Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

હત્યાની કોશિષ, જમીન કૌભાંડ અને મારામારી સહિત ૧ર ગુન્હામાં સામેલ નામચીન જમાલ મેતર પાસામાં ધકેલાયો

યુવતીનું છરી ઝીંકી મોઢું બગાડવાના ગુન્હાના કાવતરામાં પણ પકડાયો'તોઃ ભકિતનગર પોલીસે વડોદરા જેલમાં ધકેલી દીધો

રાજકોટ તા. ૧૧: શહેરના અલગ-અલગ વિસ્તારમાં જમીન કૌભાંડ તથા હત્યાની કોશિષ તેમજ યુવતીનું છરી ઝીંકી મોઢું બગાડવાના ગુન્હાના કાવતરામાં અને મારામારી સહિત ૧ર ગુન્હામાં સામેલ નામચીન શખ્સને પાસામાં ધકેલી દેવાયો છે.

મળતી વિગત મુજબ શહેરના જુદા-જુદા વિસ્તારમાં જમીન કૌભાંડ, હત્યાની કોશિષ તેમજ ઢેબર રોડ પર ધર્મજીવન સોસાયટીમાં બીલ્ડર કમલેશ રામાણીના કહેવાથી એક યુવતીનું છરી મારી મોઢું બગાડવાના ગુન્હામાં કાવતરામાં જમાલ મેતરની સંડોવણી ખુલી હતી. તેમજ ઘંટેશ્વર રપ વારીયામાં મારામારી સહિતના ૧ર જેટલા ગુન્હામાં સામેલ જમાલ અબ્દુલભાઇ મેતર (ઉ.વ. ૩૩) (રહે. રેલનગર સુભાષચંદ્ર ટાઉનશીપ ઓ.સી./૦ર પોપટપરા) ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના પીઆઇએસ. એન. ગડુ, હેડ કોન્સ. રાજુભાઇ દહેકવાલ, શૈલેષભાઇ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ તથા રાહુલ ગીરીએ દરખાસ્ત કરતા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા ભકિતનગર પોલીસ મથકના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડ કોન્સ. નિલેષભાઇ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, હોમગાર્ડ હાર્દીકભાઇ સહિતે નામચીન જમાલ અબ્દુલભાઇ મેતર (ઉ.વ. ૩૩) ની પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.

(4:08 pm IST)