Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

૧૬ વર્ષના વિદ્યાર્થીએ ૩૦II લાખની મર્સિડિઝ ચોરી મોજ કરીઃ સોશિયલ મિડીયામાં ફોટો અપલોડ કર્યા ને ઝડપાયો

બાલમુકુંદ પ્લોટના પારિજાત એપાર્ટમેન્ટમાંથી ૮મીએ ચોરી થઇ'તીઃ કાર અંદર ૫૦ હજાર રોકડા પણ હતાં: અમદાવાદ જઇ કારના કાચ અને મેગવ્હીલ કાળા કરાવી નાંખ્યાઃ ત્રણ વખત પેટ્રોલ પુરાવ્યું: છેલ્લે ૪૫૦૦ વધ્યાઃ ઘરેથી ઠપકો મળતાં કારની ઉઠાંતરી કરી નીકળી ગયો'તોઃ સીસીટીવી ફૂટેજ જોઇ કાર માલિકના પુત્રએ કહ્યું-કાર લઇ જાય છે એ તો મારી સાથે ભણતો'તો

રાજકોટ તા. ૧૧: ત્રણ દિવસ પહેલા બાલમુકુંદ પ્લોટના પારિજાત એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી કોન્ટ્રાકટર નિરજભાઇ પ્રાણલાલ મહેતા (ઉ.૪૩)ની રૂ. ૩૦,૫૦,૦૦૦ની મર્સિડીઝ કાર તા. ૭/૭ના રોજ ચોરાઇ ગઇ હતી. સીસીટીવી ફૂટેજ ચેક થતાં એક ટેણીયો ગેઇટમાં આવી સિકયુરીટીના ટેબલમાંથી ચાવીનો જૂડો લઇ તેનાથી લોક ખોલી ચોરી કરી ગયાનું જણાયું હતું. આ ટેણીયો બીજો કોઇ નહિ પણ અગાઉ નિરજભાઇના પુત્રની સાથે સ્કૂલમાં  ભણી ચુકેલો તરૂણ હોવાનું પણ સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થઇ ગયું હતું. પોલીસ ઉઠાવગીર અને કારને શોધી રહી હતી એ દરમિયાન કોઇ મિત્રએ આ કાર સાથે ટેણીયાના ફોટો પાડી સોશિયલ મિડીયા પર અપલોડ કર્યા હતાં. એ દરમિયાન આ કાર સાથે ટેણીયો સાધુ વાસવાણી રોડ પર હોવાની પોલીસને બાતમી મળતાં ત્યાંથી પોલીસે સકંજામાં લીધો છે. કારમાં ૫૦ હજારની રોકડ પણ હતી. તે મોજશોખમાં અને કારના કાચ બદલવામાં તથા પેટ્રોલ પુરાવવામાં ઉડાવી દીધાનું બહાર આવ્યું છે.

એક ટાબરીયાએ મોજ કરવા માટે આ કાર ચોરી કર્યાનું ખુલતાં ચર્ચા જાગી છે. નિરજભાઇ મહેતા (વણિક) ૭મીએ રાત્રે સાડા અગિયારેક વાગ્યે પરિવાર સાથે બહારથી ઘરે આવ્યા હતાં અને કાર પાર્ક કરી ચાવી નિત્યક્રમ મુજબ સિકયુરીટીને આપી દીધી હતી. સવારે તેઓ સિકયુરીટીના ટેબલના ખાનામાંથી ચાવી લેવા ગયા તો ચાવી નહોતી. પાર્કિંગમાં તપાસ કરતાં કાર પણ નહોતી. તેમને એમ થયું હતું કે કોઇ જાણીતું કાર લઇને બહાર ગયું હશે. એ પછી મોડે સુધી કારનો પત્તો ન મળતાં સીસીટીવી કેમેરા ચેક કરતાં ટાબરીયો ટેબલના ખાનામાંથી ચાવી લઇ કાર ચાલુ કરીને લઇ જતો જોવા મળ્યો હતો. આ ટાબરીયાને નિરજભાઇના ૧૫ વર્ષના પુત્રએ ઓળખી લીધો હતો. કેમ કે તે બીજો કોઇ નહિ પણ સાથે જ અભ્યાસ કરતો ટેણીયો હતો.

જીજે૩એચકે-૦૩૪૫ નંબરની આ કારને અને તેની ચોરી કરનારને શોધવા માટે ગાંધીગ્રામ પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હિતેન્દ્રસિંહ ઝાલા, રશ્મીનભાઇ પટેલ સહિતે તપાસ શરૂ કરી હતી. દરમિયાન ચોરાયેલી કાર સાથે એક ટાબરીયા સાધુ વાસવાણી રોડ પર હોવાની બાતમી કોન્સ. શૈલેષભાઇ તથા વનરાજભાઇ લાવડીયાને મળતાં પોલીસે તેને કાર સાથે શોધી કાઢ્યો હતો. કારમાં જે ૫૦ હજાર હતાં તેમાંથી ૪૫૦૦ જ વધ્યાનું તેણે કહ્યું હતું.

આ ટેણીયો પોતાની પાસે મર્સિડીઝની એક નકામી ચાવી હમેંશા રાખતો હતો. તે મિત્રોને કહેતો રહેતો હતો કે પોતાને ઘરમાં બધા ખીજાય છે એથી ગમે ત્યારે મર્સિડીઝ કાર લઇને નીકળી જવાનો છે. એ પછી તે ઘર નજીક જ આવેલા બાલમુકુંદ પ્લોટના એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી નિરજભાઇની કાર ચોરીને નીકળી ગયો હતો. તે સોૈ પહેલા તો અમદાવાદ ગયો હતો અને ત્યાં જઇ આ કારના તમામ કાચ બદલીને કાળા કરાવ્યા હતાં. તેમજ મેગવ્હીલનો કલર પણ બદલી નાંખ્યો હતો. તેમજ ત્રણ-ચાર વખત કારમાં પેટ્રોલ પુરાવ્યું હતું. બીજી રકમ મોજશોખમાં વાપરી નાંખી હતી.

તે રાજકોટ પરત આવ્યો ત્યારે તેના કોઇ મિત્રએ કાર સાથેનો ફોટો સોશિયલ મિડીયામાં અપલોડ કરી દેતાં કાર રાજકોટમાં પહોંચી ગયાની માહિતી પોલીસને મળી હતી. એ દરમિયાન સાધુ વાસવાણી રોડ પરથી તેને કાર સાથે શોધી કાઢ્યો હતો. 

કાર ચોરવા માટે ટેણીયો એકટીવા લઇને એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યો હતો. સિકયુરીટી ગાર્ડ અખબાર વાંચનમાં વ્યસ્ત હોઇ તેના ટેબલનું ખાનુ ખોલી તેમાંથી છ કારની ચાવી ઉઠાવી લીધી હતી. જેમાંથી એક પછી એક ચાવીનો ઉપયોગ કર્યો હતો અને છેલ્લે મર્સિડીઝ ચોરીને નીકળી ગયો હતો. (૧૪.૮)

(4:19 pm IST)