Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

રાજકોટની સીમાબેને નવાગામ ઘેડમાં ત્રાસઃ પતિના અન્ય સ્ત્રી સાથે લફરાનો આક્ષેપ

મહિલા પોલીસે પતિ, સાસુ, સસરા અને નણંદ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૦: રામનાથપરામાં માવતર ધરાવતી અને જામનગરના નવાગામ ઘેડમાં સાસરૂ ધરાવતી દરજી પરિણીતાને જામનગરમાં પતિ-સાસુ-સસરા અને નણંદે ત્રાસ આપતાં મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પતિને અન્ય સ્ત્રી સાથે સંબંધો હોઇ તેણી સાથે સંબંધ ન રાખતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે.

મહિલા પોલીસે આ બારામાં હાલ રામનાથપરા-૬માં રહેતી સીમાબેન કૈલાસ ભારાણી (ઉ.વ.૨૮) નામની દરજી પરિણિતાની ફરિયાદ પરથી નવાગામ ઘેડ (જામનગર) બજરંગ ફલોર મીલ પાસે રહેતાં તેણીના પતિ કૈલાસ હરિભાઇ ભારાણી, સસરા હરિશભાઇ માવજીભાઇ ભારાણી, સાસુ દમયંતિબેન હરિશભાઇ ભારાણી અને નણંદ રશ્મીબેન ભરતભાઇ લીંબડ સામે ગુનો નોંધ્યો છે.

સીમાબેને ફરિયાદમાં જણાવ્યું છેકે હું  એક મહિનાથી યિપરમાં રહુ છું. સંતાનમાં ૯ વર્ષની દિકરી છે. મારા લગ્ન ૨૭/૨ના કૈલાસ સાથે થયા છે. લગ્ન બાદ અમે સંયુકત પરિવારમાં રહેતાં હતાં. શરૂઆતના પાંચ મહિના મને સારી રીતે રાખી હતી. એ પછી પતિ નાની-નાની વાતે ઝઘડા કરી મારકુટ કરવા માંડ્યો હતો. બીજી સ્ત્રીઓ સાથે ફોનમાં વ્હોટ્સએપમાં મેસેજ કરતો હતો. હું કંઇ કહુ તો મને મારકુટ કરતો હતો. આ ઉપરાંત મારા પર ખોટા વ્હેમ કરતો.

પતિને બીજી સ્ત્રીઓ સાથે સંબંધ હોઇ જેથી તે મારી સાથે સંબંધ રાખતો નહિ. સાસુ દમયંતિબેન ખાવા-પીવા બાબતે હેરાન કરતાં હતાં. કામ બાબતે પણ ઝઘડા કરતાં હતાં. હું કંઇ કહુ તો સસરા પણ પતિનો સાથ આપી ઉપરાણું લેતાં હતાં. નણંદ રશ્મિ તેના પતિ સાથે અમારી સાથે જ રહેતાં હોઇ તે પણ ગાળાગળી કરી લેતાં અને ચઢામણી કરતાં હતાં. પતિ મને ગમે ત્યારે ઘરમાંથી કાઢી મુકતો હતો. ત્રાસ સહન ન થતાં હું માવતરે આવી ગઇ હતી. સમાધાન બાદ ફરી મને તેડી ગયા હતાં.પણ ફરીથી ત્રાસ શરૂ થતાં હું એક મહિનાથી રાજકોટ પિયરે મારી દિકરી સાથે આવી ગઇ છું. અહિ આવ્યા પછી પતિ-સાસરિયાએ મારી કે દિકરીને સારસંભાળ પણ લીધી નથી. અંતે ફરિયાદ કરવી પડી છે.

હેડકોન્સ. એસ. જી. ગોસાઇએ ગુનો નોંધી ફરિયાદના આક્ષેપો અંગે તપાસ શરૂ કરી છે.

(11:31 am IST)