Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

લોકડાઉન છતા વેરો ભરવામાં ન્યુ રાજકોટ મોખરે

શહેરનાં કુલ ૩૪,૫૭૯ કરદાતાઓએ કુલ રૂ.૧૨.૭૦ કરોડનો વેરો ભરી વળતર યોજનાનો લાભ લીધોઃ સૌથી વધુ વેસ્ટ ઝોનમાં રૂ.૭.૨૭ કરોડ ઠલવાણાઃ સૌથી ઓછા સામાકાંઠા વિસ્તાર માંથી રૂ.૧ કરોડની આવક

રાજકોટ, તા. ૯ : લોકડાઉનની સ્થિતિમાં મહાપાલિકા દ્વારા ઓનલાઇન વેરો સ્વીકારવાનું ચાલુ છે અને ૧૦મી એપ્રિલથી વેરામાં ૧૧ થી ૧૬ ટકાનું વળતર આપવાનું શરૂ થયું છે ત્યારે ગઇકાલ સુધીમાં ૩૪,પ૭૯ કરદાતાઓએ તંત્રી તિજોરી કુલ રૂ. ૧ર કરોડ ઠાલવી દીધા છે. જેમાં નવા રાજકોટ (વેસ્ટ ઝોન)માં રહેતા લોકોએ સૌથી વધુ ૭.ર૭ કરોડનો વેરો ઓનલાઇન ભર્યો છે.

આ અંગે વેરા વિભાગે સત્તાવાર જાહેર કરેલા આંકડાઓ મુજબ ૧૦ એપ્રિલથી એડવાન્સ મિલ્કત વેરો ઓનલાઇન ભરનારને ૧૧ થી ૧૬ ટકા ડીસ્કાઉન્ટ આપવાની યોજનો પ્રારંભ થઇ છે. જેમાં ન્યુ. રાજકોટ એટલે કે, વેસ્ટ ઝોનમાં કુલ ૧૮,૯૬ર કરદાતાઓએ ગઇકાલ સુધીમાં ૭.ર કરોડનો વેરો ભરી દીધો છે.

જયારે ઇસ્ટ ઝોન એટલે કે સામાકાંઠાના ર૯૧૩ કરદાતાઓએ ગઇકાલ સુધીમાં કુલ ૧ કરોડની રકમનો વેરો ભરી દીધો છે.

જયારે સેન્ટ્રલ ઝોન એટલે કે મધ્ય રાજકોટમાં ગઇકાલ સુધીમાં ૧ર,૭૦૪ કરદાતાઓએ ૪.૩ કરોડનો વેરો ઓનલાઇન ભરી દીધો છે. જેમાં વોર્ડ નં. ૨માં ૨૮૫૮ લોકોએ ૯૨.૫૭ લાખ, વોર્ડ નં. ૩માં ૧૫૧૯એ ૩૪.૧૮ લાખ, વોર્ડ નં. ૭મા ૪૪૦૭ લોકોએ ૧.૮૮ કરોડ, વોર્ડ નં. ૧૩માં ૧૪૫૦ લોકોએ ૫૨.૮૫ લાખ, વોર્ડ નં. ૧૪માં ૧૫૮૬એ ૪૪.૪૪ લાખ, વોર્ડ નં. ૧૭માં ૮૮૫ લોકોએ ૨૨.૩૪ લોકોએ વેરો ભર્યો છે.

આમ ત્રણેય ઝોનની સરખામણીમાં ન્યુ રાજકોટ એટલે કે, વેસ્ટ ઝોનમાં સૌથી વધુ ૭.ર કરોડનો વેરો ભરાયો છે.

જયારે ઇસ્ટ ઝોન એટલે કે, સામાકાંઠે માત્ર ૧ કરોડનો જ વેરા આવક ગઇકાલ સુધીમાં છે જે સૌથી ઓછી છે. આમ લોકડાઉન કપરી સ્થિતિ હોવા છતાં પ્રમાણિક કરદાતાઓ વેરો ભરી રહ્યા છે તે બાબત સ્પષ્ટ થઇ રહી છે.

(9:15 am IST)