Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

જામનગર રોડ પરથી મળેલી અર્ધનગ્ન લાશ માધાપરના સાગરભાઇ દરજીની હતીઃ હત્યાની દ્રઢ શંકાએ તપાસ

૩/૫ના પતિ-પત્નિ સંતાનો સાથે ઘરેથી નીકળ્યા બાદ પત્નિ સંગીતા પોતાની બહેન દિપીકાને ત્યાં રૈયાધાર ગઇ'તીઃ પતિ મોબાઇલનું રિચાર્જ કરાવવા જવાનું કહીને ગયા'તાઃ બીજા દિવસે લાશ મળી હતીઃ ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં નાક-ખોપરીમાં બોથડ ઇજાનું ખુલ્યું : ૫૫ વર્ષના સાગરભાઇના મુળ મહારાષ્ટ્રની ૩૫ વર્ષની સંગીતા સાથે લગ્ન થયા'તાઃ દિકરા-દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૧૧: જામનગર રોડ પર આઇઓસીના ડેપો પાસેના રેલ્વેના પટમાંથી અવાવરૂ જેવી જગ્યાએથી ગત તા. ૪ના રોજ અજાણ્યા પ્રોૈઢની અર્ધનગ્ન હાલતમાં નાક-માથા પાસે ઇજા થયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ થતાં નાક તથા ખોપરીના ભાગે બોથડ ઇજાથી ફ્રેકચર થયાનો રિપોર્ટ આવતાં ઘટના હત્યાની હોવાની દ્રઢ શંકાએ તપાસ શરૂ થઇ હતી. દરમિયાન આ પ્રોૈઢની ઓળખ થઇ ચુકી છે. તેઓ માધાપરના ઇશ્વરીયા પાર્કમાં રહેતાં સાગરભાઇ જમનાદાસ રાઠોડ (દરજી) (ઉ.વ.૫૫) હોવાનું અને દરજી કામ કરી ગુજરાન ચલાવતાં હોવાનું ખુલ્યું છે. તેઓ લાશ મળ્યાના આગલા દિવસે તા. ૩ના રોજ રામાપીર ચોકડીએથી પત્નિ સંગીતા અને સંતાનોથી અલગ પડ્યા બાદ ગાયબ હતાં.

લાશ મળ્યા બાદ ગાંધીગ્રામ પોલીસે એ.ડી. દાખલ કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી હતી. દરમિયાન આ પ્રોૈઢ માધાપર રહેતાં સાગરભાઇ દરજી હોવાનું ખુલતાં તેના પત્નિ ૩૫ વર્ષિય સંગીતાબેનની પોલીસે પુછતાછ કરી હતી. સંગીતાબેન મુળ મહારાષ્ટ્રના ધુલીયાની વતની છે. તેના લગ્ન દસેક વર્ષ પહેલા સાગરભાઇ સાથે થયા હતાં. સંતાનમાં એક પુત્રી કાવ્યા અને એક પુત્ર જય છે.

સંગીતાબેને પોલીસને જણાવ્યું હતું કે તા. ૩ના રોજ ઘરમાં રાંધણ ગેસનો બાટલો ખુટી ગયો હતો. જેથી મારા પતિ, બે સંતાન અને હું એમ ચારેય રિક્ષામાં બેસીને રામાપીર ચોકડી સુધી પહોંચ્યા હતાં. જ્યાંથી હું સંતાનોને લઇને મારી બહેન દિપીકા કે જે રૈયાધારમાં રહે છે તેના ઘરે ગઇ હતી. અહિથી પતિ પોતાને મોબાઇલમાં રિચાર્જ કરાવવાનું છે તેમ કહીને અલગ પડ્યા હતાં. તે પણ મારી બહેનને ત્યાં આવવાના હતાં. પણ મોડે સુધી ન આવતાં તેઓ માધાપરના ઘરે જતાં રહ્યા હશે તેમ સમજીને હું બાળકો સાથે બહેનના ઘરે જ રોકાઇ ગઇ હતી. બહેનના ઘરે બે દિવસ રોકાઇ હતી. ત્રીજા દિવસે ઘરે ગઇ ત્યારે મકાન બંધ હોઇ અને પતિ જોવા ન મળતાં પોતે ગાંધીગ્રામ પોલીસમાં ગૂમ થયાની જાણ કરવા ગઇ હતી. એ દરમિયાન તા. ૪ના રોજ એક પ્રોૈઢની લાશ મળી હોઇ તે પોતાના પતિની હોવાની પોતાને ખબર પડી હતી.

ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે પ્રકારે ઇજા આવી છે એ જોતાં અને લાશ અર્ધનગ્ન હાલતમાં અવાવરૂ જેવી જગ્યાએથી મળી હોઇ એ જોતાં તેમજ બીજા શંકાસ્પદ મુદ્દાઓ સામે આવતાં આ ઘટના હત્યાની હોવાનું પોલીસ દ્રઢપણે માનીને આગળ વધી રહી છે. ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ એમ. બી. ગઢવી, સંજયભાઇ કુમારખાણીયા, હીરાભાઇ રબારી, પીએસઆઇ જે. બી. રાણા અને ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ક્રાઇમ બ્રાંચની ટીમ પણ તપાસમાં સામેલ થઇ છે. બહુ ઝડપથી ઘટનામાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જવાની પોલીસને આશા છે. હાલ પોલીસે મૃતકના પત્નિ, સાળી સહિતની પાસેથી વધુ વિગતો મેળવવા તપાસ યથાવત રાખી છે.

(12:56 pm IST)