Gujarati News

Gujarati News

News of Thursday, 11th February 2021

હલકી ગુણવત્તાની રૂ-ની ગાંસડીઓ બેંકમાં હાઈપોથીકેટ કરીને લાખોની લોન લઈ ગાંસડી સળગાવી દેવાના ગુનામાં આગોતરા જામીન અરજી નામંજુર

૪૩ લાખની લોન સામે ૬૨ લાખની ગાંસડીઓ હાઈપોથીકેટ કરીઃ ગંભીર ગુનાની નોંધ લેતી અદાલત

રાજકોટ, તા. ૧૧ :. આશરે ૫ વર્ષ પહેલા આઈ.ડી.બી.આઈ. બેન્ક પાસેથી રૂ. ૪૩,૦૦,૦૦૦ લોન સામે રૂ. ૬૨,૦૦,૦૦૦ની રૂ ની ગાંસડીઓ હાઈપોથીકેટ કર્યા બાદ ગાંસડીઓની ગુણવત્તા હલકી હોવાનું બેન્કના ધ્યાનમાં આવી જતા લોન લેનારે આ તમામ ગાંસડીઓમાં આગ ચાંપી દઈ ગુન્હો કર્યા અંગે સીઆઈડી ક્રાઈમે તપાસ કરતા આરોપી હંસાબેન વેકરીયાની સંડોવણી જણાયેલ હતી જે અંગે સેશન્સ અદાલતે તેઓની આગોતરા જામીન અરજી નામંજુર કરેલ છે.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે વર્ષ ૨૦૧૫માં હંસાબેન વેકરીયાએ આઈ.ડી.બી.આઈ. બેન્ક પાસેથી રૂ. ૪૩,૦૦,૦૦૦ની લોન મેળવેલ અને આ લોનની રકમ તે જ દિવસે તેણીએ સહઆરોપી કલ્પેશ વઘાસીયાના ખાતામાં ટ્રાન્સફર કરી દીધેલ હતી. આ લોન સામે જે રૂ ની ગાંસડીઓ હાઈપોથીકેટ કરવામાં આવેલ હતી તે તમામ ગાંસડીઓ બેન્કે ભાડે રાખેલ ગોડાઉનમાં રાખવામાં આવેલ હતી. થોડા સમય બાદ બેન્કને આ રૂ ની ગાંસડીઓની ગુણવત્તા સદંતર હલકી હોવાનુ જણાય આવેલ હતું. આ રીતે આપવામાં આવેલ લોનની સામે જે ગાંસડીઓ હાઈપોથીકેટ કરેલ તે ગાંસડીઓની કિંમત લોન રકમ કરતા ઘણી જ ઓછી થતી હતી. આ અંગે બેન્કે તપાસ કરતા જાણવા મળેલ કે જસદણ વિસ્તારમાં આવા ઘણા લોન લેનારાઓએ લોન સામે રૂ ની ગાંસડીઓ આપેલ તે સદંતર હલકી ગુણવત્તાની હતી. બેન્કે વિવિધ અરજદારોને આપેલ લોનની રકમ આશરે પાંચ કરોડથી વધુની થતી હતી.

આ તમામ લોન સામે આપવામાં આવેલ ગાંસડીઓ હલકી ગુણવત્તાની હતી. આ મુજબની જાણ બેન્કને થઈ જતા લોન લેનારાએ ગોડાઉનના ચોકીદારો સાથે મીલાપીપણુ ગકરી રૂ ની તમામ ગાંસડીઓ સળગાવી દીધેલ હતી. આ મતલબની એક અરજી જસદણ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી પરંતુ આ અરજી ઉપર કોઈ અસરકારક કાર્યવાહી ન થતા રાજ્ય સરકારના ગૃહ વિભાગને ગાંધીનગર ખાતે આ પ્રકરણની જાણ કરવામાં આવેલ હતી. રાજ્ય સરકારે સી.આઈ.ડી. ક્રાઈમ રાજકોટને આ અંગે તપાસ કરવા જણાવતા સી.આઈ.ડી. ક્રાઈમે પાંચ લોન પ્રકરણોમાં તપાસ કરતા જણવા મળતા રૂ ની ગાંસડીઓ આકસ્મિક રીતે નહી પરંતુ ગુન્હાહીત રીતે સળગાવવામાં આવેલ હતી.

લોન લેનાર અરજદારો માહેથી શ્રીમતિ હંસાબેન વેકરીયાએ લીધેલ લોન અંગે ગાંસડીઓ સળગાવવાના પ્રકરણમાં શ્રી સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ હતી કે પોતાના ગુન્હાહીત કૃત્યો છુપાવવા અંગે જ્યારે આરોપીઓ ગાંસડીઓ સળગાવી દયે ત્યારે બેન્કને વિમા કંપની પાસેથી કોઈ રકમ મળી શકતી નથી અને અરજદારો પાસેથી કોઈ રીકવરી પણ પણ શકેલ નથી. આ રીતે બેન્કે આવા ગુન્હાહીત આરોપીઓને આપેલ રૂ. પાંચ કરોડની લોન વસુલ થઈ શકે તેમ ન હોવાથી પ્રજાના નાણાનો ગુન્હાહીત વ્યય થયેલ છે તેથી અરજદાર આરોપી સ્ત્રી હોવા છતા કોર્ટે કોઈ રહેમરાહ રાખવી જોઈએ નહી કારણ કે અરજદારે આ સમગ્ર લોનની રકમ તે જ દિવસે સહઆરોપીના ખાતામાં ટ્રાન્સફર કરી ગુન્હામાં સહભાગી હોવાનો પુરાવો આપેલ છે. શ્રી સરકાર તરફેની આ તમામ દલીલોને ધ્યાનમાં લઈ નામ. સેશન્સ કોર્ટે હંસાબેન વેકરીયાની આગોતરા જામીન અરજી નામંજુર કરેલ છે.

આ કામમાં શ્રી સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ શ્રી સંજયભાઈ કે. વોરા અને અધિક સરકારી વકીલ શ્રી અનિલભાઈ ગોગીયા રોકાયેલ હતા.

(3:50 pm IST)