Gujarati News

Gujarati News

News of Tuesday, 11th February 2020

અવધ રોડ પર આવેલ વિર સાવરકરનગર મુખ્યમંત્રી ગૃહ યોજનાના વિવિધ પ્રશ્નોની રજૂઆત

શોપીંગ સેન્ટર, પાણી, કૂતરાના ત્રાસ સહિતની સમસ્યાઓ દૂર કરવા મુખ્યમંત્રીને રહેવાસીઓ દ્વારા રજૂઆત

રાજકોટ, તા. ૧૧ :. શહેરના કાલાવડ રોડ પાસે અવધ રોડ પર રૂડા દ્વારા નિર્માણ કરાયેલ વિર સાવરકરનગર મુખ્યમંત્રી ગૃહ યોજનાના રહેવાસીઓએ આ ટાઉનશીપના વિવિધ પ્રશ્નો અંગે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે.

આ રજૂઆતમાં જણાવાયુ છે કે (૧) વિર સાવરકરનગર મુખ્યમંત્રી ગૃહ યોજના રૂડામાં (૧) શોપીંગ સેન્ટર બે માળના છે. ધાબા ઉપર જવા દાદરા છે, ત્યાં દરવાજો ન મુકી ભયંકર બેદરકારી દાખવી છે. આ શોપીંગ સેન્ટરના ધાબા ઉપર એક ફુટની પાળી હોય તાજેતરમાં ઉત્સવ નામનો બાળક પડી જતા ભયંકર અકસ્માત થયેલ છે.

જો આ શોપીંગ સેન્ટર (દુકાનો)ના દાદરે દરવાજો કરેલો હોત, ધાબાની પાળી ૫ (પાંચ) ફુટ કરેલ હોત, તો આ અકસ્માત ન થયો હોત. તંત્ર કોઈ ભયંકર અકસ્માત થાય ત્યારે જાગે છે, તો તત્કાલ શોપીંગ સેન્ટર દાદરે દરવાજો મુકી તાળુ મારવા લોકોની માંગ છે.

(૨) કૂવાનું ૫ (પાંચ) મીનીટ પાણી આપવામાં આવે છે આ પાણી પીવાલાયક નથી તેથી દાંતના, પેટના ભયંકર રોગ થાય છે તો તત્કાલ નર્મદાના પાણીની લાઈન નાખી પીવાલાયક શુદ્ધ પાણી આપવા માંગ છે. તેમજ અંડરગ્રાઉન્ડ પાણીના ટાંકાને ઢાંકણા ન હોવાથી બાળકો અંદર પડી જવાનો ભય રહે છે, તો ટાંકાના ઢાંકણા તત્કાલ બનાવવા.

(૩) વિર સાવરકરનગરમાં કુતરાનો ત્રાસ છે બાળકો નીચે આવતા ગભરાય છે. નાના મોટાને કૂતરા કરડી જાય છે ત્યારે તત્કાલ કૂતરાઓનો ત્રાસ દૂર કરવો જોઈએ.

એમ્બ્યુલન્સ માટે ફોન કરીએ તો ફોન 'નો રિપ્લાય' થાય છે. 'બે કલાક પછી એમ્બ્યુલન્સ આવશે' ઉડાવ જવાબ આપે છે શોષીત પીડીત દલીતને આ સેવાનો લાભ મળતો નથી પરંતુ ઓળખીતા લાગવગવાળાને લાભ મળે છે તો તત્કાલ તપાસ કરી સંબંધીત કર્મચારીઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગણી છે અને જો આ પ્રશ્નોનો તત્કાલ નિરાકરણ નહી કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવાની ફરજ પડશે. તેમજ અકસ્માત થયેલ બાળકને તંત્ર દ્વારા રૂ. ૨૦,૦૦,૦૦૦ (વીસ લાખ) ચુકવવામાં આવે તેવી માગં રજૂઆતનાં અંતે લતાવાસીઓએ માંગ ઉઠાવી છે.

(3:51 pm IST)