Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

જીત હોય કે હાર...સૌરાષ્ટ્રનું ક્રિકેટ ઉચ્ચ દરજ્જાનું અને પ્રભાવશાળી રહ્યું છે

૧૯ મી સદીમાં જામ રણજીતસિંહજી (પ્રિન્સ ઓફ નવાનગર) એ ઇંગ્લેન્ડની ધરતી ઉપર ધુંઆધાર બેટીંગ દર્શાવી ભારતનું નામ આંતરરાષ્ટ્રીય ફલક પર ઝળહળતું કર્યુઃ ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ ટીમનો દરજ્જો ધરાવતી ન હોય રણજીતસિંહજી અને તેમના ભત્રીજા દુલીપસિંહજીની ક્રિકેટ કારકીર્દી ઇંગ્લેન્ડ ટીમના ખેલાડી તરીકે પુરી થઇ હતી : સર રણજીતસિંહજી અને દિલીપસિંહજી પછી એલ. અમરસિંઘ, એલ. રામજી (બન્ને રાજકોટ) ઉપરાંત વિનુ માંકડ, સલીમ દુરાની, કરશન ઘાવરી, દિલીપ દોશી, શાહ ન્યાલચંદ, ધીરજ પરસાણા અને હાલમાં ક્રિકેટની ક્ષિતિજ પર ઝળહળી રહેલા રવિન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પુજારા સૌરાષ્ટ્રની દેણ છેઃ ભુતપુર્વ ટેસ્ટ ક્રિકેટર અને કેપ્ટન યજુર્વેન્દ્રસિંહની કલમે આલેખાયેલો આ લેખ આજે જયારે સૌરાષ્ટ્રની ટીમ ચેમ્પીયનશીપ હાંસલ કરવાની નેમ સાથે ખંઢેરી ક્રિકેટ સ્ટેડીયમ ઉપર ઉતરી છે ત્યારે ખુબ પ્રસ્તૃત છે

રાજકોટ, તા., ૧૧: હાલમાં રાજકોટના આંતરરાષ્ટ્રીય કક્ષાના ખંઢેરી સ્ટેડીયમ ખાતે  રણજી ટ્રોફીનો મેચ સૌરાષ્ટ્ર અને બંંગાળની ટીમ વચ્ચે ચાલી રહયો છે. સૌરાષ્ટ્ર ક્રિકેટનો ઇતિહાસ ઉચ્ચ દરજ્જાનો અને પ્રભાવશાળી રહયો છે. ભુતકાળમાં આ રમતને રાજાશાહી  રમત તરીકે પણ ઓળખવામાં આવતી હતી.  ૧૯ મી સદીના ઉતરાર્ધમાં જામ રણજીતસિંહજી (પ્રિન્સ ઓફ નવાનગર)એ  તેમના બેટીંગ કૌશલ્યથી ઇંગ્લેન્ડની ધરતી પર એવુ઼ સિમાચિહન સ્થાપીત કર્યુ કે ભવિષ્યમાં ભારત દેશ ક્રિકેટ વિશ્વના આંતરરાષ્ટ્રીય ફલક પર ડગ માંડી  શકે છે. જામ રણજીતસિંહજી  તત્કાલીન દિવસોમાં ઇંગ્લેન્ડની કિક્રેટ ટીમ વતી રમતા હતા. તેઓ  ક્રિકેટના સુપરસ્ટાર બની ચુકયા હતા. ભારતમાં ૧૯૮૪થી રણજી ટ્રોફી ક્રિકેટ ઘરેલુ ક્રિકેટ તરીકે રમાઇ રહયું છે. એ સમયમાં અનેક રાજા-રજવાડાઓના રાજકુમારો આ રમત ઉપર હાથ અજમાવતા હતા. ત્યારથી ક્રિકેટરો માટે રણજી ટ્રોફી મેચનો ફાઇનલ રમવો જ નહિ પરંતુ તેમની ટીમને રણજી ટ્રોફીમાં ચેમ્પીયન બનાવવાનું સ્વપ્ન હંમેશ માટે રહેતું. છેલ્લા ૮૬ વર્ષના કિક્રેટ ઇતિહાસમાં બોમ્બે / મુંબઇ  ઉદઘાટન મેચમાં વિજેતા રહી ચુકી છે અને પાછળથી ૪ર વખત ટુર્નામેન્ટ જીતી ચુકી છે.

સૌરાષ્ટ્ર ૧૯૪૮માં યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠીયાવાડ તરીકે ઓળખાતું હતું. ૧૯પ૬માં તે મુંબઇનો ભાગ બન્યું. ૧૯૬૧માં મહા ગુજરાતના ભાગલા બાદ મહારાષ્ટ્ર અને ગુજરાત સ્વતંત્ર રાજય બન્યા. જો કે ૧૯૪૮ થી અસ્તિત્વમાં આવેલું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન આજ દિવસ સુધી અડગ બની રહયું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ માટે છેલ્લા ૮ વર્ષનો દાયકો તેજોમય બની ઝળહળતો રહયો છે. સૌરાષ્ટ્રની ટીમ ૯ મી માર્ચે ર૦ર૦(આજે તા.૧૧મી માર્ચ)ના રોજ રણજી ટ્રોફી ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ બંગાળની સબળ ટીમ સામે રાજકોટના ખંઢેરી આંતરરાષ્ટ્રીય સ્ટેડીયમ ખાતે રમી રહી છે. ગયા વર્ષે સૌરાષ્ટ્રના હાથમાંથી ચેમ્પીયનશીપ સરકતી ગઇ હતી. આ વખતે નશીબ જોગે તેમને બંગાળ ઉપર વિજય મેળવી રણજી ટ્રોફી ચેમ્પીયન બનવાનો અવસર પ્રાપ્ત થયો છે. ઇતિહાસ જોઇએ તો  ૧૯૩૬-૩૭માં રણજી ટુર્નામેન્ટમાં નવાનગર ટીમ ચેમ્પીયન બની હતી. ત્યાર બાદ ૧૯૪૩-૪૪ માં વેસ્ટર્ન ઇન્ડીયા ટીમના બેનર હેઠળ રણજી ટ્રોફીનો કપ હાંસલ કર્યો હતો. આ બંન્ને વખતે તેમની સામે ફાઇનલ મેચમાં જોગાનુજોગ બંગાળની ટીમ હતી. આ વખતે ત્રીજી વખત આવો અવસર આવ્યો છે.

સૌરાષ્ટ્રની ધરતી પરથી ટેસ્ટ ક્રિકેટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓની યાદી ઘણી લાંબી છે. ક્રિકેટના ઐતિહાસિક ફલક ઉપર ભારતનું નામ ઝળહળતું કરનાર સૌ પ્રથમ જામ રણજીતસિંહજી હતા. ત્યાર બાદ તેમના ભત્રીજા દુલીપસિંહજી પણ ઉચ્ચકક્ષાના ક્રિકેટ ખેલાડી તરીકે ઇતિહાસના પાને અમર બની ચુકયા છે. બંન્નેએ તેમની ટેસ્ટ કારકીર્દીના પ્રથમ મેચમાં જ ઇંગ્લેન્ડ તરફથી રમતા સદી ફટકારવાનું ગૌરવ હાંસલ કર્યુ હતું. કમનશીબે તેમના ઝળહળતા દિવસોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતની ટીમ ટેસ્ટ દરજ્જો ધરાવતી ન હોવાથી જામ રણજીતસિંહજી અને જામ દુલીપસિંહજીએ ઇંગ્લેન્ડની ટીમ વતી રમવું પડયું હતું. દુલીપસિંહજી તેમની ક્રિકેટ કારકીર્દી  પ૦ ની એવરેજથી રન બનાવવા (દર મેચમાં) સાથે પુરી કરી હતી. એ સમયે તેઓ ૧ર ટેસ્ટમેચ રમી ચુકયા હતા. જેમાં તેમણે ૩ તો સદી ફટકારી હતી.

તત્કાલીન નવાનગર હાલ જામનગર તરીકે ઓળખાય છે. જામનગરનો ક્રિકેટ ઇતિહાસ પણ સૌરાષ્ટ્રની માફક જ અદભુત રહયો છે. જામનગર, રાજકોટ અને આસપાસના આશરે ર૦૦ જેટલા રાજા રજવાડાઓ અને સરદારો ક્રિકેટની રમતના આશ્રયદાતાઓ બની ઉભર્યા હતા. ક્રિકેટના મેદાન પરની ગળાકાપ હરીફાઇએ તે વખતમાં ક્રિકેટને લોકપ્રિય બનાવ્યું હતું.

૧૯૩રમાં જયારે ભારત સૌ પ્રથમ ટેસ્ટમેચ લોર્ડઝ ખાતે રમ્યું ત્યારે ઓલરાઉન્ડર દેખાવ કરનાર એલ.અમરસિંઘ ટીમના સભ્ય હતા અને તેઓ રાજકોટના હતા. એલ. અમરસિંઘે ભારત વતી પ્રથમ અડધી સદી પણ નોંધાવી હતી. તેમના ભાઇ એલ.રામજીનો બોલર તરીકે દબદબો હતો. ફાસ્ટ બોલર એલ.રામજી પણ ભારત વતી ૧૯૩૩ માં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટમેચ રમ્યા હતા.

૧૯૩૨માં ભારતની પ્રવાસી ક્રિકેટ ટીમના કેપ્ટન અને વાઇસ કેપ્ટન પણ સૌરાષ્ટ્રના હતા. તે વખતે કેપ્ટન તરીકે મહારાજા નટવરસિંહજી ઓફ પોરબંદર હતા. આજની તારીખે સૌરાષ્ટ્ર ટીમના કેપ્ટન જયદેવ અનડકટ પણ જોગાનુજોગ પોરબંદરના વતની છે. તત્કાલીન ટીમના વાઇસ કેપ્ટન ઘનશ્યામસિંહજી લીંબડી સ્ટેટના કુંવર હતા.

મહાન ક્રિકેટર-ઓલ રાઉન્ડર તરીકે ત્યાર બાદ ખ્યાતી પામેલા વિનુ માંકડ પણ જામનગર વતી રમી ચુકયા છે. વિનુ માંકડનું નામ ઓલ રાઉન્ડર તરીકે સૌના મ્હોંએ હતું. ભારતે સૌ પ્રથમ ૧૯પરમાં ઇંગ્લેન્ડ સામે મદ્રાસના ગ્રાઉન્ડ ઉપર ટેસ્ટ વિજય મેળવ્યો ત્યારે વિનુ માંકડે ટીમ વતી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. ૧૯૪૦ ના અંત અને ૧૯પ૦ની શરૂઆતમાં લેફટઆર્મ સ્પીન બોલીંગ અને ફાંકડા  ફટકાકબાજ બેટસમેન તરીકે તેઓ લોકપ્રિય રહયા હતા.

'ગીફટેડ જીનીયસ' તરીકે  એ વખતે જામનગરના હેન્ડસમ પઠાણનું નામ લેવાતું હતું જે અન્ય કોઇ નહિ પરંતુ સલીમ દુરાની હતા. તેઓ સંુદર દેખાવના માલીક  હોવા ઉપરાંત બોલીંગ-બેટીંગ ક્ષેત્રે ઉભરી આવેલી પ્રતિભા હતા.

એ વર્ષોમાં 'નો સલીમ નો મેચ'નું સુત્ર મુંબઇગરાઓમાં ભારે લોકપ્રિય બન્યું હતું. જે સલીમ દુરાનીની ક્રિકેટ કારકીર્દીનો માપદંડ બની ઉભર્યુ હતું. ૧૯૭૩ની સાલમાં ઇંગ્લેન્ડ સામે ભારતની ટીમમાંથી સલીમ દુરાનીની પસંદગી ન થઇ ત્યારે વિરોધ મોરચા નિકળ્યા હતા. ક્રિકેટ રસીયાઓમાં સલીમ દુરાનીનું નામ માનભેર લેવાતું અને આજે પણ લેવાય છે. સૌરાષ્ટ્રના વતની વિનુ માંકડ અને સલીમ દુરાનીનું નામ ભારતીય ટીમના સદાબહાર મહાન ખેલાડીઓમાં આજે પણ અંકીત થયેલું છે. ભારતીય ટેસ્ટ ટીમની કરોડરજ્જુ આ બંન્ને ખેલાડીઓ હતા.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમના વર્તમાન મેનેજર અને કોચ કરશન ઘાવરી પણ સૌરાષ્ટ્રના વતની છે. કરશન ઘાવરીની ક્રિકેટ કારકીર્દી પણ નોંધનીય રહી છે. તેમના ઉપરાંત દિલીપ દોશી, શાહ ન્યાલચંદ, ધીરજ પરસાણા, વર્તમાન ક્રિકેટના ઝળહળતા રવિન્દ્ર જાડેજા અને હાલની રણજી ક્રિકેટ ટીમના કેપ્ટન અને  સીઝનમાં જ  ૬પ વિકેટ ખેડવી ચુકેલા જયદેવ અનડકટ ક્રિકેટ ઇતિહાસની રંગોળીમાં પુરક રંગો તરીકે ઝગમગી રહયા છે.

રોયલ પરિવારમાં જન્મેલા અને સૌરાષ્ટ્ર વતી ક્રિકેટ રમી ચુકેલા ક્રિકેટરોમાં ઇન્દ્રજીતસિંહજી, યજુર્વેન્દ્રસિંહજી અને અજય જાડેજા નામ પણ આલેખાયેલું છે.

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં 'ધ વોલ' તરીકે ખ્યાતી પ્રાપ્ત રાહુલ દ્રવીડની હરોળમાં ગણાતા ચેતેશ્વર પુજારા પણ ક્રિકેટમાં સૌરાષ્ટ્રની દેણ છે. હાલમાં મેદાન પર ઉતરેલી સૌરાષ્ટ્ર રણજી ટીમમાં પણ પુજારા સામેલ છે. રણજી ટ્રોફી ટુર્નામેન્ટમાં ચેમ્પીયનશીપ મેળવવાના ઇરાદા સાથે ઉતરેલી ટીમ માટે ચેતેશ્વર પુજારા પણ મહત્વનો દેખાવ કરી શકે છે. કમનશીબે ભારત વતી વન-ડે શ્રેણીમાં ઉતરેલા રવિન્દ્ર જાડેજા રણજી ટ્રોફીની આ ટીમના સભ્ય નથી. જાણકારોના મતે  સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરીઝમાં રમવા કરતા રવિન્દ્ર જાડેજા માટે વર્તમાન રણજી ટ્રોફી ટીમમાં રમવું મહત્વનું રહયું હોત.

સાઉથ આફ્રિકા સામેની વન-ડે સીરીઝમાં રવિન્દ્ર જાડેજાનું રમવું સ્થાનીક ક્રિકેટની અવગણના રૂપે પણ જોવાઇ રહયું છે. ભારતીય ક્રિકેટના વર્તમાન સતાવાહકો સ્થાનીક ક્રિકેટને કેટલું અવગણી રહયા છે (?) તેનો દાખલો રવિન્દ્ર જાડેજાના રૂપે જોઇએ તો અતિશયોકિત  નહિ ગણાય તેમ ભુતપુર્વ ક્રિકેટર અને લેખક યજુર્વેન્દ્રસિંહ જાડેજા તેમની કલમના માધ્યમથી નોંધે છે.

પૂર્વ ક્રિકેટર અને લેખક યજુવેન્દ્રસિંહજી ઓફ બિલખા

(એક જ ઇનિંગમાં ૭ કેચ ઝડપવાનો રેકોર્ડ તેમના નામ નોંધાયેલો છે)

(4:02 pm IST)