Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

શનિવારે ૧૫મી ઓગસ્ટની શાનદાર પણ સાદાઇથી ઉજવણી થશે પૂરવઠા મંત્રી અને એડી. કલેકટરના હસ્તે ધ્વજવંદન કરાશે

૨૦થી વધુ કોરોના વોરીયર્સનું પ્રમાણપત્ર - શાલ ઓઢાડી સન્માન કરાશે : સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ : જિલ્લા કક્ષાની ઉજવણી ઘંટેશ્વર એસઆરપી કેમ્પ અને રાજકોટમાં ચૌધરી હાઇસ્કુલ ખાતે ત્રીરંગો લહેરાશે : બે સ્વાતંત્ર્ય સેનાનીઓનું મામલતદાર રાજકોટ - જેતપુરમાં તેમના ઘરે જઇ સન્માન કરાશે

રાજકોટ તા. ૧૧ : સાતમ - આઠમના તહેવારો શરૂ થઇ ગયા છે, તો સાથોસાથ રાજકોટ સહિત રાજ્યભરમાં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિનની શાનદાર પણ સાદાઇ ભરી ઉજવણી થશે, રાજ્યભરમાં શાનથી ત્રિરંગો સવારે ૯ વાગ્યે લહેરાશે.

રાજકોટ શહેર - જિલ્લાની વાત કરીએ તો, રાજકોટ જિલ્લાની જિલ્લા કક્ષાની ઉજવણી રાજકોટ તાલુકામાં ઘંટેશ્વર - એસઆરપી કેમ્પ ગ્રાઉન્ડ ખાતે થશે, તે અંગે તાલુકા મામલતદારશ્રી કથિરીયા, નાયબ મામલતદારશ્રી વિજય વસાણી તથા અન્યો દ્વારા તૈયારીઓ થઇ રહી છે.

ઘંટેશ્વર ખાતે થનાર જિલ્લા કક્ષાની ઉજવણીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો તમામ કેન્સલ કરાયા છે, પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાના હસ્તે ધ્વજવંદન થશે, બાદમાં ૨૦થી વધુ કોરોના વોરીયર્સનું પ્રમાણપત્ર આપી શાલ ઓઢાડી સન્માન કરાશે અને મંત્રીશ્રી સલામી ઝીલશે. કોરોના વોરીયર્સના નામો આરોગ્ય - કોર્પોરેશન - દરેક પ્રાંત પાસેથી મંગાવાયા છે, જે આજે આવી જશે.

ચૌધરી હાઇસ્કુલ ખાતે રાજકોટ શહેરની ૧૫મી ઓગસ્ટની ઉજવણી થશે, જ્યાં એડી. કલેકટરશ્રી પરિમલ પંડયાના હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવાશે, અહીં ૧૦૦ જેટલા મહેમાનોને આમંત્રીત કરાયા છે. જ્યારે જિલ્લા કક્ષાની ઉજવણીમાં ૧૫૦ જેટલા જ મહેમાનો કોરોના મહામારી સંદર્ભે આમંત્રીત કરાયા છે, જિલ્લા કક્ષાની ઉજવણી સંદર્ભે ૧૩મીએ રીહર્સલ થશે અને શહેરની ઉજવણી અંગે ૧૪મીએ રીહર્સલ થશે. માસ્ક - સેનેટાઇઝર - સોશ્યલ ડીસ્ટન્સ અંગે કલેકટરે આદેશો કર્યા છે.

દરમિયાન રાજકોટમાં અને જેતપુરમાં એમ બે સ્થળે સ્વાતંત્ર્ય સેનાનીઓનું તેમના ઘરે જઇ ૧૫મી ઓગસ્ટના દિવસે મામલતદાર તથા પ્રાંત અધિકારી દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાશે, આ માટે જિલ્લા કલેકટરે સૂચના આપી છે.

(11:30 am IST)