત બંદોબસ્ત છે. લોકો આવે તો તેને તરત પાછા ઘરે મોકલી દેવા આદેશ આપ્યા છે. અને ત્રણ દિવસ રાઉન્ડ ધ કલોક ચેકીંગ કરવા દરેક પ્રાંત અને મામલતદારને સુચના આપી છે. તથા દરરોજનો રીપોર્ટ કલેકટરને કરવા પણ આદેશો કરાયા છે.

(11:35 am IST)