Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

ગુરૂવારની તિરંગા યાત્રા બનશે ઐતિહાસિકઃ ચોમેર ઉત્સાહ

યહ દેશ હે વીર જવાનો કા, અલબેલો કા મસ્તાનો કા, ઈસ દેશ કા યારો કયા કહના, યહ દેશ હે દુનિયા કા ગહના...: મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવશે : બે કિ.મી. લંબાઇનો રાષ્ટ્રધ્વજ, યાત્રાનો રૂટ પ કિ.મી. : વિવિધ ક્ષેત્રનો નાગરિકતા સંશોધનને ટેકોઃ પત્રકાર પરિષદ સંબોધતા રાદડિયા - ભંડેરી

રાષ્ટ્રીય એકતા સમિતિના નામથી ગુરૂવારે નીકળનાર તિરંગા  યાત્રા સંદર્ભે નાગરિકતા પુરવઠા મંત્રી જયેશ રાદડિયા અને મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરીએ પત્રકાર પરિષદ સંબોધેલ તે પ્રસંગની તસ્વીરમાં સાથે ભાજપના અગ્રણીઓ શ્રીમતી બીનાબેન  આચાર્ય, નીતિન ભારદ્વાજ , ગોવિંદભાઇ પટેલ , અરવિંદ રૈયાણી , રાજુભાઇ ધ્રુવ, કમલેશ મિરાણી, ડી.કે. સખિયા , ભાનુભાઇ મેતા, હસુભાઇ ચંદારાણા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલનાયક ડો. વિજય દેશાણી, ઈન્ડિયન મેડિકલ એશો.ના વડા. ડો. ચેતન લાલસેતા , ઉદ્યોગપતિ રમેશ ટીલવા , ગ્રેટર ચેમ્બરના ધનસુખભાઇ વોરા, શાળા સંચાલક મંડળના અજય પટેલ વગેરે  ઉપસ્થિત છે. પત્રકાર પરિષદની વ્યવસ્થા હરેશ જોષી અને તેજસભાઇએ સંભાળી હતી.  (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧૧ :.. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહએ એક અભૂતપૂર્વ અને ઐતિહાસીક નિર્ણય દેશહિત અને માનવતા માટે નાગરિકતા સંશોધન કાયદો ઘડીને કરેલ છે. આ કાયદો કોઇની નાગરીકતા છીનવતો નથી પરંતુ ભારતની નાગરિકતા આપે છે. આ કાયદો મુળ તો આપણા ત્રણ પાડોશી દેશ અફઘાનિસ્તાન, બાંગલાદેશ અને પાકિસ્તાનથી અલ્પસંખ્યક પ્રપિડીત થયેલ છે. તેવા શરણાર્થી નાગરિકોને નાગરિકતા આપવાનો સુધારો છે અને આવા નાગરિકોને આપણા દેશમાં આશ્રય આપવો એ આપણો માનવ ધર્મ છે. આ કાયદા અંગે પ્રવર્તતી ગેર સમજો દૂર કરવી જરૂરી છે અને જન વ્યાપક જન જાગૃતિ કેળવીએ. તેના માટે રાજકોટમાં ગુરૂવારે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રા (રેલી) યોજાશે તેમ નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશ રાદડીયાએ પત્રકારોને જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા નાગરિકતા સંશોધન કાયદાને વ્યાપાક લોક સમર્થન આપવા રાજકોટ ખાતે ૧૩ ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં ર કિ. મી. લંબાઇના તિરંગા યાત્રાનું અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા સમિતિ રાજકોટના નેજા હેઠળ રાજકોટની સ્વૈચ્છીક સંસ્થાઓ, શૈક્ષણીક સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ આ દેશહિતના કાર્યમાં તેમના સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે જોડાઇને લોક સમર્થન આપશે તેમજ પ૦ થી વધુ જ્ઞાતિ સમાજના લોકો, આગેવાનો પણ આ કાર્યક્રમમાં જોડાશે. તેમ શ્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું.

આ ત્રિરંગાયાત્રામાં શહેર-જીલ્લાના વિવિધ સમાજના લોકોને મોટી સંખ્યામાં જોડાવાનું આયોજક સમિતિ દ્વારા આહવાન મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખ ભંડેરીએ જણાવેલ કે કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા નાગરિકતા સંશોધન કાયદાને વ્યાપક લોક સમર્થન આપવા રાજકોટ ખાતે આગામી ૧૩ ફેબ્રુઆરી સવારે મૂખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ર કી.મી.લંબાઇના તિરંગાયાત્રાનું અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

ર કી.મી.લંબાઇના બનાવેલા આપણા રાષ્ટ્રીય ધ્વજની યાત્રામાં રાષ્ટ્રધ્વજનું માન - સન્માન જળવાય તે હેતુથી આ યાત્રાની વ્યવસ્થામાં ૧પ,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાશે. આ તિરંગાયાત્રા તારીખ ૧૩ ના રોજ સવારે રેસકોર્સ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના સ્થળે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષ સ્થાને સભા યોજાશે અને ત્યારબાદ પ્રચંડ લોક સમર્થન રેલીનો પ્રારંભ થશે અને શહેરનાં હૃદયસમા માર્ગો પરથી પસાર થઇનેજયુબેલી બાગ ખાતે પુજય મહાત્મા ગાંધીજીની પ્રમિાએ સમાપન થશે. આ ત્રિરંગાયાત્રામાં શહેર જિલ્લાના વિવિધ સમાજના લોકોને મોટી સંખ્યામાં જોડાવાનું આયોજક સમિતી દ્વારા આહવાન કરવામાં આવે છે. તિરંગાયાત્રાની પૂર્વ તૈયારી માટે સ્વૈચ્છીક સંસ્થાઓ, રાજકોટ શહેરના ૧૮ વોર્ડો અને વિવિધ સમાજોની મિટીંગનો દૌર શરૂ થઇ ગયેલ ઓછામાં ઓછા ૩પ હજાર લોકો આ યાત્રામા જોડાય તેવો લક્ષ્યાંક છે. યાત્રાનો એક છેડો બહુમાળી ભવન એક યાજ્ઞીક રોડ થઇનેજયુબેલી ચોકમાં પહોંચ્યો હશે ત્યારે બીજો છેડો પ્રસ્થાન સ્થળે જ હોય તેટલી લાંબી યાત્રા કરવાની કલ્પના છે. યાત્રા ન ભુતો ન ભવિષ્યની જેવી બની રહેશે.

ધનસુખભાઇ ભંડેરીએ કહ્યું કે નાગરીકતા સંશોધન બિલ ભારતમાં રહેતા શરણાર્થીઓ માટે શાંતિ, સુખ અને સલામતી લઇ આવનારૂ છે. નાગરીકતા બિલમાં કેન્દ્ર સરકારના પ્રસ્તાવિત સંશોધનથી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાથી આવેલ હિન્દુઓ સાથે શિખ, બોદ્ધ, જૈન પારસી અને ઇસાઇઓ માટે માન્ય દસ્તાવેજો વગર પણ ભારતીય નાગરીકતા મેળવવાનો રસ્તો સાફ થઇ જશે.

૩૫૦૦ થી વધુ લોકો જોડાશે, ત્રણ સ્થળોએ પાર્કિંગ પ્રબંધ

પાંચેક કિ.મી લાંબી યાત્રા અઢી કલાક ચાલશે

રાજકોટઃ શ્રી ધનસુખ ભંડેરીએ પત્રકારોને જણાવેલ કે તિરંગા યાત્રામાં ઓછામાં ઓછા ૩૫ હજાર લોકો જોડાય તેવો અંદાજ છે.  આ બીનરાજકીય આયોજન છે.  રાજકીય કાર્યકરો, તબીબો  , વિદ્યાર્થીઓ , વકિલો, ડોકટરો, મહિલા તેમજ સર્વ નાગરિકોને જોડાવા માટે આમંત્રણ છે. લગભગ પાંચેક કિ.મી. રૂટની પદયાત્રા મુખ્યમંત્રી શ્રી રૂપાણીના ઉદબોધન બાદ શરૂ થશે. બહુમાળી ચોકથી  રેસકોર્ષ રોડ, યાજ્ઞિક રોડ, ત્રિકોણબાગ જવાહર રોડ, થઇ જ્યુબેલી ચોકમાં સમાપન થશે. શહેરના વાહનો માટે રેસકોર્ષમાં જિલ્લાના વાહનો માટે ચૌધરી હાઇસ્કુલના મેદાનમાં અને વિદ્યાર્થીઓ માટેના વાહનો પોલીસ હેડ કવાટર્સના મેદાનમાં પાર્ક કરી શકાશે.

નાગરિકતા સંશોધન સંદર્ભે રાજકોટમાં ૪૦૦ અરજીઓ

રાજકોટઃ નાગરિકતા સંશોધનના  ટેકામા નિકળનાર તિરંગાયાત્રા નિમિતની પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં ભાજપના અગ્રણી ડો. ધનસુખ ભંડેરીએ જણાવેલ કે રાજકોટમાં આ કાયદા સંદર્ભે અસરગ્રસ્ત હોય તેવા ૪૦૦ થી વધુ લોકોની અરજીઓ આવી છે. વહીવટી તંત્રના માધ્યમથી આગળની કાર્યવાહી ચાલુ છે.

(4:03 pm IST)