Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

સોમવારથી ગુજરાતની અદાલતોની ન્યાયિક કાર્યવાહીને વેગ આપવા હાઈકોર્ટનો પરિપત્ર

રાજકોટ જીલ્લાની કાર્યવાહીને વેગ આપવા ડીસ્ટ્રીકટ જજ ઉત્કર્ષ દેસાઈનો આદેશ : દરેક ન્યાયાધીશો - વકીલો - કોર્ટ સ્ટાફ સહિતના એક ચુસ્ત નિયમોનું પાલન કરવુ જોઈએ : અરજન્ટ મેટરોની સુનાવણી વિડીયો કોન્ફરન્સથી થશે : માસ્ક પહેરવુ ફરજીયાત : સવારના ૧૦:૩૦ થી ૧ વાગ્યા સુધી જ કોર્ટ ખુલ્લી રહેશે : કોર્ટમાં પ્રવેશતી દરેક વ્યકિતનું નામ - ફોન નંબર આપવો પડશે

રાજકોટ,તા.૧૧: લોકડાઉનના કારણે અટકી પડેલા કાનુની કામકાજો હવે સોમવારથી શરૂ થવાના નિર્દેશો મળી રહયા છે. જાણવા મળતી વિગત અનુસાર સોમવારથી ચુસ્ત નિયમોસાથે રાજયભરની કોર્ટની કાર્યવાહીઓ શરૂ થશે.

 નામદાર ગુજરાત વડી અદાલતના પરિપત્રમાં આપવામાં આવેલ સુચનાઓ અન્વયે રાજકોટ જિલ્લામાં કાર્યરત તમામ અદાલતોમાં ન્યાયીક કાર્યવાહીને વેગ આપવા જરૂરી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. સોમવારથી દરેક ન્યાયાધીશો, વકીલો, કોર્ટના સ્ટાફ સહિતનાએ ચુસ્ત નિયમોનું પાલન કરવાનું રહેશે. અરજન્ટ મેટરોની સુનાવણી, વિડીયો કોન્ફરન્સથી થશે. દરેકે માસ્ક પહેરવું ફરજીયાત બનશે. રાજકોટ જિલ્લામાં કાર્યરત તમામ અદાલતોનો કચેરી સમય અન્ય હુકમ નહી થાય ત્યાં સુધી, સવારના ૧૦:૩૦ થી બપોરના ૧ વાગ્યા સુધીનો રહેશે. બપોરે ૧ કલાકે જિલ્લાની તમામ કોર્ટોના વકીલરૂમો બંધ કરી દેવામાં આવશે. તેમજ બપોરના ૧:૩૦ કલાકે જિલ્લાની તમામ કોર્ટોના મેઈન ગેઈટ બંધ કરી દેવામાં આવશે.

કોઈપણ ન્યાયાધિકારીશ્રીઓને હાજર   રહેવાનો હુકમ કરવામાં આવે તે ન્યાયાધિકારીશ્રીઓએ ઓફીસ અગર તો તેમના ઘરેથી તેમની અદાલતની ન્યાયીક કાર્યવાહી બીજો હુકમ નહી થાય ત્યાં સુધી ફરજીયાતપણે ''Zoom Meeting Application'' દ્વારા વિડીયો કોન્ફરન્સીંગથી કરવાની રહેશે. રાજકોટ હેડ કવાર્ટર મુકામે કાર્યરત અદાલતોમાં ન્યાયીક કાર્યવાહી માટે ન્યાયાધિકારીશ્રીઓનો કચેરી આદેશ અલગથી અત્રેની કચેરી દ્વારા કરવામાં આવશે. તે જ પ્રમાણે અત્રેની કચેરી દ્વારા બીજો હુકમ નહી થાય ત્યાં સુધી, જિલ્લાના તમામ વકિલશ્રીઓએ પણ તેમની તમામ અરજન્ટ મેટર્સની સુનવણી ફરજીયાત રીતે વિડીયો કોન્ફરન્સીંગ કરવાની રહેશે.

રાજકોટ  જિલ્લાની તમામ અદાલતોમાં પ્રત્યેક કોર્ટદિઠ કોઈપણ એક સ્ટાફે ફરજીયાત હાજર રહેવાનું છે અને સ્ટાફને રોટેશન પ્રમાણે હાજર રહેવા, તેવા સ્ટાફના નામ જોગ જરૂરી કચેરી આદેશ જે-તે કોર્ટના પ્રિસાઈડીંગ ઓફીસરશ્રી દ્વારા કરવાનો રહેશે, અને તેની એક નકલ અત્રેની કચેરીને મોકલવાની રહેશે.

રાજકોટ જીલ્લાના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ કોર્ટના બિલ્ડીંગમાં તથા સિવિલ કોર્ટ બિલ્ડીંગમાં શકય હોય ત્યાં સુધી ગ્રાઉન્ડ ફલોર ઉપર વિડીયો કોન્ફરન્સીંગ બુથ ઉભા કરવામાં આવશે અને જે વકીલશ્રીઓ પાસે વિડીયો કોન્ફરન્સીંગથી ન્યાયીક કાર્યવાહી કરવાની માટે જરૂરી સુવિધાઓનો અભાવ છે. તેઓએ આ વિડીયો કોન્ફરન્સીંગ બુથનો ઉપયોગ કરી અરજન્ટ સ્વરૂપની ન્યાયિક કાર્યવાહી કરવાની રહેશે.

રાજકોટ જીલ્લાના દરેક તાલુકા મથકે સંબંધિત પ્રિન્સીપાલ જજશ્રીએ શકય હોય ત્યાં સુધી, કોર્ટ બિલ્ડીંગના ભોય તળીયાના ભાગે આવા વિડીયો કોન્ફરન્સીંગ બુથ તૈયાર કરવાના રહેશે, જેથી જે વકીલશ્રીઓ પાસે વિડીયો કોન્ફરન્સીંગની સુવિધા નથી તેઓ આ વ્યવસ્થાનો લાભ અરજન્ટ કામોની સુનાવણી કરવા માટે કરી શકશે.

જીલ્લાની તમામ કોર્ટોમાં ચાલતી અરજન્ટ કાર્યવાહી માટે વિડીયો કોન્ફરન્સીંગથી કાર્યવાહી ચલાવવા માટે દરેક કેસમાં સંબંધિત વકીલશ્રીએ ફરજીયાત રીતે માત્ર એક જ જુનિયર એડવોકેટ અથવા તો રજીસ્ટર્ડ કલાર્ક સાથે હાજર રહેવાનું રહેશે. જીલ્લાની તમામ કોર્ટોમાં કામ સિવાય કોઈપણ વકીલશ્રીઓને પ્રવેશ આપવામાં આવશે નહિં.

કોઈપણ કેસોમાં પક્ષકારો વચ્ચે થયેલ સમાધાન અંગેની ફીઝીકલ સ્વરૂપની કોમ્પ્રોમાઈઝ પુરશીશ / વીથડ્રોલ પુરશીશ ઉપર પેરા - ૮માં જણાવ્યા મુજબ નિયત કરેલ એક જ જગ્યાએ જમા કરાવવાની રહેશે. તેમજ તે કલાર્ક દ્વારા અરજી સ્વીકાર્યા અંગેનો શેરો વકીલશ્રીની ઓફીસ કોપીમાં કરી આપવાનો રહેશે. સદરના કલાર્કે સદરહુ અરજીઓ સંબંધિત કોર્ટોમાં તે જ દિવસે આગળની કાર્યવાહી માટે પહોંચાડવાની રહેશે, તેમજ સંબંધિત ન્યાયધિકારશ્રી જે દિવસ અને સમય નિયત કરે, તે દિવસે અને સમયે ન્યાયધીકારીશ્રીની સુચના પ્રમાણે સંબંધિત વકીલશ્રીઓએ પોતાના પક્ષકારોને કોર્ટ બિલ્ડીંગમાં આવેલ વીડીયો કોન્ફરન્સીંગ બુથમાં હાજર રાખવાના રહેશે.

ન્યાયાધિકારીશ્રીઓએ પોતાની કોર્ટના જે કેસોમાં દલીલો પુર્ણ થયેલ હોય, તેવા કેસોમાં વીડીયો કોન્ફરન્સીંગ દ્વારા ઓર્ડર/ જજમેન્ટ જાહેર કરવા માટે સંબધીત કેસના વકીલશ્રીઓ તથા જરૂરી પક્ષકારોને અગાઉથી જાણ કરી, વિડીયો કોન્ફરન્સીંગ દ્વારા ઓર્ડર/ જજમેન્ટ જાહેર કરવાના રહેશે. જે ફોજદારી કેસોમાં આરોપીઓ જયુડીશ્યલ કસ્ટડીમાં હોયતો જજમેન્ટ જાહેર કરતી વખતે તેને/તેઓને સંબધીત જેલ મારફત વીડીયો કોન્ફરન્સથી હાજર રખાવવાના રહેશે.

જે કામો ફાઇનલ હિયરીંગ કે ફાઇનલ દલીલોના સ્ટેજ ઉપર હોય, તેવા કામોમાં તમામ પક્ષકારો વકીલશ્રીઓએ એક સાથે મળીને જે તે કોર્ટના હાજર સ્ટાફ પાસેથી ફાઇનલ હીયરીંગ/ ફાઇનલ દલીલ કરવા તારીખ મેળવવાની રહેશે.

(3:18 pm IST)