Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

ઉદય કાનગડનું સ્ટીંગ...

કોર્પોરેશનના સ્ટોરમાં જબરી ગોલમાલ ઐતિહાસિક ઓડીટમાં ખુલી પોલ

છેલ્લા ૧૨ વર્ષથી સ્ટોરમાં ઓડીટ થયુ નહતુ : સ્ટેન્ડીંગ ચેરમેન કાનગડે ઓડીટ કરાવતા જબરી બેદરકારીઓ ખુલી : સ્ટોકમાં વધારો - ઘટાડો - ભંગારનો કોઇ હિસાબ નહી - રજીસ્ટર મેઇન્ટેઇન થતુ નથીઃ લાખોના કડદા અંગે તપાસ કરાવવા મ્યુ. કમિશ્નરને સુચના અપાઇ

રાજકોટ, તા. ૧૧ :. મ્યુ. કોર્પોરેશનના બાંધકામ અને વોટર વર્કસ વિભાગના સ્ટોરમાં ૧૨ વર્ષ પછી ઐતિહાસિક ઓડીટ નવનિયુકત સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે કરાવતા આ ઓડીટના રીપોર્ટમાં સ્ટોર વિભાગમાં જબરી ગોલમાલ હોવાનંુ ખુલતા ચેરમેનશ્રી ચોંકી ઉઠયા હતા અને તેઓએ આ બાબતે તાબડતોબ કમિશ્નરશ્રીને પત્ર પાઠવી આ રીપોર્ટ ઉપરથી જરૂરી પગલા લેવા સૂચનાઓ આપી હતી.

 

આ અંગે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કોર્પોરેશનના સ્ટોર વિભાગ એટલે કે જ્યાં બાંધકામ માટેનો માલસામાન અને વોટર વર્કસના પાઈપલાઈન વગેરે માલસામાન સાચવવામાં આવે છે. તેમા જબરી ગોલમાલ થઈ રહી હોવાની અને તંત્રને વર્ષેદહાળે લાખો રૂપિયાની નુકશાની થઈ રહી હોવાની ફરીયાદ નવનિયુકત સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડને મળતા તેઓએ સ્ટેન્ડીંગ કમિટિના કાર્યક્ષેત્રમાં આવતા ઓડીટ વિભાગને સ્ટોર વિભાગનુ ઓડીટ કરવા સૂચના આપી હતી. જે અનુસંધાને ઓડીટર દ્વારા સ્ટોર વિભાગમાં ચેકીંગ કરતા તેમા ૩૫૧ જેટલી ચીજવસ્તુઓમાં ૮૦ ચીજવસ્તુના સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો તથા ૯૨ વસ્તુના સ્ટોકમાં વધારો જોવા મળ્યો હતો. આમ પ્રથમ તપાસમાં જ આટલી મોટી વિસંગતતા આવતા જબરી ગોલમાલ થયાનો પર્દાફાશ થયો હતો.

આ ઉપરાંત ઓડીટ વિભાગની તપાસમાં અન્ય બેદરકારીઓ પણ જોવા મળી હતી. જેમાં ભંગાર માલસામાનનો કોઈ હિસાબ કે રજીસ્ટર રાખવામાં આવતુ ન હોવાનું ખુલ્યુ. ડીપવેલ જેવી ઈલેકટ્રીક મોટરો રીપેરીંગ થઈ શકે હોય તેમ છતા તેને ભંગારમાં ખપાવી દેવાયાનું ખુલ્યું હતું અને સ્ટોરમાંથી કયા વિભાગનો કર્મચારી કયારે, કેટલો માલ સામાન કોની પાસેથી લઈ ગયો ? તેનુ રજીસ્ટર પણ અનિયમીત જોવા મળેલ અને કોઈ જવાબદારની સહી વગર માલસામાનની લેતી દેતી થયાનું ખુલ્યુ હતું.

આમ ઉપરોકત તમામ ગંભીર ક્ષતિઓ કોર્પોરેશનના વોટર વર્કસ અને બાંધકામ વિભાગના સ્ટોરમાં જોવા મળતા આ તમામ ક્ષતિઓની પૂર્તતા કરવા અને જવાબદારો સામે પગલા લેવા કમિશ્નરશ્રીને ચીફ ઓડિટરની સહીથી પત્ર પાઠવાયો હતો.

નોંધનીય છે કે, સ્ટોર વિભાગમાં છેલ્લા ૧૨ વર્ષથી કોઈ ઓડીટ થયુ ન હતું અને હવે ઓડીટ થતા તેમા લાખોનો કડદો થયાની શંકાએ તપાસ હાથ ધરવામાં આવ્યાનું જાણવા મળ્યુ છે.(૨-૧૮)

(3:40 pm IST)