Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

શુક્રવારથી શરૂ થઇ શુક્રવારે પૂર્ણ થશે રમઝાન માસ

પવિત્ર રમઝાન માસને આવકારવા મુસ્લિમોમાં આધ્યાત્મિક ઉત્સાહઃ રોઝા શરૂ થવાને ૬ દિ' બાકીઃ તૈયારીઓ શરૂ : શુક્રવારે પહેલો રોઝો એટલે ત્રણ વર્ષ બાદ ફરી ૨૦૧૫ના વર્ષનું પૂનરાવર્તન :૨૯ રોઝા થવાનો અને ગુરૂવારે સાંજે ચંદ્ર દેખાવાના સંભવઃ ૧૬મી જૂન શનિવારે ઇદ ઉજવણી નિશ્ચિત :રોઝાનું સમયપત્રક આ વખતે અટપટુ રહેશે :આખા મહિનામાં ૧૯ મિનિટની વધઘટ ઉપર સાડાપંદર કલાકની આકરાતાપ વચ્ચેની તપસ્યા :આ વખતે સહેરીનો સમય :૧૦ મિનિટ ઉપર અને ઇફતારનો સમય ૮ મિનિટ વ્હેલો થયો

રાજકોટ તા. ૧૧ : ગત વર્ષે ૨૦૧૭માં ઇસ્લામ ધર્મનો પવિત્ર માસ 'રમઝાન' રવિવારથી શરૂ થઇ રવિવારે પૂરો થયો હતો એ રીતે આ વખતે રોઝા માસ શુક્રવારે શરૂ થઇ શુક્રવારે પૂર્ણ થનાર છે.

ઇસ્લામી પંચાગ 'ચંદ્રદર્શન' ઉપર આધારિત છે અને દર મહિને સાંજે આકાશમાં સુક્ષ્મબીજ નજરે પડે તેના બીજા દિવસથી મહિનો શરૂ થાય છે જે જોતા હાલમાં ૮ મો મહિનો 'શાબાન' ચાલી રહ્યો છે અને તા.૧૬-૫-૧૮ને બુધવારે ૨૯મી શાબાન છે પણ શાબાન મહિનાના ૩૦ દી પુરા થશે અને તા. ૧૭-૫-૧૮ના ગુરૂવારે સાંજે ચંદ્રદર્શન શકય બનનાર હોઇ શુક્રવારે ૧ લી રમઝાન થનાર હોવાનો વર્તારાનો નિર્દેશ છે.

બીજી તરફ અંગ્રેજી કેલેન્ડર, પંચાગ અને ઇસ્લામી કેલેન્ડર વગેરે તા.૧૭-૫ના ગુરૂવારે પ્રથમ રોઝો દર્શાવી રહ્યા છે પણ, આ ગણત્રી ખોટી પુરવાર થાય અને આગલા રજ્જબ માસની જેમ શાબાન માસના પણ ૩૦ દિ ૧૭-પ ગુરૂવારે પૂરા થાય પછી શુક્રવારથી રમઝાન માસ શરૂ થવાનો અને તે જોતા ૨૯ રોઝા થવાના પૂર્ણ સંભવ છે.

વાસ્તવમાં શુક્રવારથી રમઝાન માસ શરૂ થઇ ૨૯ રોઝા થવાનું નિશ્ચિત હોઇ ગત ૨૦૧૫ના વર્ષનું ફરી પુનરાવર્તન થવા જઇ રહ્યુ છે. ૨૦૧૫માં રમઝાન માસ 'શુક્રવાર ટુ શુક્રવાર' ચાલેલ હતો. એટલું જ નહી તા. ૧૬ જૂનના શનિવારે 'ઇદુલફિત્ર'મનાવાશે જે નિશ્ચિત છે અને તમામ કેલેન્ડરો પણ શનિવારે જ ઇદ દર્શાવી રહ્યા છે. આગલા દિને ૧૫ જૂન શુક્રવારે ચંદ્રદર્શન રહેશે પરંતુ એ સમયગાળામાં અમુક વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની શકયતા હોઇ 'ચંદ્રદર્શન'નો અભાવ સર્જાવાની પણ પુર્ણ શકયતા રહેલી છે પરંતુ શનિવારે ઇદ ઉજવણી નિશ્ચિત રહેશે.

અત્રે એ નોંધનીય છે કે, રમઝાન માસ દર વર્ષે છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચેથી પસાર થઇ રહ્યો છે અને આ રમઝાન માસમાં દરેક પુખ્ત વયના મુસ્લિમ સ્ત્રી પુરૂષોને ખુદા તરફથી 'રોઝા' રાખવા 'ફરજીયાત' છે.આ રોઝા એક 'ઉપવાસ' જ છે જેમાં પરોઢીયે થી લઇ છેક સુરજ આથમે ત્યાં સુધી મુસ્લિમ ભાઇ - બહેનો રોઝા રાખે છે અને આ રોઝામાં અન્નજળનો ત્યાગ કરવામાં આવે છે. એ ત્યાં સુધી કે ગળા નીચે થુંક પણ ઉતારવામાં આવતું નથી. આમ નર્યા નકોર ઉપવાસ કરવામાં આવે છે એ સાથે દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે. એટલું જ નહી રાત્રે પણ મસ્જીદોમાં વધારાની 'સળંગ' તરાવીહની નમાઝ દોઢ કલાક માટે પઢવામાં આવે છે. ઉપરાંત મુસ્લિમો કુઆર્ન પઠન અને ઇબાદતમાં મશગુલ બની જાય છે એ જોતા રમઝાન માસ શરૂ થતા જ મુસ્લિમ સમાજમાં આધ્યાત્મિકતા છવાઇ જાય છે.

હાલમાં સૌરાષ્ટ્ર કચ્છમાં આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે ત્યારે રમઝાન માસ વધુ એક વાર ઉનાળામાં આવી ચૂકયો છે અને એ સમય જોતા હવામાન મિશ્ર રહેનાર હોઇ આમ છતા કેટલાક રોઝામાં રોઝા રાખનારા 'રોઝેદારો'ને આકરો તાપ સહન કરવો પડે તેવા સંજોગો છે.

આધ્યાત્મિક ઉત્સવ સમા તપસ્યાનો અપાર મહિમા અર્થાત રમઝાન માસ આવતા જ મુસ્લિમ સમાજમાં  હર્ષ વ્યાપી જાય છે જેથી રોઝા માસને સત્કારવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

આ રમઝાનમાસમાં દાન-પુણ્યના કામો પણ એટલા જ કરવામાં આવે છે જેના લીધે પરોઢીયે ભોજન અર્થાત 'સહેરી' અને સાંજે રોઝા ખોલાવવા માટેના મનમોહક ભોજનના થાળ એટલે 'ઇફતારી'ના પણ અનેક સદગૃહસ્થો અને સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો દરરોજ માટે યોજાઇ છે.

ખાસ કરીને રમઝાન માસમાં સાંજ પડતા જ રોઝાદારો તમામ મસ્જીદોમાં એકત્ર થશે અને સમુહમાં ઇફતાર કરશે એટલે રોઝા છોડશે. જેના માટે ફ્રુટ ફરસાણ  ઠંડાપીણા ઉપલબ્ધ કરાશે અને એ માટેની તૈયારીઓ આરંભી દેવાઇ છે.

રમઝાન માસ ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુઆર્ન શરીફની વર્ષગાંઠ હોઇ અને રમઝાન માસમાં દાન-પુણ્યનું વળતર ૭૦ ગણુ હોઇ કુઆર્ન પઠન મસ્જીદોમાં વધી જશે અને તેના લીધે રાત્રિ - દિવસ મસ્જીદો ખુલ્લી જ રહેશે અને મોડી રાત સુધી મસ્જીદોમાં ચહલ પહલ પણ રહેશે. આથી મસ્જીદોને રોશની શણગાર કરવામાં પણ આવશે.

આ તમામ વચ્ચે ખાસ કરીને રમઝાન મહિનામાં રોઝાનું મહત્વ વધારે છે અને આ રોઝા કાળઝાળ ગરમી વચ્ચે પણ મુસ્લિમ ભાઇ બહેનો રાખી રોજીંદા કામમાં પ્રવૃત રહેશે.

રોઝાનું સમયપત્રક જોતા ગત વર્ષે શરૂઆતમાં રોઝાનો સમય લાંબો હતો પરંતુ આ વખતે તેનાથી ઉલટુ સમયપત્રક ચાલશે અને રમઝાન માસના પ્રારંભમાં ૧૫ કલાક ૧૯ મિનિટનો રોઝો રહેશે જે વધતા વધતા અંતે ૧૫ કલાક ૩૮ મીનીટનો રોઝો થઇ જશે અને ૧૯ મિનીટની વધઘટ ઉપર આખો રમઝાન માસ પસાર થશે.

સમયપત્રક મુજબ રોઝો પરોઢીયે ૪-૪૪ના શરૂ થશે જે બે દિ' ચાલી પછી ૩ દિ' ૪-૪૩ પછી બે દી' ૪-૪૨, પછી ર દિ' ૪-૪૧, પછી બે દી' ૪-૪૦, પછી ૭ દિ'સુધી ૪-૩૯ પછી ૪ દિ' ૪-૩૮ અને પછી ૭ દિ' સુધી ૪-૩૭ નો સમય રહેશે.

જયારે સાંજે પ્રથમ રોઝો ૭-૨૩ના ખુલશે તે પછી બે દિ' ૭-૨૪, તે પછી બે દિ' ૭-૨૫, તે પછી ૩ દિ' ૭-૨૬, તે પછી ર દિ' ૭-૨૭, તે પછી બે દિ' ૭-૨૮ તે પછી ૩ દિ' ૭-૨૯, તે પછી ૩ દિ' ૭-૩૦, તે પછી બે દિ' ૭-૩૧, તે પછી ૩ દિ' ૭-૩૨, તે પછી ૩ દિ' ૭-૩૩, તે પછી ૩ દિ' ૭-૩૪ અને છેલ્લે ૭-૩૫ વાગ્યે રોઝા પુર્ણ થશે.

એકંદરે રોઝાના સ્વરૂપમાં ઉનાળાના ધોમધખતા તાપમાં સાડા પંદર કલાકની આકરી તપસ્યા નિશ્ચિત છે. જો કે આ વખતે સહેરીનો સમય ૧૦ મિનીટ ઉપર ગયો છે અને રોઝાનો ખોલવાનો સમય આ વર્ષે ૮ મિનીટ વહેલો થયો છે.

બીજી તરફ આ વખતે રોઝાનું સમયપત્રક વધઘટવાળુ રહેશે. સરળ નહી રહે જો કે ગત વખતે યાદ રહી જાય એ રીતે સરળ સમયપત્રક ચાલેલ હતુ.

(4:01 pm IST)