Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોરોનાગ્રસ્ત મા-બાપ-વાલીઓના બાળકોની સંભાળ માટે રાજકોટની સંસ્થાઓની યાદી તૈયાર કરવા આદેશ

કોરોનામા મા-બાપ બન્ને ગુમાવનાર બાળકોની યાદી તૈયાર થશે

રાજકોટ તા. ૧૧ : શહેરમાં જે બાળકોના મા-બાપ તથા વાલીઓ કોરોનાની સારવાર હેઠળ હોય તેવા એકલા પડેલા બાળકની સંભાળ લેવા માટેની સંસ્થાઓની યાદી તૈયાર કરી આપવા બાળકોની સંભાળ લેવડાવવા સમાજ સુરક્ષા વિભાગના નિયામકશ્રીએ પરિપત્ર જારી કર્યો છે.

આ પરિપત્રમાં જણાવાયું છે કે, કોરોના મહામારીમાં બાળકના સ્વાસ્થ્યના હિતને ધ્યાને લઈને જુવેનાઈલ જસ્ટીસ એકટ-૨૦૧૫ નોંધાયેલ બાળ સંભાળ સંસ્થાઓને જાહેર કરવામાં આવેલ છે. આ સંસ્થામાં જે બાળકોના માતાપિતા/વાલી કોવીડ પોઝીટીવ હોય અથવા એક વાલી પોઝીટીવ હોય અને હોસ્પીટલમાં ભરતી થયેલ હોય તેવા બાળકની સારસંભાળ લઈ શકે તેમ ન હોય તેવા બાળકોને જરૂરી તપાસ ચકાસણી કરાવીને બાળકોને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી મંજુરી મેળવી જરૂરીયાત મુજબના દિવસો માટે પ્રવેશ આપવાનો રહેશે. જે જિલ્લામાં ચિલ્ડ્રન હોમ ફોર બોય્ઝ કે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ના હોય તો બિડાણ મુજબની સંસ્થામાં બાળકને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના આદેશ મુજબ પ્રવેશ આપવાનો રહેશે. અન્ય જિલ્લામાં તબદીલ કરવા માટેનો મુસાફરી ખર્ચ ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના હેડમાં ઉધારવાનો રહેશે. બાળકને અન્ય જિલ્લામાં મુકવા માટે સંસ્થાના સ્ટાફે જવાનુ રહેશે. છોકરીઓને તબદીલ કરવામાં સંસ્થાના મહિલા કર્મચારીએ જવાનુ રહેશે.

આ યાદી સાથે સંસ્થા જાહેર કરવામાં આવેલ છે, તે સંસ્થાના અધિક્ષકનુ નામ, સંસ્થાનુ નામ, સરનામું અને સંપર્ક નંબરની તમામ માહિતી કોવીડ હોસ્પીટલના રીસેપ્શન પાસે બોર્ડ લગાવવાનુ રહેશે જેમાં જે સંસ્થાને જાહેર કરેલ હોય તો તેની વિગત તથા ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની સંપર્કની વિગતો દર્શાવવાની રહેશે તથા જિલ્લા કક્ષાના સ્થાનિક અખબારી યાદીમાં આપવાની રહેશે.યાદી મુજબ સંસ્થા જાહેર કરેલ છે તે સંસ્થાના બાળકોની ખાસ કાળજી/તકેદારી રાખવા જણાવવામાં આવે છે. જે અન્વયે સંસ્થામાં રહેતા બાળકો માટે જરૂરી સ્વાસ્થય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશો.

જે બાળકોના માતા-પિતા કોવીડ-૧૯ની મહામારીના કારણે મૃત્યુ પામેલ છે તે બાળકોની વિગતો એકત્ર કરવા જાહેર અખબારી યાદી આપવી અને સરકારશ્રીની બિનસંસ્થાકીય યોજનાઓનો લાભ અપાવવાની કાર્યવાહી કરવાની રહેશે.

(3:07 pm IST)