Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

દેરાણી - જેઠાણીના કજીયામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ A ગ્રેડ ગુમાવ્યો

પૂર્વ કુલપતિ કનુભાઈ માવાણીએ કરેલા તપ અને સિદ્ધિથી સમગ્ર વિશ્વમાં મોખરાનું સ્થાન અપાવ્યુ અને.... : કરોડોનો ખર્ચ છતાં આઈકયુએસી નિયત સમય ઉપરાંત ૬ મહિના સુધી સેલ્ફ સ્ટડી રીપોર્ટ આપી ન શકી : દરેક મુદ્દાને રાજકીય રંગ આપતા સીન્ડીકેટ સભ્યો - કુલપતિ - કુલનાયકના કારણે ગ્રેડ વગર બની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી

રાજકોટ, તા. ૧૧ : એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે તેના વર્તમાન સત્તાધીશોના કારણે ભૂતકાળ બની ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યશસ્વી પૂર્વ કુલપતિ ડો.કનુભાઈ માવાણીના અથાગ નિષ્ઠાપૂર્ણ પ્રયત્નોની ફળશ્રુતિએ સમગ્ર વિશ્વમાં આગવી ઓળખ ઉભી કરી હતી. આર્થિક દૃષ્ટિએ તળીયા ઝાટક અને શૈક્ષણિક સ્તરે પણ ગુણવત્તાના નામે મીંડુ ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આર્થિક સદ્ધરતાની સાથે શૈક્ષણિક ગુણવત્તા અને પદવીની વિશ્વસનીયતા ખૂબ વધારી હતી.

પૂર્વ કુલપતિ કનુભાઈ માવાણી બાદ મોટાભાગના કુલપતિ, કુલનાયક અને સીન્ડીકેટ સભ્યો તેમના શૈક્ષણિક દૃષ્ટિકોણના બદલે રાજકીય દૃષ્ટિકોણથી થતાં નિર્ણયોના લીધે આજે એ ગ્રેડનો દરજ્જો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ગુમાવવાનો સમય આવ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ નીતિન પેથાણી અને કુલનાયક વિજય દેસાણી દેરાણી અને જેઠાણીની જેમ કજીયા કરતાં હોય શૈક્ષણિક તેમજ આર્થિક સ્તરને પણ વ્યાપકપણે નુકશાન થયુ છે. એ ગ્રેડની યુનિવર્સિટીને એ+ બનાવવાની ડંફાસો મારનાર યુનિવર્સિટીના સત્તાધીશો સામે વ્યાપક રોષ ફાટ્યો છે.

દર વર્ષે લાખો નહિં પરંતુ કરોડોનો ખર્ચો કરતી આઈકયુએસી દ્વારા ૫ વર્ષમાં નિયત સમયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સેલ્ફ સ્ટડી રીપોર્ટ રજૂ કરવાનો હોય છે. ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૯ આખરી તારીખ હોવા છતાં રીપોર્ટ થઈ શકયો ન હતો. આટલુ ઓછુ હોય તેમ યુનિવર્સિટીના સત્તાધીશોની બેદરકારીના કારણે યુજીસી દ્વારા અપાતી ૬ મહિનાની મુદ્દત પણ યુનિવર્સિટીના સત્તાધીશો વીસરી ગયા હતા.

ગઈકાલે નેક કમીટીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નાક વાઢ્યુ હોય તેમ એ  ગ્રેડની યુનિવર્સિટીમાંથી હાંકી કાઢી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં એ ગ્રેડ મળ્યો તે સૌથી મહત્વની ગૌરવપ્રદ ઘટના હતી. જયારે આજે એ ગ્રેડ ગુમાવવો પડ્યો તે સૌથી શરમજનક ઘટના ઘટી છે.

આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ જણાવ્યુ છે કે આઈકયુએસી નિયત સમયમાં રીપોર્ટ રજૂ કરી શકી નથી તે વાસ્તવિકતા છે. આ અંગે ૬ માસનું એકસટેન્શન મેળવવા અપીલ કરી છે. આઈકયુએસી રીપોર્ટમાં રીજેકશન અને સબમિશન પ્રક્રિયામાં પસાર થવુ પડે છે. બે દિવસમાં આ અંગે કોઈ નિર્ણય નહિં આવે તો અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા એ ગ્રેડનો ઉલ્લેખ નહિં કરીએ.

(4:08 pm IST)