Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મહિલાનું અપહરણ-ખુનની ધમકી આપવાના ગુનામાં પકડાયેલ કુચીયાદડના ચાર શખ્સોને પાંચ વર્ષની સજા

રાજકોટ, તા., ૧૧: મહિલાને જીપમાં ઉપાડી જઇને અપહરણ કરી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પકડાયેલ રાજકોટ તાલુકાના કુચીયાદડ ગામે રહેતા આરોપીઓ સામેનો કેસ ચાલી જતા અત્રેના ચીફ જયુ. મેજી. શ્રી એચ.એસ.દવેએ જુદી જુદી કલમો હેઠળ તકસીરવાન ઠરાવીને સજા ફટકારી હતી.

 આ બનાવ અંગે પોલીસે રાજકોટ તાલુકા કુચીયાદડ ગામે રહેતા ચાર ભાઇઓ રમેશ છગન પાદરીયા, દિનેશ છગન પાદરીયા, રસીક છગન પાદરીયા, ચંદુ છગન પાદરીયાની ધરપકડ કરી હતી.

આ કેસ ચાલતા સરકારી વકીલ સી.પી. ત્રિવેદીએ રજુઆત કરેલ કે આરોપીઓ સામે ફરીયાદ પક્ષના સાહેદોએ આપેલ જુબાની તેમજ રજુ થયેલ પુરાવો જોતા ગુનો પુરવાર થતો હોય આરોપીઓને કસુરવાર ઠરાવીને સજા કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાનાી ગંભીરતાને ધ્યાને લઇને ચીફ જયુ. મેજી. શ્રી દવેએ  ચારેય આરોપીઓને કલમ -ર૪૮ (ર) અન્વયે કલમ ૩૬૩ હેઠળ ચારેય-પાંચ-પાંચ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

જયારે કલમ ૩ર૩, ૧૧૪, હેઠળ એક-એક વર્ષની સજા અને પ૦૦૦નો દંડ ન ભરે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગે ફરીયાદી ચતુરભાઇ વાલજીભાઇએ ઝાલાએ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદીની વિગત મુજબ આરોપી રમેશ ફરીયાદીના સાળા થતા હોય સોનલબેન આરોપી નં. ૧ ની કાકાની દીકરી બેન થતી હોય રમેશને સોનલ સાથે પ્રેમસંબંધ હોય  સને ર૦૦૭ની સાલમાં આરોપીઓ ફરીયાદીના પત્ની હંસાબેનનું અપહરણ કરીને લઇ ગયેલા અને સોનલને ગોતી નહિ લાવો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ગુનામાં પોલીસે ઉપરોકત આરોપીઓની ધરપકડ કરીને ચાર્જશીટ કર્યુ હતું. બાદમાં કેસ ચાલી જતા ચારેય આરોપીઓને અદાલતે પાંચ વર્ષની સજા ફટકારી હતી.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી સી.પી.ત્રિવેદી રોકાયા હતા.

(4:11 pm IST)