Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

બી-ડિવીઝન પોલીસે ગોંડલથી ભુલા પડી રાજકોટ પહોંચી ગયેલા વૃધ્ધાને પરિવાર સુધી પહોંચાડ્યા

માજી બે દિવસથી સતત ફર્યુ-ફર્યુ બોલતા હતાં: હેડકોન્સ. અમૃતભાઇ રાઠોડ, કોન્સ. શિતલબેન સહિતે ખુબ પ્રેમપુર્વક સંભાળ લેતાં અંતે ગુંદાવાડીમાં સગા રહેતા હોવાની સાચી વિગત જણાવી

રાજકોટ તા. ૧૧: પોલીસ પ્રજાનો મિત્ર...આ સુત્રને બી-ડિવીઝન પોલીસે સાર્થક કર્યુ છે. બે દિવસ પહેલા તા. ૯ના રોજ આડા પેડક રોડ પરથી એક આશરે ૮૦ વર્ષના વૃધ્ધા બીનવારસ હાલતમાં મળી આવ્યા હતાં. રાત્રીનો સમય હોઇ અને વૃધ્ધા એકલા હોઇ પીસીઆર વેન મારફત તેમને બી-ડિવીઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતાં. પીઆઇ એમ. બી. ઓૈસુરાએ હેડકોન્સ. અમૃતભાઇ માયાભાઇ રાઠોડ અને શિતલબેન પોલાભાઇ સાંબડને આ વૃધ્ધાની માહિતી મેળવી તેમના પરિવાર સુધી પહોંચાડવાનું સુચન કરતાં અને માર્ગદર્શન પુરૂ પાડતાં અમૃતભાઇ અને શિતલબેને બે દિવસ સુધી વૃધ્ધાને પ્રેમપુર્વક પુછપરછ કરી હતી. પ્રારંભે તો આ વૃધ્ધા પોતે અમદાવાદથી આવ્યાનું અને ભુલા પડી ગયાનું રટણ કરતાં હતાં. પરંતુ અંતે ગઇકાલે તેમણે એક સગા ગુંદાવાડીમાં રહેતા હોવાની વાત કરતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને તપાસ કરતાં વૃધ્ધાના કોૈટુંબીક ભત્રીજા પરેશભાઇ ભગવાનજીભાઇ ટાંક મળી આવતાં તેમણે પોલીસ મથકે આવી ઓળખ કરી હતી. વૃધ્ધાનું નામ મુકતાબેન ધીરજલાલ રાઠોડ હતું. તેમને આગળ પાછળ કોઇ નથી. છેલ્લે ગોંડલ યોગીનગરમાં રહેતાં હતાં ત્યાંથી ભુલી પડી રાજકોટ આવી ગયાનું બહાર આવ્યું હતું. તસ્વીરમાં વૃધ્ધા અને તેમના સ્વજનો સાથે કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ જોઇ શકાય છે.

(1:25 pm IST)