Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

આઇ-વે પ્રોજેકટથી લાખોની આવક

સીસી ટીવી કેમેરાની મદદથી ૩ લાખનો દંડ વસુલ : ર૭પ ઢોર પકડાયા

જાહેરમાં કચરો ફેંકનારા, કચરો સળગાવનારા, જાહેરમાં લઘુશંકા કરનારા સહિતના લોકો તીસરી આંખની ઝપટે ચડી ગ્યા

રાજકોટ, તા. ૧૧ : મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં આઇ-વે પ્રોજેકટ હેઠ વિવિધ રાજમાર્ગો જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા મૂકવામાં આવ્યા છે જેના કારણે તંત્ર વાહકોને લાખો રૂપિયાની આવક થઇ રહી છે કેમ કે સી.સી. ટી.વી. કેમેરાના આધારે વિવિધ નિયમોનો ભંગ કરનારાઓ પાસેથી પુરાવામાં આવ્યા હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સીટી હેઠળ 'આઇ-વે પ્રોજેકટ' અંતર્ગત રાજકોટ શહેરમાં સી.સી. ટી.વી. કેમેરા, તેમજ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ જેવી કે, સીટી બસ, બી.આર.ટી.એસ., વોટર સ્કાડા, ડ્રેનેજ સ્કાડા, સ્ટ્રીટ લાઇટ વિ.નું પણ ઇન્ટીગ્રેશન કરવામાં આવેલ છે. જેના મોનીટરીંગ અને સુપરવિઝન માટે નાના મૌવા સર્કલ પાસે આવેલ મલ્ટી એકટીવીટી સેન્ટર ખાતે 'ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ' સેન્ટર તૈયાર કરવામાં આવે છે. આ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર શરૂ કર્યાના અત્યાર સુધીમાં કેમેરાના આધારે જે દંડ વસુલાયો છે તેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સ્ટાફ દ્વારા શહેરના તમામ જાહેર રસ્તાઓની સફાઇની કામગીરીનું સઘન મોનીટરીંગ સી.સી. ટી.વી. કેમેરા મારફત કરવામાં આવી રહ્યું છે જેના પરિણામરૂપી જાહેર રસ્તા પર કચરો ફેંકતા પકડાયેલ વ્યકિત, (ર) જાહેર રસ્તામાં લઘુશંકા કરતા પકડાયેલ વ્યકિતો (૩) જાહેર રસ્તા પર કચરો સળગાવતા પકડાયેલ વ્યકિતઓ (પ) જાહેર રસ્તા પર પ્લાસ્ટીક બેગનો ઉપયોગ કરતા પકડાયેલ ધંધાર્થીઓ (પ) રાત્રી સફાઇ દરમિયાન એજન્સીના સફાઇ કામદાર દ્વારા જાહેર રસ્તા પર કચરો ફેંકતા તેમજ સળગાવતા પકડાયેલ કામદારો પાસેથી છેલ્લા ૭ મહીનામાં કુલ રૂ. ૧૪,૭૦૦/-નો દંડ વસુલાયો છે.

જયારે એ.એન.સી.ડી. વિભાગના સ્ટાફ દ્વારા શહેરના તમામ જાહેર રસ્તા એનીમલ ન્યુસન્સ કામગીરીનું સઘન મોનીટરીંગ સી.સી.ટી.વી. કેમેરા મારફત કરવામાં આવી રહ્યું છે જેના પરિણામરૂપી જાહેર રસ્તા પર જોવા મળેલ પશુ/ઢોર પૈકી ર૭પ ઢોરને પકડીને ડબ્બે પુરવામાં આવ્યા છે.

જયારે દબાણ હટાવ વિભાગના સ્ટાફ દ્વારા શહેરના તમામ જાહેર રસ્તા જોવા મળતાં ટેમ્પરરી દબાણ, બી. આર. ટી. એસ. સર્વિસ રોડ પરનાં દબાણ કામગીરીનું સઘન  મોનીટરીંગ સી. સી. ટી. વી. કેમેરા મારફત કરવામાં આવી રહ્યું છે. જેના પરીણામરૂપી છેલ્લા ૭ મહીનામાં જાહેર રસ્તા પર જોવા મળેલ ટેમ્પરરી દબાણકારો પાસેથી કુલ રૂ. ૧,૯ર,૪૦૧ નો વહીવટી ચાર્જ વસુલ કરાયો છે.

આ ઉપરાંત આર.આર.એલ. (બી. આર. ટી. એસ., આર. એમ. ટી. એસ.) વિભાગના સ્ટાફ દ્વારા શહેરની સીટી બસ સર્વિસ અને બી. આર. ટી. એસ. બસ સર્વિસનું સઘન મોનીટરીંગ સી. સી. ટી. વી. કેમેરા તેમજ ટ્રીનીટી પ્રોગ્રામ મારફત કરવામાં આવી રહ્યું છે. બસ સર્વિસ અને બી. આર. ટી. એસ.ના ઓવરસ્પીડના ડેટા એનાલીસીસ કરી સબંધીત એજન્સીને પેનલ્ટી-દંડ કરવામાં આવે છે. જે અંતર્ગત આર. એમ. ટી. એસ.નો ત્થા બી. આર. ટી. એસ.નો કુલ રૂ. ૧,૦ર,રપર નો દંડ બસની સંચાલક એજન્સી પાસેથી છેલ્લા ૭ માસ દરમિયાન વસુલાયો છે. (૮.૧૩)

ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ૭પ૬૧ લોકોને  CC TV કેમેરાએ ઝડપી લીધાઃ ૧૧ લાખનો દંડ

રાજકોટ : શહેરમાં આઇ-વે પ્રોજેકટ હેઠળ નાખવામાં આવેલ સી.સી. ટી.વી. કેમેરાનાં આધારે છેલ્લા ૭ મહિનામાં ટ્રાફીક નિયમોનો ભંગ કરનારા ૭પ૬૧ વાહન ચાલકોને ઇ-ચલણ મોકલી કુલ રૂ. ૧૧,૩પ,૮૦૦ નો દંડ વસુલ કરાયાનું મ્યુ. કમિશ્નરે જાહેર કર્યુ છે.

(4:23 pm IST)