Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

પટેલ વેપારી પર દરબાર પિતા-પુત્રનો હુમલોઃ દરબાર યુવાનને સળીયો ફટકારી હાથનો પંજો ભાંગી નખાયો

આડા પેડક રોડ પર પટેલ વેપારી નરેશભાઇ સિતાપરાની દૂકાને ઇલેકટ્રીક મોટર બદલવા મામલે બઘડાટીઃ સામે કૃષ્ણનગરના હરદેવસિંહ ઝાલાની પટેલ વેપારી સામે ફરિયાદ

રાજકોટ તા. ૧૧: સામા કાંઠે આડા પેડક રોડ પર મઝહર સ્કૂલ પાસે ઇલેકટ્રીક ચીજ વસ્તુની દૂકાન ધરાવતાં પટેલ વેપારી સાથે ઇલેકટ્રીક મોટર બદલવા બાબતે દાળ પકવાનની લારીવાળા દરબાર શખ્સ અને તેની સાથેના શખ્સોએ લાકડીથી હુમલો કરી તેમજ ઢીકા-પાટુનો માર મારતાં ફરિયાદ થઇ છે. સામા પક્ષે દરબાર યુવાનને પણ પટેલ વેપારીએ લોખંડનો સળીયો ફટકારી હાથનો પંજો ભાંગી નાંખ્યાની ફરિયાદ થઇ છે.

ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવમનગર-૫માં રહેતાં નરેશભાઇ પ્રેમજીભાઇ સિતાપરા (પટેલ) (ઉ.૪૬) ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં અને પોતે પેડક રોડ પર પોતાની ઉમિયા ઇલેકટ્રીક નામની દૂકાને હતાં ત્યારે દાળ પકવાનની રેંકડીવાળા, તેના દિકરા અને સાથેના અન્ય શખ્સે ગાળો દઇ લાકડીથી પોતાને માથા, ખભા, વાંસામાં માર માર્યાનું જણાવતાં સારવાર માટે દાખલ કરાયા હતાં.

નરેશભાઇના કહેવા મુજબ પોતાની દૂકાનેથી દાળ પકવાનવાળા દરબાર ભાઇ કૂલરનો દેડકો (ઇલે. મોટર) લઇ ગયા હતાં. તે ખરાબ નીકળી હોઇ બદલવા બાબતે ચડભડ થઇ હતી. તેણે પૈસા પાછા માંગતા રૂ. ૨૫૦ પાછા આપી દીધા હતાં. એ પછી દરબારના ભાઇ તેમના પુત્ર અને બીજા એક વ્યકિતને લઇને આવ્યા હતાં અને હુમલો કરી પોતાને માર માર્યો હતો.

સામા પક્ષે જામનગર રોડ પર વ્હોરા સોસાયટી પાછળ કૃષ્ણનગર-૧૦માં રહેતાં હરદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (ઉ.૨૫)એ પણ ઇલેકટ્રીક મોટરની દૂકાનવાળા પટેલભાઇ સામે ફરિયાદ કરી છે. તેના કહેવા મુજબ પોતાના પિતા પટેલભાઇની દૂકાને મોટર બદલાવવા ગયા ત્યારે તેણે ધક્કો મારી શર્ટ ફાડી નાંખી અપમાનીત કરતાં પોતે સાહેદ આકાશસિંહને સાથે લઇ સમજાવવા જતાં પટેલભાઇએ સળીયાના ઘા કરી પોતાના ડાબા હાથના પંજામાં ફ્રેકચર કરી નાંખ્યું હતું. બી-ડિવીઝનના હેડકોન્સ. ખોડુભા જાડેજાએ બંને પક્ષની  ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(3:57 pm IST)