Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ઓફિસમાં આવી રોકડ-ચાવી પડાવી જનારા બે ઝડપાયાઃ સટ્ટાની ઉઘરાણીનો ડખ્ખો હોવાનું આરોપીઓનું રટણ !

અયોધ્યા ચોકમાં કમિશન એજન્ટની ઓફિસમાં ઘુસી માથાકુટ કરનારા દ્વારકા પંથકના અજય ભુતીયા અને રાજકોટના રહેતાં મુળ લાલપુરના સગીરને યુનિવર્સિટી પોલીસે ગણત્રીના સમયમાં સકંજામાં લીધા

રાજકોટ તા. ૧૧: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે ધ સ્પાયર બિલ્ડીંગના પાંચમા માળે બેસી ડીકેવી એગ્રી ઇમ્પેક્ષ નામે કમિશન એજન્ટની ઓફિસ ધરાવતાં મુળ જામજોધપુરના હાલ સાધુ વાસવાણી રોડ પર નંદવિહાર એપાર્ટમેન્ટમાં રહેતાં વિવેક હસમુખભાઇ લાલકીયા (ઉ.૨૬) નામના પટેલ યુવાનની ઓફિસમાં ઘુસી બે શખ્સોએ 'તારે અમને ૧ લાખ આપવાના છે' તેમ કહી ધમકાવી ઝાપટો મારી ઓફિસમાંથી કારની ચાવી, રોકડા રૂ. ૩૦૦૦ બળજબરીથી લઇ બહાર નીકળી જતાં આ યુવાનેપાછળ જઇ પૈસા ચાવી પાછા માંગતા બંનેએ અમને જવા દે નહિતર જાનથી હાથ ધોઇ બેસીશ તેવી ધમકી આપી હતી અને ભાગી ગયા હતાં. આ કેસમાં યુનિવર્સિટી પોલીસે ગણતરીના સમયમાં એક સગીર સહિત બે શખ્સને પકડી લીધા છે. સટ્ટાની રકમની ઉઘરાણી મામલે ડખ્ખો થયાનું પકડાયેલા બંનેએ પોલીસ સમક્ષ રટણ કર્યુ હતું.

ઘટના બનતાં જ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં બંને શખ્સ નજરે પડ્યા હતાં. તેના આધારે પી.આઇ. બી. બી. ગોયલ અને પીએસઆઇ એમ. વી. રબારી, બી. જી. ડાંગર તથા ટીમે તપાસ શરૂ કરતાં સીસીટીવી ફૂટેજમાં હતાં તેવા જ બે શખ્સ નજરે ચડતાં તેને સકંજામાં લઇ પુછતાછ કરતાં ગુનો કબુલી લીધો હતો. બે પૈકી એક શખ્સે પોતાનું ના અજય દેવશીભાઇ ભુતીયા (મેર) (ઉ.૨૨-રહે. પાડધરા, તા. વાંકાનેર) જણાવ્યું હતું. તેની સાથેનો બીજો આરોપી સગીર હોઇ બંનેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પકડાયેલા અજયએ પોલીસને એવું જણાવ્યું હતું કે તેના સગીર મિત્રને સટ્ટાના હિસાબના પૈસા લેવાના હોઇ તેની ઉઘરાણીએ જતાં માથાકુટ થઇ હતી. જો કે ફરિયાદીએ અવું રટણ કર્યુ છે કે તે બે માંથી કોઇને ઓળખતા નથી અને આ બંનેએ ઓચિંતા જ ઓફિસે આવી પૈસા આપવા પડશે તેવી ધમકી આપી ડખ્ખો કર્યો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.આર. ટંડેલની સુચના એઠળ પી.આઇ. ગોયલ, પીએસઆઇ રબારી, પીએસઆઇ ડાંગર તથા ટીમના હરેશભાઇ પરમાર, બળભદ્રસિંહ ચુડાસમા, જે. પી. મેવાડા, રાજેશભાઇ મિંયાત્રા, કોન્સ. રવિરાજસિંહ જાડેજા, ગિરીરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ સહિતે વધુ તપાસ હાથ ધરી છે.

(3:21 pm IST)