Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કલેકટર કચેરી સામે આવેલ ઢેબર સેનેટોરીયમની ર હજાર ચો.મી.જગ્યા એમને એમ પડી છે...સમરસ જેવી હોસ્પીટલ બની શકે

આ જગ્યા ઉપર પ૦૦ બેડની હોસ્પીટલ-મેડીકલ કોલેજના છાત્રો માટે -ડોકટરો-નર્સીંગ સ્ટાફ માટે કવાટર્સ પણ બની શકે : કલેકટર તંત્ર પાસે કબજો છે...થોડો વિવાદ હોય મુખ્યમંત્રી પોતે જ જાહેરાત કરે તો તમામ વિવાદ બંધ થઇ જાય

રાજકોટ તા. ૧૧ :.. રાજકોટ અત્યંત મહત્વની અને મોકાની જગ્યા ઢેબર સેનેટોરીયમ આવેલી છે, ત્યાં હાલ ચા-પાનવાળા-અન્ય ખાણીપીણીનો કબજો છે, જર્જરીત મકાનો છે, એક થી બે ઓફીસ બેસે છે, આ જગ્યાના માલીક રાજકોટ કલેકટર છે, પરંતુ આ જગ્યા અંગે કલેકટર-કોર્પોરેશન તથા જીલ્લા પંચાયત આ ત્રણ સરકારી વિભાગો વચ્ચે થોડો વિવાદ ચાલી રહયો છે, આ વિવાદ પણ જગ્યા ખાલી કરવા અંગે તથા અન્ય બાબતે છે, ભૂતકાળમાં કોર્ટમાં પણ મામલો ગયો હતો, કોર્ટમાં મામલો ગયા બાદ શું થયું તે અંગે હાલ કોઇ બોલવા તૈયાર નથી.

અત્રે એ નોંધનીય છે કે, રાજકોટના તત્કાલીન કલેકટર ડો. રાજેન્દ્રકુમાર ચાર્જ સંભાળ્યા બાદ આ જગ્યા ખાલસા કરતો હુકમ કરી જગ્યાનો કબજો મેળવી લીધો હતો, એ પછી વિવાદ જાગ્યો... અને જગ્યા એમને એમ પડી રહી, અંદાજે ૧પ૦૦ થી ર હજાર ચો. મી. જગ્યાનો ઉપયોગ થતો નથી, અને ત્યાં ચા-પાન અને અન્ય ખાણીપીણીના ધંધાર્થીઓ ગેઇટની આજુ બાજુ આવી ગયા હોય રોજ સેંકડો લોકો ત્યાં એકઠા થઇ રહ્યા છે.

તાજેતરના ૩ થી ૪ વર્ષમાં ત્રણ કલેકટરોએ આ જગ્યા ઉપર ઇવીએમ માટે ગોડાઉન કે સરકારી કવાર્ટસ બનાવવા અંગે વાતો કરી.... પરંતુ કશુ થયું નથી... હાલ ભયાનક કોરોના કાળમાં રાજકોટ કલેકટર માટે સમરસ હોસ્ટેલ આર્શીવાદરૂપ  નિવડી... જો એ હોસ્ટેલનો હોત તો શું થાત તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આથી ઢેબર સેનેટોરીયમની આ જગ્યા અંગે કલેકટર કે રાજય સરકારે વિચારવુ જરૂરી બની ગયું છે.

ભવિષ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવે કે અન્ય કોઇ મહામારી આવે તો તે વિચારી ઉપરોકત જગ્યાને હોસ્પીટલને કે કોર્પોરેશનના તંત્રને રાજય સરકાર સોંપી દે અને તે જગ્યા ઉપર ૪૦૦ થી પ૦૦ બેડની ઓકસીઝન-વેન્ટીલેટર સુવિધા સાથેની ૧ થી ૧ાા વર્ષમાં હોસ્પીટલ ઉભી કરાય તો ભારે આર્શીવાદરૂપ બાબત બની જાય, એટલુ જ નહી હોસ્પીટલની સાથો સાથ ત્યાં હોસ્પીટલના ડોકટરો-નર્સીંગ સ્ટાફ અને મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ-કવાટર્સ પણ ઉભા થઇ શકે તેમ છે.

આથી આ જગ્યા અંગે જો રાજકોટના અધિકારીઓ રાજકોટ માટે સતત કામગીરી આપી રહેલા. સુવિધા આપી રહેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને દરખાસ્ત થાય, ધ્યાન દોરાય, અને મુખ્યમંત્રી પોતે જ આ જગ્યાએ હોસ્પીટલ બનાવવા અંગે જાહેરાત કરે તો રાજકોટના જે બે-ત્રણ ખાતા વચ્ચે વિવાદ છે, આ જગ્યા બાબતે તે પણ શમી જાય અને રાજકોટને માતબર સુવિધા મળે, તેમજ જો કોર્પોરેશન હોસ્પીટલ બનાવે તો રાજકોટ મહાનગરપાલીકાની આ પહેલી હોસ્પીટલ હશે, તેમજ સમરસ હોસ્ટેલ પણ એકાદ વર્ષ પછી ફ્રી થઇ જશે.

(3:48 pm IST)