Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

એમપીનો ખુંખાર 'વોન્ટેડ' બળાત્કારી લુંટારો રમેશ મેડા રાજકોટમાં ઝડપાયો

અપહરણ, બળાત્કાર, લુંટ, મારામારી, ગેરકાયદે હથિયાર સહિતના ગંભીર ગુન્હાઓ આચરેલાઃ માસુમ બાળાઓને ઉઠાવી જઇ બળાત્કાર આચરતોઃ ક્રાઇમ બ્રાન્ચની ટુકડી ૪ દિ'થી વોચમાં હતીઃ બેડી ચોકડીએ દબોચી લેવાયોઃ મધ્યપ્રદેશના જુદા-જુદા પોલીસ સ્ટેશનોએ ર૦ હજારનું ઇનામ જાહેર કરેલું: પોતાના વિષે બાતમી આપનાર સાથે બદલો લેતોઃ રાજકોટમાં કોઇ ગુન્હો આચરે તે પહેલા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધોઃ ૮ ભાઇ, ૧પ બહેનો, ૪ પત્ની અને સંતાનોનો વિશાળ પરિવાર ધરાવતો રમેશ મેડા પ્રથમ દ્રષ્ટિએ જ શાતીર ગુન્હેગાર દેખાય છેઃ ડીસીપી કરણરાજ વાઘેલા સહિતના સ્ટાફે બરોબરનો પદાર્થ પાઠ આપ્યો

તસ્વીરમાં દેખાતો રમેશ મેડા એમપીનો બળાત્કારી લુંટારો છે. તેના ગુન્હાહીત ઇતિહાસમાં લગભગ મોટા ગુન્હા તેણે આચરેલા છે. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ-મોરબી વચ્ચે તેના આંટાફેરા રહેતા હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાન્ચે આજે તેને મોરબી ચોકડી પાસેથી ઝડપી લીધો હતો. તેના ગુન્હાહીત ભુતકાળની ડીસીપી કરણરાજ વાઘેલા, પીઆઇ એચ.એમ.ગઢવી અને પીએસઆઇ કાનમીયા સહીતના સ્ટાફે પત્રકારોને માહીતી આપી ત્યારની તસ્વીર. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧૧: શહેર ક્રાઇમ બ્રાન્ચે આજે એક મહત્વની કામગીરીમાં મધ્યપ્રદેશના ખુંખાર બળાત્કારી લુંટારાને રાજકોટની ભાગોળે મોરબી ચોકડી નજીકથી ઝડપી લીધો હતો. રમેશ માનસિંહ મેડા નામનો ૩૬ વર્ષનો આ ભીલ આદિવાસી ગુન્હેગાર  એટલો સાતીર છે કે મધ્યપ્રદેશ પોલીસ છેલ્લા ૩ વર્ષથી તેને શોધી શકતી ન હતી. માસુમ બાળાઓને ઉઠાવી જઇ બળાત્કાર આચરવાના ગંભીર ગુન્હાઓને અંજામ આપનાર રમેશ ભેડાના માથા ઉપર ર૦ હજારનું ઇનામ જાહેર થયું હતું. રાજકોટમાં તે કોઇ ગુન્હાને અંજામ આપે તે પહેલા ઝડપી લેવાયો હતો.

પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના આદેશથી વણશોધાયેલા ગુન્હા શોધવામાં સતત સક્રિય રહેતી ક્રાઇમ બ્રાન્ચની જુદી-જુદી ટુકડીઓ પૈકીની એસીપી જયદિપસિંહ સરવૈયા, પીઆઇ એચ.એમ.ગઢવી અને પીએસઆઇ આર.સી.કાનમીયાની  ટુકડીને એમપીનો ખતરનાક ગુન્હેગાર રમેશ મેડા રાજકોટ-મોરબી પંથકમાં આંટાફેરા કરી રહયાની બાતમી મળી હતી. તેના સગા-સબંધીઓના ટેલીફોનીક રેકોર્ડ ટ્રેસ કરી આ બાબત શોધી કાઢવામાં આવી હતી.  છેલ્લા ૪ દિવસથી મોરબી રોડ (બેડી ચોકડી)એ ખાનગી રાહે વોચ રાખવામાં આવી હતી જે આજે સફળ નિવડી હતી.

રમેશ માનસિંહ મેડા મધ્યપ્રદેશના અલીરાજપુર જીલ્લાના ઉદયગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેફામ લુંટો આચરતો, ગુજરાતના ભરૂચ જીલ્લામાં વાહન ચોરી તથા લુંટ અને જાલોદ તેમજ આમોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનચોરીના ગુન્હામાં ર૦૧રમાં ઝડપાઇ ગયો હતો. ર૦૧૭માં અલીરાજપુરના આંબવા પોલીસ સ્ટેશનમાં એક યુવતી ઉપર બળાત્કાર આચર્યો હતો. આ ગુન્હામાં પોલીસે તેના માથા પર પ હજારનું ઇનામ જાહેર કરેલ. ર૦૧૮માં ફરી આ જ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરૂણીને ઉપાડી જઇ બળાત્કાર આચર્યો હતો. જેમાં પોકસોની કલમ સહિતની કલમો હેઠળ ગુન્હા નોંધાયા હતા. પરંતુ હાથ આવ્યો ન હતો. આ ગુન્હામાં પણ તેના માથે પ હજારનું ઇનામ જાહેર કરવામાં આવેલ. એ પહેલા ઉદયગઢ પોલીસ સ્ટેશનમાં પણ એક યુવતી ઉપર બળાત્કાર આચર્યો હતો. હુમલા-અપહરણના અનેક ગુન્હા આચર્યા હતા. ઉદયગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ ગેરકાયદે દારૂની ફેકટરી ચલાવતો. આ બધા ગુન્હા હેઠળ તેને એમપી પોલીસ શોધી રહી હતી અને બાતમી આપનારને ર૦ હજારનું ઇનામ જાહેર કર્યુ હતું.

ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.એમ.ગઢવી, પીએસઆઇ આર.સી.કાનમીયા, હેડ કોન્સ્ટેબલ જગમાલભાઇ ખટાણા, જયસુખભાઇ હુંબલ, સંતોષ મોરી, મયુર પટેલ, સંજય રૂપાપરા, રવીરાજસિંહ જાડેજા અને સ્નેહ ભાદરકાએ આ શખ્સને બેડી ચોકડીએથી દબોચી લીધો હતો. (૪.૧૨)

 

(3:39 pm IST)