Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

‘‘મધર્સ ડે'' ઉપલક્ષે

પૂ. નમ્રમુનિ મ.સા.ના સાનિધ્‍યે માતૃ રૂણમુકિત કાર્યક્રમ ‘મા પરમાત્‍મા' યોજાયો

રાજકોટઃ દરેક સંતાનોએ પોતાની માતાના હૃદયમાં ધર્મભાવ જાગૃત કરીને માતાના ઉપકારોથી ઋણ મુક્‍ત થવા તેમજ દરેક માતાઓએ પોતાનાં સંતાનની આત્‍મરક્ષાના ભાવ કરી મા માંથી પરમાત્‍મા બનાવાના બોધ સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્‍યે મા પરમાત્‍મા' કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્‍યો હતો. આ અવસરે દેશવિદેશ ના હજારો લોકો એ મારી માં વિષય પર નાનો નિબંધ લખી પોતાની માતા પ્રત્‍યે ના અહોભાવ ને વ્‍યક્‍ત કરેલ .

મધર્સ ડે'ના ઉપલક્ષે લાઈવ પ્રસારણના માધ્‍યમે આયોજિત મા પરમાત્‍માના આ કાર્યક્રમ અંતર્ગત દેશ વિદેશના હજારો ભાવિકો જોડાયાં હતાં. જેમાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાથી સહુએ પોતપોતાના પોતાની માતા પ્રત્‍યે  ઉપકારોની અભિવ્‍યક્‍તિ અને કરેલાં અપરાધોની ક્ષમાયાચના કરતાં સહુના હૃદય એક અકથ્‍ય સંવેદના સાથે સ્‍પંદિત થયાં હતાં.

આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે બોધ વચન ફરમાવતાં સમજાવ્‍યું હતું કે, સદભાગી હોય છે એવા લોકો જેના પર માની છત્રછાયા હોય છે પરંતુ પરમ સદભાગી હોય છે એ મા જે પોતાના સંતાનના સંયમ અને ગુણો પ્રત્‍યે નમસ્‍કૃત બનતી હોય છે . મા દરેકને પ્રિય હોય છે પરંતુ માના પ્રેમની તુલનામાં મોટાભાગના સંતાનોનો પ્રેમ ઊણો પડતો હોય છે. દરેક સંતાન માટે મા ઉપકારી હોય છે પરંતુ પરમાત્‍મા કહે છે કે જે સંતાન પોતાની માતાના હૃદયમાં ધર્મ પ્રેરણા જાગૃત કરી દે છે તે જ સંતાન માતાના ધર્મ ઉપકારી બનીને માતાના ઋણમાંથી મુક્‍ત બની શકે છે. એક સંતાન માટે માના ઉપકારોથી ઋણ મુક્‍તિનો એક જ ઉપાય છે અને તે છે સંતાન દ્વારા થતો ધર્મ ઉપકાર.

 આ વિશેષ કાર્યક્રમમાં દરેક માને સંતાન માટે પરમાત્‍મા બનવાનો બોધ આપતાં પરંતુ ગુરુદેવે સમજાવ્‍યું હતું કેસંતાનના શરીરની કેર  તો દરેક મા કરતી  હોય છે પરંતુ જે સંતાનની આત્‍મરક્ષા કરે છે તે મા પરમાત્‍મા બની જાય છે . એક સંતાન કદાચ હંમેશા પોતાની માતાને બુધ્‍ધિથી સમજવાનો પ્રયત્‍ન કરે પરંતુ મા હંમેશા પોતાના સંતાનને. હૃદયથી સમજતી હોય છે. સંબંધોના સંસારમાં એક મા પોતાના સંતાનના જીવનને સુધારી પણ શકતી હોય અને માત્ર પોતાના કેરિયરની ચિંતા કરનારી મા સંતાનના કેરિયર અને કેરેક્‍ટરને બગાડી પણ શકતી હોય છે. મા બનવું તે સૌભાગ્‍ય છે પરંતુ સંતાનને સંયમની પ્રેરણા આપવી તે પરમ સૌભાગ્‍ય છે.

આ અવસરે દરેક સંતાનને માતા પ્રત્‍યે વિનય ભાવ રાખવાની તેમજ નિત્‍ય માના ચરણસ્‍પર્શ કરવાની પ્રેરણા આપીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે દરેક ભાવિકોને માતા પ્રત્‍યે કરેલાં અપરાધોની આલોચના કરાવતાં એક અકથ્‍ય સંવેદના પ્રસરાઈ ગઈ હતી.

આ અવસરે ઓલ ઈન્‍ડિયા લુક એન લર્ન સેન્‍ટર્સ તરફથી બાલ ઉત્‍સવ'નું અનોખું આયોજન કરવામાં આવ્‍યું હતું. બાળકોએ વકૃત્‍વ કળા, સિંગિંગ કળા, ડ્રામા આદિ દ્વારા સુંદર ભાવોની અભિવ્‍યક્‍તિ કરી હતી. એ સાથે જ, સુંદર પેઇન્‍ટિંગ, સુંદર પોસ્‍ટર્સ અને ડ્રોઈંગ દ્વારા ભગવાન મહાવીરના સંદેશની પ્રેરણા આપી હતી. ઉપરાંતમાં  બાળકોએ લોકડાઉનમાં જ્ઞાન આરાધના કંઠસ્‍થ કરેલાં જ્ઞાન સૂત્રોનું  શુદ્ધ ઉચ્‍ચારણ સાથે પઠન કરેલ.  વક્‍તૃત્‍વ અને સંગીત સ્‍પર્ધા આદિના વિજેતા સ્‍પર્ધક બાળકોના નામ દ્યોષિત કરાયેલ.

 રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે બાળકોને આજના મહામારીના વિષમ સમયમાં ગરીબ જરૂરિયાતમંદ લોકો તેમજ પશુ પક્ષીઓ પ્રત્‍યે સહાય અને માનવતા કરવાની પ્રેરણા આપી હતી. જ્ઞાન આરાધનાનો પુરૂષાર્થ કરનારા ૩૦ બાળકોને  માનસી બેન શાહ તરફથી રૂપિયા ૫૦૦૦   હિતાબેન અજમેરા તરફ થી સામાયિક સૂત્ર આદિ કંઠસ્‍થ કરનારા ૧૦૭ બાળકોને પ્રોત્‍સાહન રૂપે રૂપિયા ૧૦૦૦. જાહેર કરવામાં આવ્‍યાં હતાં. 

(4:29 pm IST)